ગર્ભ પ્રચલિત થતો હોય, પ્રદર થયો હોય કે પેટમાં પીડા થતી હોય ત્યારે વાળો, અતિવિષ, મોથ, મોચરસ અને ઇન્દ્રજવ આ સર્વે ઔષધીઓ સરખા ભાગે લઈ તેનો કવાથ કરી તેનું સેવન કરવું.
તાવ
ગર્ભવતી સ્ત્રીને તાવ આવતો હોય ત્યારે તેને જેઠીમધ, રતાંજળી, વાળો, ઉપલસરી અને કમળપત્ર નો કવાથ કરી તેમાં સાકર અને મધ નાખી સેવન કરાવવું.
વિષમજ્વર
બકરીના દૂધ સાથે સૂંઠ પીવાથી ગર્ભવતીનો વિષમ જ્વર મટે છે.
સંગ્રહણી
ગર્ભવતીને સંગ્રહણીમાં આંબાની તથા જાંબુની છાલનો કવાથ કરી તેની સાથે ચોખાની ધાણીનો સાથવો ચટાડવામાં આવે તો તુરંત ગર્ભવતીના ઝાડાનું દર્દ મટે છે.
અતિસાર, લોહીવા, ગર્ભનું પડવું ઈત્યાદી
વાળો, અરલ, રતાંજળી, કાંસકી, ધાણા, ગળો, મોથ, કાળોવાળો, જવાસો, ખડસલિયો પિત્તપાપડો અને અતિવિષ આ સર્વે ઔષધીઓને સમાન ભાગે લઈ તેનો કવાથ કરી ગર્ભિણીને પાવાથી અતિસાર, લોહીવા, ગર્ભનું પડવું, પીડા અને અનેક પ્રકારની વ્યાધિઓનો નાશ થાય છે.
આફરો
પેટ કે પેઢું ચડ્યા હોય ત્યારે વજ અને લસણના કલ્કથી દૂધ પકાવી તેમાં હિંગ અને સંચળ નાખી ગર્ભિણીને પાવાથી આફરો મટે છે.
તૃષા, બળતરા, રક્તપિત્ત અને મૂત્રનો અટકાવ
ચોખાના-ડાંગરના મૂળ, શેરડીના મૂળ, ડાભના મૂળ, કાસડાના મૂળ અને પાનબાજરિયાના મૂળ આ સર્વેનો કલ્ક બનાવી આ કલ્કથી દૂધ પકાવી લો. આ દૂધના સેવનથી તૃષા, બળતરા, રક્તપિત્ત અને મૂત્રનો અટકાવ વિગેરે સમસ્યાઓનો નાશ કરે છે.
ગર્ભસ્ત્રાવ થવાના કારણો
સ્ત્રી ગર્ભવતી હોવા છતાં પુરુષ સાથે સંભોગમાં રત રહેવાથી ગર્ભસ્ત્રાવ થવાના જોખમો રહે છે.
લાંબી મુસાફરી કરવાથી, ઘોડા, ઊંટ, ગાડી ઈત્યાદીની સવારી કરવાથી, અતિ પરિશ્રમ કરવાથી, ગર્ભ ઉપર દબાણ પડવાથી ગર્ભપાત થઈ શકે છે.
સગર્ભાવસ્થામાં ઉપવાસ કરવાથી, ઠેકવાથી, દોડવાથી, પ્રહાર વાગવાથી, ભારે કસરત અને વ્યાયામ કરવાથી ગર્ભ સ્ત્રવિ શકે છે.
અજીર્ણથી, રેચથી, ઉલટીથી, કલેશથી, ગર્ભને પાડનારા પદાર્થોના સેવનથી, તીક્ષ્ણ, ખારા, ગરમ, તીખા, કડવા અને લૂખા પદાર્થોના સેવનથી ગર્ભ નાશ થાય છે.
ખાડા ટેકરા વાળા તથા પત્થરાવ વાળા રસ્તા ઉપર ગાડીની સવારી કરવાથી અને વેગથી ચલાવવાથી, કઢંગી રીતે સુવાથી અને ભય પામવાથી ગર્ભસ્ત્રાવ થાય છે.
ગર્ભસ્ત્રાવના લક્ષણો
ગર્ભપાત થવાનો હોય ત્યારે શૂળ ઉદભવે અને રક્ત સ્ત્રાવ થાય છે.
ચોથા મહિના સુધી ગર્ભ રુધિર સ્વરૂપે હોય છે. તેથી આ દિવસો દરમિયાન ગર્ભને નુકસાન થાય તો તેને ગર્ભસ્ત્રાવ કહેવાય છે.
ચોથા મહિના પછી ગર્ભ વિકાસ પામી પાંચમા અને છ્ઠા મહિને ગર્ભના અંગો કઠણ થાય છે તેથી આ દિવસો દરમિયાન ગર્ભને થતું નુકસાન ગર્ભપાત કહેવાય છે.
જેમ વૃક્ષના કાચા ફળને ઘા વાગવાથી તે તૂટીને નીચે પડે છે તેમ કાચા ગર્ભને પણ કોઈ ચોટ લાગવાથી કે દબાણમાં આવવાથી પડી જાય છે. માટે સગર્ભાએ આ દિવસો દરમિયાન સાવચેતી રાખવી તેમજ આહાર વિહારમાં જાગૃતિ સેવવી.
ગર્ભપાતના ઉપદ્રવો
ગર્ભ પડતો હોય ત્યારે ખૂબ બળતરા થાય છે. પડખાઓમાં વેદના, શૂળ ઉદભવે, પીઠમાં પીડા થાય, પેટમાં આફરો થાય અને મૂત્ર પ્રવૃત્તિ અટકી જાય છે.
ગર્ભ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે આમાશય અને પકવાશયમા ક્ષોભ થાય ઈત્યાદી ગર્ભપાતના ઉપદ્રવો થાય છે.
ગર્ભિણી સ્ત્રીના તાવનો ઉપાય
કવાથ
રતાંજળી, કાળીદ્રાક્ષ, ધોળી ઉપલસરી, જેઠીમધ, મહુડો, ધાણા, સુગંધી વાળો, અને સાકર આ બધા જ ઔષધોને એક સરખા વજન (સમાન માત્રા) માં લઈ તેનો કવાથ બનાવી લો.
આ કવાથનો સાત દિવસ સુધી સેવન કરાવવાથી ગર્ભવતી સ્ત્રીનો તાવ નાશ પામે છે.
ગળતા ગર્ભને થંભાવવાના ઉપાય
કવાથ
નીલું કમળ, રાતું કમળ, રાતે ખીલનારું કમળ અને જેઠીમધ આ સર્વેનો કવાથ કરી પીવાના અભ્યાસથી (નિરંતર અને નિયમિત પીવાથી) બળતરા, તરશ, છાતીની પીડા, રક્તપિત્ત, મૂર્ચ્છા, ઉલ્ટી, અરુચિ અને ગર્ભનું ગળવું એ સર્વે ઉપદ્રવોથી બચી જવાય છે.
પડતા ગર્ભને થંભાવવાના ઉપાય
કલ્ક
ડાભ, કાસડો, એરંડો અને ગોખરુ આ સર્વે ઔષધિના મૂળ લઈ કલ્ક કરી રાખી લો. આ કલ્કથી પકાવેલા દૂધમાં સાકર નાખી તેનું સેવન કરાવવાથી ગર્ભવતીનું શૂળ મટે છે.
કલ્ક
ગોખરુ, જેઠીમધ, ભોરિંગણી અને અમ્લાન (બાણપુંખ, શરપુંખ, શરપંખો) આ સર્વેના કલ્કથી દૂધને પકાવી તેમાં સાકર અને મધ મિશ્રિત કરી ગર્ભિણીને પાવાથી તેની વેદનાનો નાશ થાય છે.
ચૂર્ણ
ભમરીના દરની (ઘરની) માટી, મજીઠ (અથવા રિસામણી), મોગરો, ધાવડીના ફૂલ, સોનાગેરું અને રાળ આ સર્વે અથવા જે મળે તે પદાર્થોનું જીણું ચૂર્ણ કરી મધમાં કાળવી ચાટવાથી ગર્ભપાતમાં શાંતિ થાય છે.
કલ્ક
કસેલાં, કમળ અને શિંગોડા સમાન ભાગે લઈ તેનો કલ્ક કરી દૂધ સાથે પીવાથી ગર્ભિણીનો ગર્ભ પડતો નથી અને ગર્ભપાતની શાંતિ થાય છે.
પ્રસવ માસનો નિયમ અને ઉપચાર
મોટાભાગે ગર્ભિણીને નવ કે દસમા માસે પ્રસવ થાય છે. ઘણીવાર અગિયાર કે બારમાં માસે પણ બાળકને જન્મ આપે છે.
પરંતુ આ સમય વીતવા છતાં ગર્ભનો પ્રસવ ના થાય તો તે ગર્ભમાં કોઈ વિકાર હોય શકે છે તેથી તે ગર્ભિણીને વિષમાસન, વિષમ વાહન, ખાંડવું, ઈત્યાદી કામો કરાવવા. આમ કરાવવાથી ખુલાસો થાય છે. (જો કે હાલના સમયમાં વિજ્ઞાનિક દ્રષ્ટિએ આવા સખત કામો ન કરાવતા આધુનિક પદ્ધતિથી સારવાર લેવી બહેતર છે.)
ગોળાનો એક પ્રકાર કે જેને તરૂણી ગુલ્મ કહે છે, આ ગુલ્મના સંજોગોમાં ગોળાનો નાશ કે ગર્ભપાતના ઉપાયો યોજવા.