શરીરમાં ઉત્પન્ન થતા રોગો પૂર્વે તેને નિર્દેશ કરવા સ્વરૂપે પ્રથમ તાવ આવે છે અને ત્યારબાદ જ જે તે રોગો તેના મૂળ સ્વરૂપે દેખાય આવે છે.
અહી તાવ કે જેને આયુર્વેદમાં જવર કહેલો છે તેના વિસ્તાર પૂર્વક લક્ષણો અને તેને મટાડવા માટે ના પ્રયત્નો અહી પ્રસ્તુત છે.
તાવ (જવર) ની ઉત્પત્તિ અને પ્રકાર
મિથ્યા આહાર વિહાર આમાશય માં રહેલા વાયુ, પિત્ત, અને કફ ને બગાડે છે. આ ખોટા આહાર નો રસ આ ત્રણે દોષોને વિક્ષેપ કરી જઠરાગ્ની ને મંદ પાડી દે છે. જઠરાગ્ની ની ગરમી બહાર નીકળી શરીરના બધા જ અંગો ને અગ્નિરૂપ – ઉષ્ણ કરી દે છે જેને આપણે તાવ તરીકે ઓળખીએ છીએ.
તાવ (જવર) ના આયુર્વેદમાં આઠ પ્રકાર વર્ણવેલા છે.
૧ વાયુનો તાવ
૨ પિત્તનો તાવ
૩ કફનો તાવ
૪ વાત અને પિત્ત નો તાવ
૫ વાત અને કફ નો તાવ
૬ કફ અને પિત્ત નો તાવ
૭ સન્નિપાત નો તાવ
૮ આગંતુક તાવ
તાવ (જવર) ના લક્ષણો
શરીરમાં તાવ આવે ત્યારે શરીર ઉષ્ણ (ગરમ) થઇ જાય, પરસેવો ન થાય, તરસ ન લાગે, શરીરના બધા અંગો સજ્જડ થઇ જાય, માથું દુખે, હાથ-પગ માં દુઃખાવો થાય, કોઈ વસ્તુમાં મન ન લાગે અને વ્યાકુળતા થયા કરે આ બધા જ લક્ષણો હોય તેને તાવ આવ્યો છે એવું જાણવુ.
વાયુના તાવ ના લક્ષણ
શરીરના અંગો ધ્રુજયા કરે, શરીર સામાન્ય કરતા વધારે ગરમ હોય, કંઠ, હોઠ અને મોઢું સુકાયા કરે, નિદ્રા અને છીંક ન આવે, શરીર લુખું પડી જાય, માથું દુખે, અંગોમાં પીડા અનુભવાય, મુખમાંથી સ્વાદ જતો રહે, મળ ઉતરે નહિ, પેટમાં શૂળ ચાલે, આફરો ચડે અને બગાસા બહુ આવે તો જાણવુ કે તે વાયુનો તાવ છે.
જેને ખુબ જ તાવ ચડી આવ્યો હોય તેને ત્રણ ઉભરા આવી ગયેલું ગરમ પાણી પાવું. રોગીનું બળ જોઇને હળવો ઉપવાસ કરાવવો અથવા પથ્ય અને હલકું ભોજન કરાવવું. વધુ પડતો પવન અને ખરાબ હવા માં તથા ભેજ વગરની સ્વચ્છ જગ્યાએ રોગીને રાખવો. સુંદર, સુંવાળા અને ઝીણા બિછાના ઉપર સુવડાવવો અને ત્રણ દિવસ સુધી કડવી અને રેચ આવે તેવી દવાઓ આપવી નહિ.
આ પ્રયત્નો કર્યા પછી ૪ માસા સુંઠ અને ૪ માસા ધાણા નો કવાથ કરી રોગીને પાવો જેથી તાવ મટી જાય અને ભૂખ લાગે છે.
વાયુના તાવ ના ઉપાય
કરિયાતું, મોથ, વાળો, મોટી રિંગણી, ભોરિંગણી, લીંબડાની ગળો, ગોખરુ, સમેરવો, ગધી સમેરવો, અને સુંઠ આ સઘળા ઔષધો સમાન ભાગે લઇ ખાંડી કવાથ ની વિધિ પ્રમાણે કવાથ બનાવી રોગીને પાવાથી વાયુ ના તાવ નો નાશ થાય છે.
કવાથ
સુંઠ, લીંબડાની ગળો, ધમાસો, જવાસો, કાળીપાડ, કચૂરો, અરડુંસો, એરંડાનું મૂળ, અને પુષ્કર મૂળ એ સઘળા ઔષધ લઇ ખાંડી તેનો કવાથ બનાવી લેવો. આ કવાથ રોગીને પાવાથી વાયુ ના કારણે આવેલો વાતજ્વર નાશ પામે છે.
હિંગુલેશ્વર રસ
શુદ્ધ હિંગળોક, પીપર, અને શુદ્ધ વચ્છનાગ લો અને ખરલ માં પાણી સાથે સારી રીતે ઘૂંટી લો અને અડધી રત્તી પ્રમાણે નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળી દિવસમાં એકવાર એમ ક્રમવાર ૫ ગોળી લેવાથી વાતજ્વર નો નાશ થાય છે.
કવાથ
શતાવરી અને લીંબડાની ગળો નો રસ બંને સમાન ભાગે લઇ તેનો કવાથ બનાવી લો. આ કવાથમાં એક તોલો જુનો ગોળ નાખી રોગીને પાવામાં આવે તો વાતજ્વર મટી જાય છે.
કાળીદ્રાક્ષ, પીપર, પીત્તપાપડો, અને વરિયાળી આ ત્રણે ઔષધ ૧ – ૧ તોલો લઇ તેનો કવાથ બનાવી રોગીને પાવાથી વાતજ્વર નો નાશ થાય છે.
પથ્ય અને સુચના
વાતજ્વર ના રોગીને મગ, મઠ, મસુર, અને કળથી ની દાળનું પાણી પથ્ય છે.
વાયુના તાવમાં ૭ દિવસ પછી કવાથ નો ઉપયોગ કરવો.
પિત્તના તાવ ના લક્ષણ
આંખમાં બળતરા થાય, મોઢું તીખું રહે, તરશ ઘણી લાગે, ચક્કર આવે, બકવા બહુ કરે, શરીર ગરમ લાગે, અધિક તાવ નો વેગ હોય, પાતળો ઝાડો હોય, ઉલટી, નિંદ્રાનો નાશ, મોઢું સુકાય અને પાકી જાય, પરસેવો થાય, અને મળ, મૂત્ર તથા નેત્ર પીળા હોય તો જાણવુ કે એ પિત્તનો તાવ છે.
પિત્તના તાવ ના ઉપાય
પિત્તના તાવમાં પિત્ત ને શમાવનારા ઔષધોનો ઉપયોગ કરવો.
કવાથ
નાગરમોથ, ધમાસો, પિત્તપાપડો-વાળો, કરિયાતું, અને લીંબડાની અંતરછાલ એ સઘળી ઔષધી લઇ તેનો વિધિ પ્રમાણે કવાથ કરી પીવાથી પિત્ત નો તાવ નાશ પામે છે.
દ્રાક્ષ, કડુ, ગરમાળા નો ગોળ, મોથ, હરડે, અને પિત્તપાપડો, એ સઘળા ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ કરી પીવાથી પિત્તજ્વર, તરશ, ઘેન, બળતરા, મૂર્છા, બકવા, મુખશોષ, ચક્કર અને પિત્તપ્રમેહ એ સર્વ રોગ મટે છે.
પિત્તપાપડો, મોથ, અને કરિયાતું એ સર્વે ઔષધી સવા તોલો પ્રમાણે લઇ તેનો કવાથ કરી ત્રણ દિવસ પીવાથી પિત્તજ્વર દુર થાય છે.
રતાંજળી, પદ્મક, ધાણા, લીંબડાની ગળો, અને લીંબડાની અંતરછાલ આ સર્વ ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ કરીને પીવાથી પિત્તજ્વર, બળતરા, તૃષા, અને ઉલટી એ સઘળા રોગો ને દુર કરે છે. તથા જઠરાગ્ની ને દીપાવે છે.
ચૂર્ણ
1 ૨ માસા ખેરસાર
2 ૨ માસા કડુ
3 ૨૪ રતી સાકર
4 ૨૪ રતી વિરણવાળો
ઉપરના ઔષધ લઇ તેનું બારીક ચૂર્ણ બનાવી તે ગરમ પાણી સાથે લેવાથી પિત્ત નો તાવ (પિત્તજ્વર) દુર થાય છે.
પેય
સુખડ ૨૪ રતી, અને વિરણવાળો ૨૪ રતી લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી તેને ૬ તોલા ફાલસા ના શરબત માં ૩ તોલા સાકર નાખી પીવે તો પિત્તજ્વર દુર થાય છે.
પિત્તજ્વર ના અન્ય ઉપાય
ચોખાની ધાણીના પાણીમાં સાકર નાખી પીવાથી ઉપદ્રવ યુક્ત પિત્તજ્વર દુર થાય છે.
ઘઉં ના લોટમાં સાકર અને પાણી નાખી અગ્નિ ઉપર સારી પેઠે સીજવી પાતળી રાબડી કરી પીવાથી પિત્તજ્વર મટી જાય છે.
મીઠા દાડમ નું શરબત પીવાથી પિત્તજ્વર મટે છે.
ફાલસા ના શરબત માં સિંધાલુણ નાખી પીવાથી પિત્તજ્વર જાય છે.
મગ ની દાળ ના પાણીમાં સાકર મેળવી પીવાથી પિત્તજ્વર નાશ પામે છે.
કાળીદ્રાક્ષ નું શરબત સાકર નાખી પીવાથી પિત્તજ્વર દુર થાય છે.
મર્દન
ગુલાબના ફૂલો ની પાંખડીઓના ધોળા તલ ને પાંચ સાત પુટ દઈ તેનું તેલ કઢાવી લેવું. આ ગુલાબનું તેલ દાહજ્વર વાળા રોગીના શરીરે મર્દન કરે તો દાહજ્વર દુર થાય છે.
સો વાર કે એક હજાર વાર પાણીથી ધોવાયેલા ઘી નું શરીરે મર્દન કરવાથી દાહજ્વર તત્કાળ મટે છે.
લીંબડાના કુણા પાન બારીક વાટી તેમાં પાણી નાખી ખુબ વલોવવા જેથી પાણી ઉપર ફીણ આવે છે. આ ફીણ થી શરીર ઉપર લેપ કરવાથી, અથવા ફીણમાં બહેડા ની મીંજ વાટી ઉમેરી શરીરે લેપ કરવાથી દાહ ની વ્યથા તુરંત દુર થાય છે.
પથ્ય અને સુચના
પિત્તજ્વર માં સાકર અને દહીંની સાથે ચોખાની ધાણી નો સાથવો પાણીમાં ઘોળીને આપવો પથ્ય છે.
મગ ના યૂષથી ભીંજવેલો ભાત સાકર સાથે ખાવો અને પિત્ત ને શાંત કરનારા પદાર્થો નું સેવન હિતકારી છે. તે સિવાય અન્ય અહિતકારી છે.
પિત્તના તાવમાં ૧૦ દિવસ વીત્યા પછી કવાથ નો ઉપયોગ કરવો.
કફના તાવ ના લક્ષણો
જે મનુષ્ય ને અન્ન ઉપર અરુચિ થાય, શરીર સજ્જડ અને રોમાંચ-રુવાડા ઉભા થાય, નખ શ્વેત પડી જાય, નિંદ્રા ઘણી આવે, શરીર શીતળ થઇ જાય, મોઢું મીઠું રહે, તાવનો વેગ વિશેષ ન હોય, આળસ થાય, શ્વાસ તથા ઉધરસ અને પીનસ હોય તો કફ નો તાવ છે એવું જાણવું.
કફજ્વર ના ઉપાય
કવાથ
લીંબડાની અંતરછાલ, સુંઠ, લીંબડાની ગળો,ભોરીગણી, પુષ્કરમૂળ, કડુ, કચૂરો, અરડુંસો, કાયફળ, પીપર અને શતાવરી, આ સઘળા ઔષધો સમાન માત્રા માં લઇ તેનો કવાથ બનાવી પીવાથી કફજ્વર નાશ પામે છે.
રીંગણી, લીંબડાની ગળો, સુંઠ, અને પુષ્કરમૂળ, સમાન ભાગે લઇ તેનો કવાથ પીવાથી કફજ્વર, વાતજ્વર, અને ત્રિદોષ જવર પણ દુર થાય છે.
ભોરીંગણી, પીપર, કાકડાશીંગ, લીંબડાની ગળો, અને અરડુંસો આ બધા ઔષધ ૨ – ૨ ટાંક લઇ અને તેનો કવાથ કરી પીવાથી કફજ્વર, શ્વાસ, ઉધરસ, અને મંદાગ્ની દુર થાય છે.
અરડૂસી કે અરડુસા નો કવાથ પીવાથી કફજ્વર તત્કાલ દુર થાય છે.
શિતભંજી રસ ૨ રતી અરડુસા અને સુંઠ ના કવાથ સાથે પીવાથી કફજ્વર તત્કાલ દુર થાય છે.
ચૂર્ણ
કાયફળ, પીપર, કાકડાશીંગ, અને પુષ્કરમૂળ, સમાન માત્રા માં લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ૧ તોલો લઇ તેમાં મધ ઉમેરો. આ મિશ્રણ ચાટવાથી કફજ્વર, શ્વાસ, અને ઉધરસ, વિગેરે રોગો દુર થાય છે.
સુંઠ, કાળામરી, પીપર, ચિત્રામૂળ, પીપરીમૂળ, જીરું, શાહજીરું, લવિંગ, એલચી, શેકેલી હિંગ, અજમો, અને બોડી અજમો, આ સઘળા ઔષધો સમાન ભાગે લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ૧ તોલો ગરમ પાણી સાથે પીવાથી પાચન વધે, ભૂખ લાગે અને કફજ્વર દુર થાય છે.
પરેજી
કફજ્વર ના રોગીઓને ઉકાળેલુ પાણી થોડું થોડું પાવું.
૧૨ હલકા ઉપવાસ કરાવવા. કફજ્વર ના રોગીઓને, ક્ષય ના રોગીઓને, તીક્ષ્ણ અગ્નિવાળાને, ગર્ભવતી સ્ત્રીને, બાળકને, વૃદ્ધને, બીકણ કે ડરેલાને, તૃષાતુરને, અને દુર્બળ રોગીઓ હોય તેને ઉપવાસ ન કરાવવા.
ઉપવાસ બાદ મગ, મઠ, અથવા કળથી નું યૂષ પાવું હિતકારી અને પથ્ય છે.
બીજોરાનું કેસર સિંધાલુણ સાથે આપવું પથ્ય છે.
દિવસે સુવું એ કુપથ્ય છે.
વાત અને પિત્ત ના તાવ ના લક્ષણ (વાતપિત્ત જવર)
જે રોગીને વાત અને પિત્ત બંને દોષોથી તાવ આવ્યો હોય તેને મૂર્છા આવે, ચક્કર ચડે, દાહ, નિંદ્રાનો નાશ થાય, માથું દુખે, ગળું અને મો સુકાય, ઉલટી થાય, રોમાંચ, અરુચિ, આંખે અંધારા આવે, આખા શરીરે પીડા અનુભવાય, બગાસા આવે, અને બક બક કર્યા કરે તો જાણવું કે તે રોગી વાત અને પિત્ત બને દોષો થી યુક્ત તાવ થી ગ્રસ્સ્ત છે.
વાતપિત્ત જવર ના ઉપાય
કવાથ
બળબીજ (અથવા કાંસકી ના મૂળ), લીંબડાની ગળો, એરંડમૂળ, મોથ, પદ્મક, ભારીંગ, પીપર, વાળો, અને રતાંજળી, એ સઘળા ઔષધો ૫ – ૫ માસા લઇ ખાંડી લો અને ત્યારબાદ તેનો કવાથ બનાવી સેવન કરવાથી વાતપિત્તજવર દુર થાય છે.
લીંબડાની ગળો, પિત્તપાપડો, કરિયાતું, મોથ, અને સુંઠ સમાન માત્રા માં લઇ તેને ખાંડી કવાથ બનાવી નિરંતર યોગ્ય માત્રા માં પીવાથી વાતપિત્તજવર મટે છે.
લીંબડાની ગળો, પિત્તપાપડો, સુંઠ, મોથ, અને અરડુંસો સમાન માત્રા માં લઇ તેને ખાંડી કવાથ બનાવી રોગીને યોગ્ય માત્રા માં પાવાથી વાતપિત્તજવર દુર થાય છે.
કડવા પરવળ, લીંબડાની અંતરછાલ, લીંબડાની ગળો, અને કડુ આ બધા ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ બનાવી પીવાથી વાતપિત્તજવર દુર થાય છે.
મહુડો,જેઠીમધ, લોદર, ધોળી ઉપલસરી, મોથ, અને ગરમાળા નો ગોળ, આ સર્વે ઔષધ લઇ ખાંડી કવાથ બનાવી અને આ કવાથ રોગી ને પાવાથી વાતપિત્તજ્વર દુર થાય છે.
અન્ય ઉપચાર
ચોખાની ધાણીના પાણી માં સાકર અને મધ ઉમેરી પીવાથી વાતપિત્તજવર દુર થાય છે.
સુંઠ, કાળામરી, પીપર, લઇ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ને કપડાથી ચાળી લેવું. આ ચૂર્ણ માં મધ ઉમેરી ચાટવાથી વાતપિત્તજવર નો નાશ થાય છે.
વાત અને કફ નો તાવ (વાતકફ જવર)
વાતકફ જવર ના લક્ષણ
જે રોગી ને ઉધરસ, અરુચિ, સાંધાઓમાં દુખાવો, માથામાં પીડા, પીનસ, સંતાપ, કંપવા, શરીર ભારે રહે, અનિંદ્રા, પ્રસ્વેદ, શ્વાસ, પેટમાં શૂળ, નાડી સર્પ કે હંસની જેમ વાંકી અને ધીમી ચાલે, મૂત્ર નો રંગ ધુમાડા જેવો કે સફેદ તથા સૂરમાં જેવો હોય, ઝાડા નો રંગ કાળો અને ચીકણો હોય, નેત્ર ધુમાડા ના રંગ સમાન હોય, મ્હો કસાયલુ કે મીઠું રહે, જીભ કાળી કે શ્વેત – પાણી જેવી શ્વેત હોય, કંઠ માંથી કફનો ઘઘરાટ જેવો અવાજ આવે, શરીર ઠંડુ લાગે, આવા લક્ષણો હોય ત્યારે તેને વાતકફ દોષ લાગેલો હોય અને તે વાતકફ જવર આવ્યો છે તેમ જાણવું.
વાતકફ જવર ના ઉપાય
ઉપર પ્રમાણે ના લક્ષણો ધરાવતા તાવ વાળા રોગી ને ૧૦ દિવસ લંઘન (ઉપવાસ) કરાવવા. પાંચ શેર નું અઢી શેર રહે તેવું ઉકાળી તે પાણી રોગી ને પાવું.
કવાથ
કરિયાતું, મોથ, લીંબડાની ગળો અને સુંઠ, આ બધા જ ઔષધ સમાન માત્રા માં લઈને ખાંડવું અને તેનો કવાથ બનાવી પીવું અને તે ઉપર પથ્ય પદાર્થ સેવન કરે તો કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ન થાય.
આ પ્રકારના તાવ માં નીચે આપેલો કવાથ બનાવી રોગી ને પીવવડાવમાં આવે તો વાતકફ જવર તત્કાલ નાશ પામે છે.
કાયફળ, દેવદાર, ભારીંગ, વજ, મોથ,ધાણા, પિત્તપાપડો, હરડે, સુંઠ, અને કરંજની જડ. આ સઘળા ઔષધો સમાન લઇ તેને ખાંડી કવાથ બનાવી લો, આ કવાથ મધ અને હિંગ સાથે પીવામાં આવે તો વાતકફ જવર મટી જાય છે અને ઉધરસ, હેડકી,શોષ, તથા શ્વાસ અને ગલગ્રહ વગેરેને દુર કરી શકાય છે.
મોથ, પિત્તપાપડો, ગળો, સુંઠ, અને ધમાસો એ સર્વે ઔષધ સમાન ભાગે લઇ ખાંડી તેનો કવાથ બનાવી પીવાથી વાતકફ જવર, ઉલટી, બળતરા, મુખમાં પડતો શોષ, વગેરે દુર થાય છે.
ભોરીંગણી, સુંઠ, પીપર, અને લીંબડાની ગળો એ સર્વે ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ કરી પીવાથી વાતકફ જવર નાશ પામે છે.
સાલપરપોટી, પીલાવણી, ભોરીંગણી, ઊભી રીંગણી, માળવી ગોખરુ,બિલા નો ગર્ભ, અરણી, શિવણ, અરલું, અને પાડળ એ દશમૂળ નો કવાથ કરી તેમાં પીપર ઉમેરી સેવન કરવાથી વાતકફ જવર દુર થાય.
અન્ય ઉપાય
આ તાવ આવવાથી મોઢું સુકાય જાય, તાળવું સુકાઈ જાય, જીભ ખરસટ થઇ જાય, તો બીજોરાના કેસરમાં સિંધાલુણ અને કાળામરી નું ચૂર્ણ બનાવી, તે ચૂર્ણ નો લેપ બનાવી જીભ ઉપર લગાવવાથી મોઢાનો તથા તાળવાનો શોષ અને જીભની કઠોરતા દુર થાય છે.
કરિયાતું, લીંબડાની ગળો, દેવદાર, કાયફળ, અને વજ, એ સર્વે ઔષધ સમાન માત્રા માં લઇ ખાંડી તેનો કાઢો કરી પીવાથી વાતકફજવર નાશ પામે છે.
કફ અને પિત્ત નો તાવ (કફપિત્તજવર)
કફપિત્તજવર ના લક્ષણ
જે રોગીનું મોઢું અને જીભ કફથી લિપ્ત રહે, તંદ્રા, મોળ, ઉધરસ, અરુચિ, તૃષા વધારે લાગે, શરીરે બળતરા અનુભવાય, ઠંડી લાગે, શરીરમાં પીડા, છાતીમાં દુખાવો, ફેર ચડે, ક્ષુધા લાગે નહિ, શરીર સજ્જડ થઇ જાય, હંસ તથા દેડકા સમાન નાડી ચાલે, લાલાશ સહીત ચીકણું, સફેદ રંગ નું મૂત્ર અને મળ હોય, આંખો દેડકાની આંખો જેવી લીલી પીળી હોય, મોઢું મીઠું અને કડવું રહે, જીભ સફેદ અને સહેજ લાલાશ વાળી હોય તો જાણવું કે તે રોગી કફપિત્તજવર થી ગ્રસ્ત છે.
કફપિત્તજવર ના ઉપાય
કફપિત્તજવર ના રોગીઓ ને ૧૪ દિવસ ના ઉપવાસ કરાવવા અને ચાર શેર પાણીમાંથી અડધો શેર પાણી બાકી રહે ત્યાં સુધી પાણી ઉકાળી અને તે પાણી પાવું.
કવાથ
લીંબડાની ગળો, રતાંજળી, સુંઠ, સુગંધી વાળો, કાયફળ, અને દારૂહળદર, આ સધળા ઔષધ સમાન માત્રા માં લઇ ખાંડી તેનો કવાથ બનાવી પીવાથી કફપિત્તજવર દુર થાય છે.
લીંબડાની ગળો, ઇન્દ્રજવ, લીંબડાની અંતરછાલ, પટોળ, કડુ, સુંઠ, રતાંજળી, અને મોથ એ સઘળા ઔષધ લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ અષ્ટાવશેષ પાણી (આઠમાં ભાગનું બાકી રહે ત્યાં સુધી ઉકાળેલું પાણી) સાથે પીવાથી તાવ, શ્વાસ, ઉષ્ણતા, છાતીનો દુખાવો, અને અરુચિ એ સર્વે રોગો ને મટાડે છે. આ ઔષધને “અમતાષ્ટક કવાથ” કહેવામાં આવે છે.
લીંબડાની અંતરછાલ, રતાંજળી, કડુ, લીંબડાની ગળો, અને ધાણા એ સઘળા ઔષધ ને સમાન માત્રા માં લઇ ખાંડી તેનો કવાથ કરી પીવાથી કફપિત્તજવર દુર થાય છે. આ સાથે આ કવાથ બળતરા, અરુચિ, તૃષા, અને ઉલટી મટાડે છે અને અગ્નિ ને પ્રદીપ્ત કરે છે.
લીંબડાની ગળો, ભોરીંગણી, ઊભી ભોરીંગણી, કચૂરો, દારૂહળદર, પીપર, અરડુસો, પટોળ (કડવા પરવળ), લીંબડાની અંતરછાલ, અને કરિયાતું, એ સઘળા ઔષધ સમાન માત્રા માં લઇ ખાંડી વિધિપૂર્વક કવાથ બનાવી બે ટાઇમ પીવાથી કફપિત્તજવર નાશ પામે છે.
કાળી દ્રાક્ષ, ગરમાળાનો ગોળ, ધાણા, કડુ, પીપરીમૂળ, સુંઠ, અને પીપર એ સઘળા ઔષધ સમાન માત્રા માં લઇ ખાંડી વિધિયુક્ત કવાથ બનાવી બંને સમય પીવાથી શૂળ, ભ્રમ, મૂર્છા, અરુચિ, ઉલટી, અને કફપિત્તજવર નો નાશ થાય છે.
અન્ય ઉપાય
1 ૫ ટાંક શુદ્ધ પારો
2 ૫ ટાંક શુદ્ધ ગંધક
3 ૫ ટાંક કાળામરી
4 ૫ ટાંક શુદ્ધ ટંકણખાર
ઉપરોક્ત ઔષધ લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અને તેને આદુના રસની ૭ ભાવના આપવી ત્યારબાદ એ જ પ્રમાણે પાનના રસની ૭ ભાવના આપવી અને સારી રીતે ઘૂંટી લેવું.
આ ઔષધ ની ૪ રતીભાર પ્રમાણે ગોળીઓ વાળી લેવી.
આ ઔષધ ની એક ગોળી સવારે અને એક ગોળી સાંજે નિયમિત અને નિરંતર ૭ દિવસ લેવાથી કફપિત્તજવર નો ચોક્ક્સ નાશ થાય છે.
સન્નિપાત નો તાવ (ત્રિદોષ-સન્નિપાત જવર)
ત્રિદોષ – સન્નિપાતજવર ની ઉત્ત્પતી, નિદાન અને લક્ષણો
ઉત્ત્પત્તિ
જે મનુષ્ય અધિક પ્રમાણમાં ચીકણા-સ્નિગ્ધ, અધિક ખાટા, અધિક ગરમ, અધિક તીખા, અધિક મીઠા, અને અધિક પ્રમાણમાં લૂખા ભોજન નું સેવન કરે તથા વિરુદ્ધ આહાર કરે, વધુ પ્રમાણમાં આહાર કરે, દુષિત થયેલું પાણી પીવે, ક્રોધીલી, રોગગ્રસ્ત સ્ત્રી સાથે સંભોગ કરે, ખરાબ અથવા કાચું માંસ ખાય, અને ઠંડી, તડકો,,દેશ, ઋતુ, તથા ગ્રહ પ્રતિકુળ હોય તેવી સ્થિતિમાં તેને સન્નિપાત ની ઉત્પત્તિ થાય છે.
નિદાન અને લક્ષણો
સન્નિપાતજવર વાળા રોગીઓ ને ક્ષણવારમાં ઓચિંતા દાહ-બળતરા થાય તો ક્ષણવારમાં ઠંડી લાગવા માંડે, સ્વભાવ ફરી જાય, સર્વે ઇન્દ્રિયો પોતપોતાના ધર્મ નો ત્યાગ કરી દે, પુરા શરીરમાં, હાડમાં, સાંધાઓમાં, અને માથામાં અત્યંત પીડા થાય, આંખો લાલ અને કાળી થઇ જાય અને આંસુ આવે, કાનમાં ઘોંઘાટ સંભળાય, કાનમાં પીડા થાય, કંઠ અવરોધાય, તંદ્રા, મોહ, બકવા, ઉધરસ, શ્વાસ, અરુચિ, ભ્રમ, જીભ કાળી અને ખરસટ તથા જડ થાય, લોહી યુક્ત કફ નો સ્ત્રાવ થાય, દિવસે નિંદ્રા આવે અને રાત્રે ન આવે, પરસેવો ઘણો આવે અથવા આવે જ નહિ, અચાનક રુદન કે હસે કરે, ગાયન કરે, ધુણવા લાગે, તરશ ઘણી લાગે, છાતીમાં દુખાવો થાય, પેશાબ ઉતરે નહિ અને જો ઉતરે તો પીળું, રાતું કે કાળું અને થોડી માત્રામાં ઉતરે, શરીર દુર્બળ થઇ જાય, કંઠમાં કફ બોલે, બોલતા લોચા વળે અથવા બોલી જ ન શકાય, હોઠ અને મુખ પાકે, પેટમાં ભાર અનુભવાય, મળ કાળો તથા સફેદ અને સુવરના માંસ જેવો ઉતરે અથવા ઉતરે જ નહિ, અને નાડી ની ગતિ મહામંદ તથા ત્રુટક અનુભવી શકાય છે.
આ પ્રમાણે ના લક્ષણો જે રોગીઓમાં જણાય તો જાણવું કે તેને ત્રિદોષ કોપ્યા છે અને તેથી સન્નિપાત જવર આવ્યો છે.
સન્નિપાત જવર માટે ચતુર વૈદ્યે મંત્ર, તંત્ર, યંત્ર, ડામ, ડંખ, અને ઉત્તમ ઔષધો નો ઉપયોગ કરી રોગી ની સારવાર કરવી અને તેને કાળ ના મુખમાંથી બચાવવો, કારણ કે સન્નિપાત અને કાળ માં બહુ જાજો ભેદ નથી. આવા રોગીઓને બચાવી લેવો એટલે તે વૈદ્યે કાળ ને જીતી લીધો સમાન ગણી શકાય.
ત્રિદોષ – સન્નિપાતજવર ના ઉપાયો
સન્નિપાતજવર વાળા રોગીને અર્ધાવશેષ (અડધું પાણી બાકી રહે તેટલું ઉકાળેલું પાણી) અડધા શેર પાણી માં એક ટાંક સુંઠનું ચૂર્ણ ઉમેરી પાવું. આ પાણી એવા જલસ્ત્રોત્રનું લેવું જે હલકું અને વિકાર રહિત હોય અને દિવસે ઉકાળેલું પાણી દિવસે પાવું તથા રાત્રે ઉકાળેલું પાણી રાત્રે પાવું.
સન્નિપાત ના રોગી પાસે વિચીક્ષણ મનુષ્ય ને તેની દેખરેખમાં રાખવું.
જે જગ્યાએ ઠંડા પવન ની ગતિવિધિ ન હોય તેવી જગ્યાએ રોગી ને રાખવો તેમજ ઠંડા ઉપચારો ન કરવા.
સાત દિવસ વીત્યા પછી ઉકાળો કે કવાથ આપવો.
કવાથ
કાયફળ, પીપરીમૂળ, ઇન્દ્રજવ, ભારંગી, સુંઠ, કરિયાતું, કાળામરી, લીંડીપીપર, કાકડાશીંગ, પુષ્કરમૂળ, રાસ્નાં, ભોરીંગણી, અજમો, બોડીઅજમો, છડછડીલો, વજ, કાળીપાડ, અને ચવક, આ સર્વે ઔષધી સમાન માત્રા માં લઇ ખાંડી લેવા.
આ ચૂર્ણ માંથી બે ટાંક ચૂર્ણ લઇ તેનો કવાથ બનાવી સવાર સાંજ બે વખત પીવાથી સન્નિપાત રોગ, સર્વે વસ્તુનું જ્ઞાન નાશ પામ્યું હોય, પરસેવો બહુ આવતો હોય, ચિત્તભ્રમ, પેટશૂળ, આફરો, અને વાયુ તથા કફ ના રોગો દુર થાય છે.
આંકડાનું મૂળ, કરિયાતું, દેવદાર, રાસ્ના, નગોડ, વજ, અરણી, સરગવો, લીંડીપીપર, ચવક, ચિત્રમુળ, સુંઠ, અતિવિષ, અને જળભાંગરો, આ સઘળા ઔષધ અધકચરા ખાંડો અને કવાથ બનાવો. આ કવાથ સવાર સાંજ બે વખત પીવાથી સન્નિપાત, ધનુર્વાયું, જડબાની જકડન, ચિત્તભ્રમ, સુવારોગ, શ્વાસ, ઉધરસ, અને વાયુના રોગ દુર થાય છે.
ચૂર્ણ
સન્નિપાત ના રોગી ને જીભ જડ થઇ ગઈ હોય ત્યારે બીજોરાનુ કેસર, સિંધાલુણ, અને કાળામરી નુ ચૂર્ણ કરી તેનો લેપ બનાવી જીભ ઉપર લગાવવો જેથી જડતા દુર થાય છે.
નાસ
વજ, જેઠીમધ નો શીરો, સિંધાલુણ, કાળામરી, અને લીંડીપીપર, એ સઘળા ઔધાધ લઇ બારીક વાટી લેવા ત્યારબાદ ગરમ પાણીમાં આ ચૂર્ણ નાખી તેનો નાસ લેવાથી જે સન્નિપાત ના રોગી ને જ્ઞાન નષ્ટ થઇ ગયું હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
1 ૫ ટાંક શુદ્ધ પારો
2 ૫ ટાંક શુદ્ધ ગંધક
3 ૧૦ ટાંક ત્રિકટુ (સુંઠ, કાળામરી, અને પીપર)
પ્રથમ શુદ્ધ પારો અને શુદ્ધ ગંધક ની કજ્જ્લી કરી લેવી ત્યારબાદ તેને ધતુરાના ડોડવાના રસની ૩ ભાવના દઈ એક દિવસ સુધી ખરલ કરવું.
ત્યારબાદ તેમાં બારીક વાટેલા ત્રિકટુ ઉમેરી બરાબર મેળવી લેવા. આ રસ નો નાસ દેવાથી સન્નિપાત નો રોગ મટે છે. આ રસ ને ઉન્મત રસ કહેવામાં આવે છે.
ભૈરવાંજન રસ (અંજન)
1 ૧૦ ટાંક શુદ્ધ નેપાળો
2 ૧ ટાંક કાળામરી
3 ૧ ટાંક પીપરીમૂળ
ઉપરની ત્રણેય ઔષધ ને જંબીરી (એક જાતનુ ખાટું લીંબુ) ના રસ માં ૭ દિવસ ખરલ કરી તેનું આંખમાં અંજન કરવાથી સન્નિપાત નો નાશ થાય છે.
શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, કાળામરી, અને પીપર એ સર્વે ઔષધ સમાન માત્રા માં લો અને તેનાથી ત્રણ ગણા વજન માં શુદ્ધ નેપાળો લો.
પ્રથમ શુદ્ધ પારો અને શુદ્ધ ગંધક ની કજ્જ્લી કરી લો. આ કાજ્જ્લીમાં મરી, પીપર અને નેપાળો નાખી ઘૂંટો. ત્યારબાદ જંબીરી ના રસમાં ૮ દિવસ ખરલ કરી તે રસ નુ અંજન કરવાથી સન્નિપાત નો નાશ થાય છે. આ રસ ને ભૈરવાંજન રસ કહેવામાં આવે છે.
સરસડીયાના બીજ, લીંડીપીપર, કાળામરી, સિંધાલુણ, લસણ, મનશીલ, અને ઘોડાવજ, એ સર્વે ઔષધ સમાન માત્રા માં લઇ બારીક વાટી તેને ગાયના મૂત્ર માં એક દિવસ ખરલ કરી આ રસ નુ અંજન કરવાથી સન્નિપાત નો નાશ થાય છે.
પંચવત્ક્ર રસ
1 ૫ ટાંક શુદ્ધ પારો
2 ૫ ટાંક શુદ્ધ ગંધક
3 ૫ ટાંક શુદ્ધ વચ્છ્નાગ
4 ૫ ટાંક શુદ્ધ ટંકણખાર
5 ૫ ટાંક કાળામરી
પ્રથમ પારા અને ગંધક ની કજ્જ્લી કરી લેવી. ત્યારબાદ તેમાં અન્ય ઔષધ ઉમેરી ધતુરાના બીજ ના રસ માં એક પ્રહર સુધી ખરલ કરવું. આ ઔષધ ને સુકવી બે રતી પ્રમાણે સેવન કરવાથી ભયંકર સન્નિપાત દુર થાય છે.
આ ઔષધ નુ સેવન કરી દહીં ભાત નો આહાર કરવો. આ રસ ને પંચવત્ક્રરસ કહેવામાં આવે છે.
સ્વચ્છંદ ભૈરવ રસ
1 ૪ ટાંક શુદ્ધ પારો
2 ૪ ટાંક શુદ્ધ ગંધક
3 ૪ ટાંક શુદ્ધ વચ્છ્નાગ
4 ૩ ટાંક જાયફળ
5 ૭ ટાંક લીંડીપીપર
પ્રથમ પારો અને ગંધક ની કજ્જ્લી કરી લો. ત્યારબાદ બાકીની ઔષધિઓ વાટી ને તેમાં ઉમેરો. આ મિશ્રણ ને આદુ ના રસ માં એક દિવસ ઘૂંટો અને એક રતી વજન પ્રમાણેની ગોળીઓ વાળી લો.
આ ઔષધ ની એક ગોળી અથવા એક રતી પ્રમાણે સેવન કરવાથી સન્નિપાત જવર, ટાઢીઓ તાવ, કોલેરા, વાઈ, વિષમ જવર, જુનો તાવ, મંદાગ્ની અને માથાના દારુણ રોગ દુર થાય છે. આ રસ ને સ્વચ્છંદ ભૈરવરસ કહેવામાં આવે છે.
ભયંકર સન્નિપાત ના ઉપાય
શુદ્ધ પારો, શુદ્ધ વચ્છ્નાગ, કાળામરી, મોરથુથું, અને નવસાદર, આ સર્વે ઔષધ સમાન માત્રા માં લઇ બારીક વાટી લેવા. ત્યારબાદ તેને ધતુરાના અને લસણના રસ માં મેળવી રોટલો બનાવી રોગી ના માથા ઉપર બાંધવો (રોગી ના માથાના વાળ ઉતરાવી લેવા).
આ રોટલો માથા ઉપર એક પ્રહર સુધી રાખવો. જો રોગી ને તાપ લાગે અને શુદ્ધિ માં આવે તો તે રોગી જીવે પરંતુ તેને તાપ ન લાગે તો તે જીવે નહિ.
લસણ, રાઈ, અને ગરમાળાની જડ લઇ ગાયના મૂત્ર માં બારીક વાટી લેવા. આ ઔષધ નો રોટલો બનાવી લેવો. રોગીના માથાના વાળ ઉતરાવી માથા ઉપર વચ્છ્નાગ નુ ચૂર્ણ ઘસ્યા બાદ આ રોટલો માથા ઉપર બાંધવો અને તેને એક પ્રહર સુધી રાખવો.
આ ઔષધ ના પ્રયોગ થકી રોગીને તાપ લાગે અને ચૈતન્યપણું જણાય તો તે રોગી જીવે અન્યથા નહિ.
ભયંકર સન્નિપાત ના રોગીને વીંછી નો ડંખ દેવરાવવાથી સન્નિપાત મટે છે.
કાળો નાગ કરડાવવાથી સન્નિપાત ના રોગી ને ચૈતન્ય આવે છે.
આ ઉપાયો શ્રેષ્ઠ હોવા છતાં લોક વિરુદ્ધ હોવાથી તે કરવા નહીં.
લોઢાનો સળીયો અત્યંત ગરમ કરી પગના તળિયામાં, બંને ભ્રમર ની મધ્યમાં કે લલાટમાં, ડામ દેવો જેથી સન્નિપાત નાશ પામે.
આગંતુક તાવ (આગંતુક જવર)
ઉત્ત્પત્તિ
આગંતુક જવર એક એક કરીને વર્ણવવા શક્ય નથી કારણ કે તે અનેક રીતે ઉદ્ભવે છે. તેથી થોડા માં અને શક્ય હોય તે બધા જ પાસાઓ ને આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે.
કોઈપણ શસ્ત્રનો પ્રહાર લાગવાથી એટલે કે પત્થર, લાકડી, લાત, તલવાર કે કોઈ ધારદાર અસ્ત્ર, ના વાગવાથી, કામ, ક્રોધ, શોક, ભય કે ભુતાદિના આવેશથી, કોઈ શત્રુએ કરેલ મંત્ર – તંત્ર થી, બ્રામ્હણ, ગુરુ, વૃદ્ધ, સિદ્ધ આદિના શાપથી, ઝેર ખાવાથી, તાવવાળા રોગીને કે ઝેરી વનસ્પતિના સ્પર્શથી, અને ખરાબ વાસ વાળા કે ખરાબ સ્વાદ વાળા ઔષધોથી ઉત્પન્ન થયેલા જવર (તાવ) ને આગંતુક તાવ કહેવામાં આવે છે.
દોષો (વાત-પિત્ત-કફ) આગંતુક તાવ ને ઉત્પન્ન કરનારા નથી કારણ કે તે વ્યથા થી ઉત્પન્ન થાય છે પરંતુ આ જવર (તાવ) ઉત્પન્ન થયા પછી દોષો તેની સાથે સબંધ પામે છે.
શસ્ત્રાદિ ના વાગવાથી ઉત્પન્ન થયેલ આગંતુક તાવ (જવર) ના લક્ષણ
શસ્ત્ર વાગવાથી પીડા ઉત્પન્ન થાય છે અને તે પીડાના કારણે વાયુ કોપે છે, આ કોપેલો વાયુ લોહીને બગાડી પીડા ઉત્પન્ન કરે છે અને તે જગ્યાએ સોજો આવે છે તેમજ તે શરીરના તે જખમ વાળા ભાગનો વર્ણ બદલાઈ જાય છે. આમ વાયુના સબંધથી તાવ ઉત્પન્ન થાય છે.
ઉપાય
આ જવર વાળા રોગીઓ ને લંઘન (ઉપવાસ) કરાવવા નહિ. કશાયલી તથા ગરમ વસ્તુઓ નો યોગ યોજવો નહિ. મીઠા અને સ્નિગ્ધ પદાર્થો ખવરાવવા. વાગેલી જગ્યાએ યોગ્ય શેક કરવો. ઊંડો કે વિશેષ ઘાવ પડ્યો હોય તો ટાંકા લેવડાવી યોગ્ય અનુરૂપ પાટો બાંધવો.
કામ, ક્રોધ, શોક, ભય, અને ભુતાદિ ના આવેશથી ઉત્પન્ન થયેલા જવર ના લક્ષણ
કામજવર
મનોઈચ્છિત સ્ત્રી કે પુરુષ ન મળવાથી કે કામ ના વેગ થી જે તાવ આવે છે તેને કામજવર કહેવામાં આવે છે. આ તાવમાં મન ભમતું થાય છે, આંખો મીચાય જાય, શરીરમાં સુસ્તી, ભોજન ઉપર અરુચિ, અને અંત:કરણ માં પીડા થાય છે. અનિંદ્રા, દાહ, મૂર્છા, ત્રોડ થાય, નેત્ર ચપળ રહે તથા લજ્જા, ધૈર્ય અને બુદ્ધિ નો નાશ થાય છે. તરસ લાગ્યા કરે અને વારંવાર નિ:શ્વાસ નાખ્યા કરે છે.
ઉપાય
મનોવાંછિત સ્ત્રી કે પુરુષ ને મેળવી આપવો અને તે સ્ત્રી કે પુરુષ ભોગ પદાર્થો વડે પોતાના પ્રિય પાત્ર સાથે હાસ્ય વિલાસ કરે તો કામજવર દુર થાય છે.
સુંદર નવયૌવના, ચપળ પાણીદાર નેત્ર વાળી, તંગ અને ગોળ ઊંચા સ્તન વાળી, સોળ વર્ષની સ્ત્રી સાથે તેમજ સ્ત્રીએ મન ગમતા સ્વરૂપવાન પુરુષ સાથે રતીક્રીડા કરવી જેથી કામના વેગથી ઉત્પન્ન થયેલો જવર નાશ પામે.
ભયજવર / શોકજવર / ક્રોધજવર
ભયથી કે શોકથી ઉત્પન્ન થયેલા જવરમાં બકવા થાય છે. અતિસાર, અરુચિ, અને ચિત્તની અસ્થિરતા થાય છે. આ તાવ ને ભયજવર કે શોકજવર કહેવામાં આવે છે.
ક્રોધથી ઉત્પન્ન થયેલા તાવમાં શરીર કંપે, માથું દુખે, અને પિત્તજવરના તાવના લક્ષણો જોવામાં આવે છે. આ તાવ ને ક્રોધજવર કહેવામાં આવે છે.
ઉપાય
ભય અને શોક જવર ના રોગીઓ ને સુંદર વાર્તાઓ સંભળાવવી. જે પ્રકારનો ભય ઉત્પન્ન થયો હોય તે ભય ગમે તે પ્રકારે પણ જવર દુર કરી શકાય.
ક્રોધ જવર વાળા રોગી ને મીઠી અને મનગમતી વાતો થી અને વાતો ઉપર પ્યાર ઉપજે તેવા વચનો કહેવાથી ક્રોધજવર નાશ પામે છે.
ભુતાદિ ના આવેશથી ઉત્પન્ન થયેલા જવર
ભુતાદિના આવેશ થી જેને તાવ આવ્યો હોય તેને ઉદ્વેગ, હસવું, રોવું, કમ્પવું, અને ચિત્તની અસ્થિરતા થાય છે. આ તાવ ને ભુતજવર કહેવામાં આવે છે. કેટલાક ઋષીઓ ના મત પ્રમાણે આ તાવને વિષમ વેગના લીધે વિષમજવર માં ગણેલો છે.
ઉપાય
ભૂતજવર વાળા રોગી ને મંત્ર, તંત્ર, યંત્ર ના પ્રયોગ થકી અને નાસ કે અંજન ના યોગ થકી સારવાર કરવી. જે તે ધર્મમાં આસ્થા રાખનાર મનુષ્યોએ પોતાના ધર્મ અનુસાર ઉપાયો યોજવા.
અભિશાપ અને માનસજવર
અભિશાપ થી આવેલા તાવ માં મોહ અને તરસ ઉત્પન થાય છે. આવા રોગી ને અત્યંત શોચ થયા કરે છે. બધી જ વસ્તુ પ્રત્યે ગ્લાનિ ઉપજે છે. અતિસાર, મૂર્છા, ભ્રમ, દાહ, અને મન તપ્ત થયા કરે છે.
માનસજવર એટલે કે પુત્ર, મિત્ર, સ્ત્રી, ધન, અને ઇષ્ટ વસ્તુનો નાશ થવાથી જે તાવ આવે છે તે. આ તાવમાં પણ ઉપર બતાવ્યા પ્રમાણે ના લક્ષણો જોવા મળે છે.
ઉપાય
આ પ્રકારના તાવમાં પોતપોતાના ધર્મ અનુસાર ઈશ્વર ભજન કરવું તે જ સર્વોત્તમ છે. ધીરજ રાખવી, અને મનને ગમે તેવા મિષ્ટાન અને રુચિકર ભોજન તથા અતિ સ્વાદ વાળા શાકના સેવનથી આ પ્રકારના જવર મટે છે.
ઔષધીમા ખરાબ સ્વાદ કે ઉગ્ર વાસ
ઔષધીના ઉગ્ર કે ખરાબ વાસ કે ખરાબ સ્વાદ થી આવેલા તાવ મા મૂર્છા આવે છે, કપાળ દુખે, ઉલટી થાય, અને છીંકો આવ્યા કરે છે.
ઉપાય
આ તાવ ને મટાડવા સુંદર અને સ્વાદિષ્ટ ઔષધીઓનો ઉપયોગ કરવો, રુચિકર વસ્તુઓ અને સુગંધી દ્રવ્યો નો ઉપયોગ કરવાથી આરામ થાય છે.
ઝેર થી થતો તાવ
ઝેર ખાવાથી આવેલા તાવ મા રોગી નુ મુખ કાળું, શરીરમાં બળતરા, અન્નનો અભાવો, અતિસાર, તરસ, શરીર પીડા, અને મૂર્છા થાય છે.
ઉપાય
આ તાવમાં ઝેર નો નાશ થાય તેવા અને ઝેર નાશ ના પ્રયોગો કરવા.