સગર્ભા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યાર પછી ઘણીવાર પ્રસૂતામાં આ રોગ જોવા મળે છે. આ રોગને સુવારોગ પણ કહેવામા આવે છે.
પ્રસવ બાદ સ્ત્રી પરેજીમાં ના રહે અને ખોટા આહાર વિહારનું સેવન કરે, વિરુધ્ધ પ્રકારના અન્નનું સેવન કરે અને દોષપૂર્ણ ભોજન કરે તેવા સમયે આ રોગ થાય છે.
સુવારોગના લક્ષણો
પ્રસૂતાને આ રોગ થવાથી અંગો તૂટતાં હોય તેવી વેદના થાય, ટાઢ ચડે, તાવ આવે, મો સુકાય અને તરસ લાગે, સોજા ચડે, શૂળ પેદા થાય, અતિસાર થાય, બળનો નાશ થાય અને વાત તથા કફ જ્ન્ય રોગો ના લક્ષણો જેમકે- વિકાર તેમજ મંદાગ્નિ વગેરે આવા લક્ષણો ઉપદ્રવ મચાવે છે.
સુવારોગ થવાના કારણો
પ્રસવ સમયે હાથો જંતુમુક્ત કર્યા વિના યોનિ નો સ્પર્શ અથવા પ્રસવ કાર્યમાં વપરાતા અશુધ્ધ સાધનો નો યોનિનો સ્પર્શ થાય તો તે આ રોગ થવાનું કારણ બને છે.
પ્રસૂતા ચોખ્ખાઈ અંગે બેધ્યાન રહે અને યોનિ તેમજ આસપાસ ચોખ્ખાઈ ના રાખે તો પણ આ રોગ થવાની શક્યતાઓ રહે છે.
પ્રસવ કરાવનાર વ્યક્તિ કે ચિકિત્સક તેના કપડાં, સાધનો અને તેના હાથ વિગેરે અંગો જંતુમુક્ત ઔષધો યુક્ત પાણીથી સાફ કર્યા પછી કાર્યમાં પ્રવૃત્ત થાય તે ઇચ્છનીય છે. તેઓને કોઈ મુખને લગતો રોગ હોય તો મો ઉપર કપડું બાંધવું જેથી બોલતા થૂંક મારફત યોનિ માં દોષ નો સ્પર્શ ના થાય.
ઘણી વાર પ્રસવ દરમિયાન યોનિ તૂટી જઈ તેમાં ઘાવ પડે છે. આ ઘાવ મારફત પણ દોષ યોનિમાં પ્રવેશી રોગ પેદા કરી શકે છે. યોનિમાં દોષ ફેલાવવાનું મોટું કેન્દ્ર રહેલું છે તેથી તેમાં ઘાવ કે દોષ ના લાગે તેની કાળજી રાખવી જરૂરી છે.
અમુક પ્રસૂતા ઘણા પ્રયત્નોથી બાળકને જન્મ આપે છે અને ઘણીવાર આ મુશ્કેલ સમયમાં યોનિ ફાટી જાય છે ત્યારે જ્વર વિગેરેના લક્ષણો જોવા મળે છે. તેમજ યોનિ ફાટી જતાં ક્યારેક તેનો કેટલોક અંશ અંદર રહી જાય છે આ ભાગ સડે છે અને તેમાથી દુર્ગંધ આવવા લાગે છે અને આ રોગનું કારણ બને છે.
પ્રસવના બીજા દિવસ પછી યોનિમાંથી દુર્ગંધ આવે, યોનિમાંથી માટીના રંગ જેવો સ્ત્રાવ વહે, ગર્ભાશય નાજુક અને ફુલેલું જણાય તો રોગ થયો હોય શકે છે.
આ રોગ થવાથી ગર્ભાશય સંકોચાતું નથી તેમજ તાવ ઘણો વધુ ચઢી આવ્યો હોય તેવું જણાય છે. પ્રથમ ટાઢ લાગે અને પછી તાવ આવે તેવા લક્ષણો જણાય તો નાડી પરીક્ષા કરવી તેથી પ્રસૂતાની સ્થિતિ જાણી શકાય.
યોનિ સ્ત્રાવ ઘણી માત્રામાં થાય અને ક્યારેક આ સ્ત્રાવ બિલકુલ બંધ થઈ જાય છે. આ સ્ત્રાવની સડેલા માંસ જેવી દુર્ગંધ હોય છે.
શરૂઆતી દિવસમાં આ રોગ પ્રથમ તબક્કામાં હોય ત્યારે જીભ ખરબચડી, સૂકી, અને ચમક વાળી જણાય છે. આ રોગથી પેટ ઉપર સોજા થાય અને લોહી વાળી ઉલ્ટી થાય ત્યારે પરિણામ ખૂબ ખરાબ આવે છે.
આ રોગથી ઝાડા થયા હોય તો તેમાથી અતિ દુર્ગંધ આવે છે અને દર્દીની આ સ્થિતિ સારી હોતી નથી.
પેટ ઉપર અસહ્ય પીડા થાય, સોજા થાય, ગર્ભાશય ઉપર શૂળ પેદા થાય, આફરો ચડે, ભયંકર અતિસારની સ્થિતિ ઉદભવે તો આ રોગ અસાધ્ય બને છે.
પ્રસવ થયા પછીના 40 દિવસો દરમિયાન સુવાવડીને કોઈપણ રોગ થાય તો તેને સુવારોગ (પ્રસૂત રોગ) માનીને તેની ચીકીત્સા કરવી જરૂરી ગણાય છે. આ ચીકીત્સા મોટાભાગે વાતજ દોષ ને લગતી કરવામાં આવે છે.
સારવાર
દશમૂળના ગરમ કવાથમાં ઘી નાખીને પાવું. તાવ વધારે હોય ત્યારે પ્રસૂતાને ટાઢ ના લાગે તેવી વ્યવસ્થા કરવી.
યોનિમાથી દુર્ગંધ ફેલાવતો સ્ત્રાવ હોય અને અંગોમાં પીડા વ્યાપ્ત હોય ત્યારે દશમુલારીષ્ઠ સવા તોલો, અને કાકમાચી અર્ક બે તોલા જમ્યા પછી અડધા કલાકે પાવું.
દશમૂલારીષ્ઠ માફક ના આવે કે તેની આવેજીમાં દશમુલાર્ક આપી શકાય અથવા દેવદાર્વાદિ કવાથ પણ આપી શકાય છે. તેમજ જીરકાધરિષ્ઠ, પંચજીરક પાક, યવાદી યુષ, સૌભાગ્યસૂંઠી, પ્રસૂતા રોગ યુષ આ સર્વે ઔષધો પ્રસૂત રોગમાં પ્રયોજિત કરવામાં આવે છે.
લાક્ષાદી તેલ અથવા બલા તેલ અથવા પ્રસારણી તેલ, કોઈપણ એક તેલ લઈ આખા શરીરે તેનો માલીસ કરવો.
યોનિ બસ્તી માટે ઔષધ
40 તોલા કેરડાની લીલી છાલ
02 તોલા નાની એલચી
02 તોલા ગેરુ
05 તોલા રસૌત
05 તોલા કાથો
05 તોલા ટંકનખાર
આ સર્વે ઔષધોને આઠ શેર પાણીમાં ઉકાળવા અને પાણી જ્યારે ચાર શેર બળી જાય અને ચાર શેર બાકી બચે ત્યારે અગ્નિ ઉપરથી ઉતારી ઠરવા દેવું. ઠરીગયા બાદ સારી રીતે ગાળી એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી લો.
આ પાણીની પિચકારી યોનિમાં આપવાથી (યોનિની બસ્તી આપવાથી) યોનિમાં થતો દુર્ગંધ યુક્ત સ્ત્રાવ, યોનિમાં રહેલ દોષો, ગર્ભાશયમાં આવેલી ખરાબીઓ, સોજો વિગેરે સમસ્યાઓનું નિવારણ થાય છે.
પ્રસૂતાની યોનિ અને તેની અંદરના તથા આસપાસના ભાગોને તપાસો. જો ઘા વ્રણ જખમ, ફોડલો, ફોલ્લીઓ એવુ કશું માલૂમ પડે તો પ્રથમ કોટનથી આ ભાગોને સાફ કરવા. ત્યારબાદ તુંબિના પાન અને લોધ્ર બંને ઔષધો પાણીમાં વાટી અને મલમ જેવો બનાવો. આ મલમ થી યોનિ અને તેના ભાગો ઉપર લેપ કરવાથી દરેક પ્રકારના ઘાવો અને યોનીના દરેક ઉપદ્રવો શાંત થઈ જાય છે.