ભગંદર, નાડીવ્રણ

ભગંદર

ગુદ્દાના ઉપરના બે આંગળ સુધીના ભાગ ઉપર એક પીડીકા (ફોડકી) પેદા થાય છે. આ પીડીકા ફૂટી ગયા બાદ તે ભાગ ઉપર વ્રણ (ઘાવ) બની જાય છે.  જેને ભગંદર કહેવામાં આવે છે. ભગંદર પાંચ પ્રકારના માનવામાં આવે છે.

૧       વાતજ ભગંદર (શતપોતક ભગંદર)

૨       પીત્તજ ભગંદર (ઉષ્ટ્રગ્રીવ ભગંદર)

૩       કફજ ભગંદર (પરિસ્ત્રાવી ભગંદર)

૪      સન્નીપાતજ ભગંદર (શમ્બુકાવર્ત ભગંદર)

૫      આગંતુજ ભગંદર (ઉન્માર્ગી ભગંદર)

૧       વાતજ ભગંદર (શતપોતક ભગંદર) :

રસ કસ વિનાના, કાચા, વાસી, રૂક્ષ, સુખા ખોરાકો ના સેવનથી વાયુ દુષિત થઇ ને અત્યંત કોપિત થાય છે અને ગુદ્દા પ્રદેશમાં પીડીકા ઉત્પન્ન કરે છે. આ પીડીકા તરફ દુર્લક્ષ સેવવાથી સમય જતા તે ભયંકર રૂપે પાકી ને પીડા પેદા કરે છે. તેના ફૂટવાથી તેમાંથી પરુનો સ્ત્રાવ થાય છે. અને તે જગ્યાએ વ્રણ બની જાય છે. આ રોગની ઉપેક્ષા કરવાથી તેમાં ઘણા નાના વ્રણ થાય છે. જેમાંથી મૂત્ર, મળ અને વીર્ય નો સ્ત્રાવ રહે છે. તેને વાતજ ભગંદર (શતપોતક ભગંદર) કહેવામાં આવે છે.

૨       પીત્તજ ભગંદર (ઉષ્ટ્રગ્રીવ ભગંદર) :

પિત્ત ના કારણે ગુદ્દા પ્રદેશમાં લાલ રંગની, તત્કાળ પાકવા વાળી, ગરમ અને દુર્ગન્ધ વાળો સ્ત્રાવ પેદા કરવાવાળો ભગંદર રોગ પેદા થાય છે. આ ભગંદર ઊંટ ની ડોક જેવા ઉભાર ધરાવતા આકાર વાળું હોય છે. તેથી તેને ઉષ્ટ્રગ્રીવ ભગંદર કહેવામાં આવે છે.

૩       કફજ ભગંદર (પરિસ્ત્રાવી ભગંદર) :

આ પ્રકારના ભગંદરમાં ખંજવાળ હોય છે. તેમાંથી જે સ્ત્રાવ થાય છે તે ખુબ ગાઢ હોય છે. આ ભગંદર કઠણ, ધીમી વેદના યુક્ત અને સફેદ રંગ ધરાવે છે.

૪      સન્નીપાતજ ભગંદર (શમ્બુકાવર્ત ભગંદર) :

આ પ્રકારના ભગંદરમાં અનેક વ્રણ હોય છે જે અનેક પ્રકારની પીડાઓ પેદા કરે છે. આ વ્રણ માંથી અનેક પ્રકારના સ્ત્રાવો થતા જોવામાં આવે છે. તેનો આકાર ગાયના આંચળ સમાન તેમજ નદીનાં પ્રવાહમાં પેદા થતા ભ્રમર સમાન હોય છે. જેને સન્નીપાતજ ભગંદર (શમ્બુકાવર્ત ભગંદર કે નાડીવ્રણ) કહેવામાં આવે છે.

૫      આગંતુજ ભગંદર (ઉન્માર્ગી ભગંદર) :

ગુદ્દા પ્રદેશમાં ઉત્પન્ન થયેલા નાડીવ્રણ ઉપેક્ષા કરવાથી સમય જતા ભયંકર સ્વરૂપ લઈ લે છે અને તેમાં કૃમિ પેદા થાય છે. આ કૃમીઓ વ્રણ ફાડીને અનેક માર્ગો બનાવે છે. જે બીજા અનેક વ્રણમાં પરિણમે છે. તેને આગંતુજ ભગંદર (ઉન્માર્ગી ભગંદર) કહેવામાં આવે છે.

બધાજ પ્રકારના ભગંદર ભયંકર અને કષ્ટસાધ્ય હોય છે. પરંતુ ત્રિદોષ જ અને ઉન્માર્ગી ભગંદર સામાન્ય રીતે અસાધ્ય માનવામાં આવે છે. કારણકે ભગંદરમાંથી નીકળતા વાયુ, મળ, મૂત્ર, કૃમિ અને વીર્ય (શુક્ર) ભગંદર વાળા રોગીનો નાશ કરે છે.

પાશ્વાત્ય મત :

ગુદ્દા પ્રદેશમાં જે નાડીવ્રણ થાય છે એટલેકે ગુદ્દજ નાડીવ્રણ ને ભગંદર કહે છે. (Fistula in  ano, or- Ano rectal fistulae and sinuses) કહે છે. સાધારણ રીતે તેની ઉત્પત્તિ વિદ્રધીઓથી થાય છે. તેના ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા છે.

1       પૂર્ણ ગુદ્દજ નાડીવ્રણ (complete rectal fistula) :

આ પ્રકારમાં ગુદ્દાનો અંદરનો ભાગ અને વ્રણ ના મુખ સાથે નો સબંધ હોય છે જેથી વ્રણમાથી વાયુ અને મળ નીકળતા રહે છે.

2       ગુદ્દજ બાહ્ય વિવર (External recta sinus or blind external fistula) :

આ પ્રકારના ભગંદરમાં ગુદ્દા અને વ્રણ નો કોઈ આંતરિક સબંધ રહેતો નથી તેથી તેમાથી મળ ઈત્યાદીનો સ્ત્રાવ રહેતો નથી.

3       ગુદ્દજ અભ્યંતર વિવર ( Internal rectal sinus or blind  internal fistula) :

આ પ્રકારના ભગંદરમાં ગુદ્દા અને વ્રણનો સબંધ આંતરિક રીતે જોડાયેલો રહે છે પરંતુ ચામડી ઉપર છિદ્ર જોવામાં આવતું નથી. આ રોગમાં રોગીને ક્યારેક પીડા અને સોજો રહે છે. પરંતુ રોગીને આ રોગનું જ્ઞાન રહેતું નથી. આ રોગનું નિદાન ગુદ્દા પરીક્ષાથી કરવામાં આવે છે.

ભગંદરનું કષ્ટસાધ્યપણું

પાંચેય પ્રકારના ભગંદરો ભયંકર માનવામાં આવે છે. ઘણી મહેનત પછી ઈશ્વર કૃપાથી અને આયુષ્ય બળવાન હોય તો જ રોગીને સાજા કરી શકાય છે.

ત્રિદોષ જન્ય અને સંનિપાત ભગંદર અસાધ્ય મનાય છે.

જો ભગંદરમાથી વાયુ, મળ, મૂત્ર, વીર્ય અને કૃમિઓ કે જીવાત નીકળતી હોય તેવા રોગીઓના જીવનની આશા રહેતી નથી.

ભગંદરની સારવાર

1

ભગંદરની ફોડકીઓના ઉત્તમ પ્રકારે અને પ્રયત્નો પૂર્વક શસ્ત્રક્રિયા દ્વારા ઉપચાર કરી પાકે નહીં તેમ દૂર કરવી. અને એ રીતે રોગને મૂળમાથી દૂર કરવો.

2

વડના કુણા પાન, જેઠીમધ, સૂંઠ, સાટોડીનું મૂળ અને ગળો આ સર્વે વસ્તુઓને લઈ તેને ગરમ કરી તેનો લેપ બનાવો અને આ લેપ સહી શકાય તેટલો ગરમ રાખી, જ્યાં સુધી ભગંદરની ફોલ્લીઓ હોય ત્યાં સુધી (અંદર સુધી) આ લેપ લગાવવો. આથી ભગંદરની ફોલ્લીઓ મટે છે.

3

તલ, લિંબડાની છાલ અને મહુડો (અથવા જેઠીમધ) ને દૂધમાં વાટી તેનો અત્યંત ઠંડો એવો લેપ તૈયાર કરી આ લેપ કરવાથી પિત્તજ અને વેદના વાળો ભગંદર રોગ મટે છે.

4

ચમેલી – જૂઈ ના પાન, વડના કુણા પાન, ગળો, સૂંઠ અને સિંધાલૂણને જાડી છાશમાં વાટી તેનો લેપ તૈયાર કરો. આ લેપ લગાવવાથી ભગંદર મટે છે.

નિષાધતૈલ

5      નિષાધતૈલ :

હળદર, આંકડાનું દૂધ, સિંધાલૂણ, કણેરના પાન, શુધ્ધ ગૂગલ અને ઇન્દ્રજવ આટલા ઔષધ એકઠા કરી તેનો કલ્ક તૈયાર કરો. એક કડાઈમાં તેલ લઈ તેમાં આ કલ્ક નાખી તેલને પકાવો (તેલ સિધ્ધ કરો) આ તૈયાર થયેલ તૈલને નિષાધતૈલ કહે છે. આ નિષાધતેલથી માલીસ કરવાથી ભગંદર મટે છે.

નવકાર્ષિક ગુગ્ગુલ

6       

3  તોલા : ત્રિફળા

5  તોલા : શુધ્ધ ગૂગળ

1  તોલો  : પીપર

ઉપરમુજબની ત્રણેય ઔષધીઓને એકઠા કરી તેને ભેગી વાટીને ગોળીઓ બનાવી લો. આ ઔષધિય ગોળીને નવકાર્ષિક ગુગ્ગુલ કહેવાય છે. આ ગોળી નું નિયમિત સેવન કરવાથી ભગંદર મટી જાય છે. સાથે સાથે સોજો અને ગુદ્દાના મસા પણ મટે છે.

7

દારુહળદર, હળદર, મજીઠ, લીંબડાના પાન, નસોતર, અને માલકાંકણી એ સર્વેને એકઠા કરી તેનો કલ્ક બનાવો. આ કલ્કથી ભગંદરના વ્રણને ધુએ તો ભગંદર મટી જાય છે.

8

કલોંજી જીરું, અને કુતરાનું હાડકું આ બંનેને ગધેડાના લોહીમાં પત્થર ઉપર વાટીને તેનો લેપ કરે તો ભગંદર મટી જાય છે.

9

બિલાડીના હાડકાંને ત્રિફળા (હરડે, બહેડા, આંબળા) ના રસમાં વાટી લેપ કરવાથી ભગંદર મટી જાય છે.

10

બિલાડીના અને કુતરાના હાડકાંની ભસ્મ બનાવો. એક લોખંડના વાસણમાં ગાયના ઘી સાથે આ ભસ્મને ઘૂંટી તેનો લેપ કરવાથી ભગંદર મટે છે. અને બીજા દુષ્ટવ્રણનો પણ નાશ કરે છે.

રૂપરાજ રસ

11 

શુધ્ધ પારો 2 ભાગ અને શુધ્ધ સોમલ 4 ભાગ લઈ તેને કાક્જંધાના રસમાં પાંચ દિવસ સુધી ઘૂંટી તેને એક ત્રાંબાના કોડિયામાં સંપુટ કરો.

એક હાંડલીમાં જીણી રેતી ભરી વચ્ચે આ સંપુટ રાખી દો. અને આ હાંડલીને ચૂલા ઉપર 8 પ્રહર સુધી અગ્નિ આપો.

જ્યારે તેની મેળે ઠરી જાય ત્યારે તેમાથી આ સંપૂટને બહાર કાઢી લો. અને તેમાં રહેલ ઔષધને મુસ (ધાતુ ગાળવાની કુલડી) માં ભરી લો.

હવે અગ્નિ ઉપર આ કુલડી ને રાખી અંદર રાખેલ ઔષધ ચક્રાકાર ફરે નહીં ત્યાં સુધી સતત અગ્નિ આપો.(ધાતુઓ જ્યારે પિંગળે ત્યારે તે કુલડીમાં ગોળ ગોળ ચક્રાકાર ગતિ કરે છે)

ત્યારબાદ તેને અગ્નિથી નીચે ઉતારી ઠરવા દો. ઠરી ગયા બાદ તેને ખરલમાં સારીપેટે બારીક વાટી લો. આ તૈયાર થયેલ ઔષધને રૂપરાજ રસ કહેવામા આવે છે.

આ રૂપરાજ રસ ઔષધનું 3 રતી ભાર મધમાં કાલવી સેવન કરે અને ઉપરથી ત્રિફળાના કવાથનું અનુપાન કરે અને પથ્યાપથ્ય જાળવે તો થોડા જ દિવસમાં ભયંકર ભગંદરની પીડા મટી જાય છે.

રવિસુંદર રસ (રવિતાંડવ રસ)

12  

પારો 1 ભાગ, તથા આમલસારો શુધ્ધ ગંધક 2 ભાગ લઈ તેની કજ્જલી કરો.

કુંવારપાઠાંના રસમાં પરા-ગંધકની કજ્જલીને એક ખરલમાં ઘૂંટી તેની ગોળી વાળી લો.

આ ગોળીને તાંબાના સંપુટમાં મૂકો. ત્યારબાદ એક હાંડલીમાં રાખ ભરી વચ્ચે આ સંપુટ મૂકી અગ્નિ ઉપર 1 દિવસ તેને અગ્નિ આપો.

જ્યારે હાંડલી તેની જાતે ઠરી જાય ત્યારે તેમાથી સંપુટ બહાર કાઢી લો. 

સંપુટમાં રહેલ ગોળી બહાર કાઢી તેને જંબીરી નામના ખાટા લીંબુના રસની 7 ભાવના આપવી. અને ત્યારબાદ ખરલમાં નાખી તેને ખૂબ વાટીને વસ્ત્રગાળ કરી લેવું. આ તૈયાર થયેલ ઔષધને રવિસુંદર રસ (રવિતાંડવ રસ) કહેવામા આવે છે.

આ રવિસુંદર રસ (રવિતાંડવ રસ) નામના ઔષધને 1 રતી લઈ તેને મધમાં કાલવી ચાટે તો ભગંદર મટી જાય છે.

આ ઔષધના સેવન પછી ઉપરથી મૂસળી કે લસણ ખાવું અને તે ઉપરાંત મિષ્ટ ભોજન કરવું. ભગંદરના રોગીઓએ ત્રિફળાનો કવાથ અને ખેરસારનું પાણી વારંવાર પીવું જોઈએ.

આવા રોગીઓએ દિવસે સુવાનું, મૈથુન, વાસી ભોજન અને ઠંડા ભોજનનો ત્યાગ કરવો.

13

વાવડિંગનો ગર્ભ, ત્રિફળા અને બે ભાગ પીપર આ ઔષધનું ચૂર્ણ તૈયાર કરો. આ ચૂર્ણ મધ અને તેલમાં ચાટવાથી ભગંદર અને નાડીવ્રણ સારી રીતે રૂજાય જાય છે. તેમજ કૃમિ, કોઢ, પ્રમેહ અને ક્ષય પણ મટી જાય છે.

વિષ્યંદન તૈલ

14      

ચિત્રક, આંકડો, નસોતર, કાળીપાટ, કાળોઊંબરો, ધોળીકણેર, થોર, વજ, કલગારી, શુધ્ધ હરતાલ, સાજીખાર, અને માલકાંકણી સરખા ભાગે લઈ તેનો કલ્ક બનાવી લો.

એક લોખંડની કડાઈમાં તેલ લઈ તેમાં તૈયાર કરેલ કલ્ક ઉમેરી અને તેલને અગ્નિ ઉપર પકાવી (સિધ્ધ કરી) લો. આ તેલને વિષ્યંદન તૈલ કહેવામા આવે છે.

આ તૈલ ભગંદર સાફ કરે છે. રુજ લાવી વર્ણને સુધારે છે.

વિદ્રધી બંને બાજુ જો ફૂટી જાય તો તેને પૂર્ણ નાડીવ્રણ કહે છે. બહારની બાજુ જો ફૂટે તો બાહ્ય વિવર અને અંદરની બાજુ ફૂટે તો આભ્યંતર વિવર ની ઉત્પતિ કહેવામા આવે છે. પૂર્ણ નાડીવ્રણમાં મળ અને વાયુ નીકળવું સામાન્ય છે. મૂત્ર અને શુક્ર (વીર્ય) ત્યારેજ નીકળે જ્યારે નાડીવ્રણનો સબંધ મૂત્રનળી અને શુક્રનળીથી જોડાય. સ્ત્રીઓમાં થતું ભગંદર મોટાભાગે યોનિ અને ગુદ્દામાર્ગ ની આરપાર નાડીવ્રણ બનાવે છે.

15

હરડે, બહેડા, આમળાં, સુંઠ, મરી, પીપર આ સર્વે ઔષધને સમાન માત્રામાં લો અને તેનું ચૂર્ણ તૈયાર કરો. આ તમામ ઔષધી ના વજન બરાબર માત્રામાં ગુગળ લઇ તેનું ચૂર્ણ કરી અને મિશ્ર કરો.

આ તૈયાર થયેલ ચૂર્ણ ઘી સાથે સેવન કરવાથી નાડીવ્રણ મટી જાય છે.

ભગંદર થયું હોય તો પ્રથમ લોહી કાઢી તે પછી તેના ઉપર વ્રણની ચિકિત્સા કરવાથી ભગંદર મટી જાય છે.

16

1      10 ગ્રામ                સૂકા આંબળા   

2      10 ગ્રામ                કરંજના બીજ

3      20 ગ્રામ                ફટકડી

4      40 ગ્રામ               કાળી/નાની/હરડે, હીમેજ

ફટકડીને તવા ઉપર ગરમ કરો તેથી તે ઓગળી જશે અને તવા ઉપર એક પોપડીના સ્વરૂપે બંધાઈ જશે. જ્યારે તે ઠરી જાય ત્યારે આ પોપડીને ઉખાડી તેને વાટી ચૂર્ણ તૈયાર કરી લેવું.

નાની હરડે, હીમેજને એક ચમચી દેશી ઘીમાં સારી રીતે તળી લેવી. ઠરી જાય પછી તેનું સારી રીતે ચૂર્ણ તૈયાર કરી રાખો.

સૂકા આમળા અને કરંજના બીજને પણ સારી રીતે ચૂર્ણ તૈયાર કરી લો. આ ચારેય વસ્તુઓનું ચૂર્ણ મિશ્ર કરી એક સ્વચ્છ વાસણમાં ભરી લો.

1       10 ગ્રામ        રાઈ

2       10 ગ્રામ         અજમો

3       10 ગ્રામ      તમાલપત્ર

4        30 ગ્રામ        ગંધક આમળા સાર

ઉપરની ચારેય વસ્તુઓ (રાઈ, અજમો, તેજપત્તા અને આમલસારો ગંધક) લઈ તેને બારીક ચૂર્ણ કરી એક જુદા સ્વચ્છ વાસણમાં ભરી લો.

હવે આ બંને પ્રકારના ચૂર્ણ સવાર સાંજ બે સમય જમ્યા પછી અડધા કલાક પછી સાદા પાણી સાથે અડધી અડધી ચમચી લેવામાં આવે છે.

1       ગલગોટા ના ફૂલ

2       ગૌ મૂત્ર

3       હળદર

ગલગોટાના ફૂલની પાંખડીઓ (પીળી પાંખડીઓ) લઈ તેમાં ગૌ મૂત્ર ના 4 થી 5 ટીપાં ઉમેરો તેમજ અડધી ચમચી કે આવશ્યકતા અનુસાર હળદરનો પાવડર ઉમેરી સારી રીતે ખરલમાં મલમ બનાવી લો.

આ મલમનો ઉપયોગ સવાર સાંજ ભગંદરના ઘાવ ઉપર કે નાસૂર ઉપર કરવો. આ મલમ જેટલો ઘાવ પડ્યો હોય ત્યાં સુધી લગાવવો. આ મલમનો ઉપયોગ કરતાં પહેલા ઘાવ સારી રીતે સાફ કરવો.

આ મલમ નો ઉપયોગ 7 થી 15 દિવસ લગાવવાથી ભગંદર, નાસૂર નો ઘાવ ધીમે ધીમે ભરાઈ જાય છે તેમજ લોહી કે પરુ નીકળતું હોય તો તે પણ ધીરે ધીરે ઓછું થઈ બંધ થઈ જાય છે અને રોગ નાબૂદ થાય છે.

ઉપરના બંને ચૂર્ણ નિયમિત રીતે લેવા તેમજ માલમનો નિયમિત ઉપયોગ કરવો. આ દવાનો પ્રયોગ એક માસથી લઈ 3 માસ સુધી કરી શકાય છે. પરંતુ પરિણામ થોડા દિવસોમાં જ જોવામાં આવે છે. આ એક ભગંદર મટાડવાની સારી દવા છે.

આ દવા પીવા અને લગાડવા ની સાથે સાથે પરેજી રાખવી પણ એટલીજ અગત્યની છે. અને પરેજીથી ઘણી જડપે આ દર્દમાં સારા પરિણામો મળવાના શરૂ થાય છે.

ભગંદર રોગીઓના પથ્યાપથ્ય

દંડ વિગેરે કસરત, મૈથુન, કુસ્તી, ઊંટ અને ઘોડાની સવારી, ખેદ, નવા અન્ન ભોજન અને ભારે પદાર્થોનું સેવન – આટલી વસ્તુઓ ભગંદરના દર્દીઓએ રોગ મટી ગયા બાદ એક વર્ષ ઉપરાંત સુધી કરવી નહીં.

તીખું, તળેલું, વાસી, આથા ની બનાવટો, ગરમ મસાલા વાળો ખોરાક, માંસાહાર, અને બજારુ તૈયાર વસ્તુઓનું સેવન કરવાથી રોગીઓને હાનિ પહોંચે છે. તેમજ ફ્રીજ ની વસ્તુઓ, ઠંડા પીણાં, આલ્કોહોલ મિશ્રિત ચીજો, વિગેરેનું સેવન કરવાથી આ રોગીના દર્દીઓને ઘણી ક્ષતિ પહોંચે છે માટે તે છોડવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: Content is protected !!