પરિશ્રમ વિનાનાં શરીરમાં મેદની વૃદ્ધિ થાય છે. દિવસે સુવાથી અને કફ કરનારા પદાર્થોનું સેવન કરવાથી મેદમાં વૃદ્ધિ થાય છે.
મીઠા પદાર્થોનું અતિ સેવન કરવાથી અને મીઠા રસોનાં સેવનથી તથા ઘી વગેરે ચીકણા પદાર્થોના અતિ સેવનથી મેદવૃદ્ધિ થાય છે.
મેદ વધતાં નસોના બીજા છિદ્રો પુરાઈ જાય છે તેથી શરીરને બીજી ધાતુઓને પોષણ મળતું નથી અથવા ઓછું મળે છે. પરિણામે શરીર બળવિહીન બની જાય છે.
મેદ વધવાના લક્ષણો
મેદવૃદ્ધિના રોગીઓ ક્ષુદ્ર નામના શ્વાસરોગથી પીડાતા હોય છે. આવા રોગીઓમાં તરશ, મોહ, અધિક નિંદ્રા, ગ્લાનિ, ક્ષુધા, પરસેવો, વગેરે લક્ષણો જોવા મળે છે. તેનામાં શક્તિનો હ્રાસ થવાથી મૈથુનક્રીડામાં રત રહી શકતો નથી.
મેદનું સ્થાન અને કામ
પ્રાણીમાત્રમાં મેદ પેટમાં રહે છે. તેથી મેદવૃદ્ધિવાળા માણસોનુ પેટ વધીને બહાર નીકળી જાય છે. મેદ વધતાં વાયુનો માર્ગ રોકાઈ જાય છે તેથી વાયુ કોઠામાંથી બહાર નીકળી શકતો નથી અને તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. પરિણામે ખાધેલો ખોરાક સૂકવી નાખે છે તેથી મેદોવૃદ્ધ વાળાને ખાધેલું અન્ન તુરંત પચી જાય છે અને ફરી ફરી ખાવાની ઈચ્છા થતી રહે છે.
કેટલોક સમય વિતીગયા બાદ મેદોવૃદ્ધિ વાળા લોકોને ભયંકર વિકારો ઉદભવે છે. આ વિકારો વાયુ અને અગ્નિ ઉત્પન્ન કરે છે.
મેદ અને માંસ અતિ વધી જવાથી પેટ, કુલા અને સ્તન પ્રદેશો વધી જાય છે અને હાલતા ચાલતા તે હલ્યા કરે છે. જે માણસનું મેદ અતિ વધી જાય તેને જાડો માણસ કહે છે. તેવા માણસને કોઢ, વિસર્પ, ભગંદર, તાવ, અતિસાર, પ્રમેહ, અર્શ, સ્લીપદ, અપચો અને કમળો આટલા રોગો થવાનું જોખમ રહે છે.
શુદ્ધ પારો, શુદ્ધ તાંબાની ભસ્મ, લોહભસ્મ (ગજવેલ) અને બોળને સમાન ભાગે લઈ આંકડાના દૂધમાં ખરલ કરવા. સારીપેઠે ઘૂંટયા પછી તેની 2 રતીની ગોળીઓ વાળી લેવી. આ ગોળીને વડવાનલ રસ કહેવામા આવે છે.
આ વડવાનલ રસની એક ગોળી મધ અને પાણી સાથે નિયમિત રીતે લેવાથી મેદરોગ મટે છે.
અન્ય ઉપાય
ચવક, જીરું, સુંઠ, મરી, પીપર, હીંગ, સંચળ અને હરડે સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ દહીંના પાણીમાં સાથવો કરી પીવાથી મેદ રોગ નાશ પામે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
વાવડીગ, સુંઠ, જવખાર, લાલ ફૂલ વાળો ચિત્રો, લોહચુર્ણ, જવ અને આમળાંને સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને મધ સાથે સેવન કરવાથી મેદરોગ મટે છે.
વડબોરડીના પાનનો કલ્ક કરી કાંજીમાં શોધિત કરી પેયા સાથે પીવે તો મેદરોગ મટે છે.
અરણીનો રસ કે તેનો કવાથ શિલાજિત સહિત પીવે તો મેદરોગ મટે છે.
ગળો 1 ભાગ, નાની એલચી 2 ભાગ, ઇન્દ્રજવ 3 ભાગ, વાવડિંગ 4 ભાગ, હરડે 5 ભાગ, બહેડા 6 ભાગ, આમળાં 7 ભાગ અને શોધિત ગુગળ 8 ભાગ લઈ એ સર્વેનું ચૂર્ણ તૈયાર કરી લો.
આ ચૂર્ણને અમૃતાધ ગુગળ કહે છે. આ અમૃતાધ ગુગળ મધ સાથે કાલવી ચાટે તો ફોલ્લીઓ, મેદ અને ભગંદરનો નાશ થાય છે.
ત્રિફલાધ તૈલ
ત્રિફળા, અતિવિષ, મરડાફળી, નસોતર, ચિત્રામૂળ, અરડૂસો, લીંબડો, ગરમાળો, વજ, સાતળોથોર, હળદર, દારુહળદર, ગળો, ઇંદ્રવરણા, પીપર, ઉપલેટ, સરસવ અને સુંઠ સરખા ભાગ લઈ તેનો કલ્ક બનાવી લો.
સરસાદી ગણના રસોમાં તેલને પકાવો એટલેકે સર્વે રસ બળી જાય ત્યારે તેલ સિદ્ધ થયું જાણવું.
આ તેલ પીવામાં, માલિશ કરવામાં, કોગળા કરવામાં, નાસ લેવામાં અને બસ્તી કર્મ (ગુદ્દામાં પિચકારી મારવી) વગેરે કામમાં ઉપયોગમાં લેવાય છે. આ તેલને ત્રિફલાધ તૈલ કહેવાય છે.
આ ત્રિફલાધ તૈલ મેદરોગ, આળસ, ખરજ અને કફના રોગોનો નાશ કરે છે.
(સરસાદી ગણ : બંને જાતિની તુલસી, મરી, કાળો આંજબળો, વાવડિંગ, મરવો, ઉંદરકરણી, કાયફળ, કાસુંદરો, નાકછીંકણી, તુંબર પત્રિકા, ભારંગી, રક્તમંજરી, કાકમાચી, બોરિયો કલ્હાર, બકાન લીંબડો, રોહિષ નામનું ઘાંસ અને જટામાંસી- આ સુરસાદી ગણ કહે છે) (સુરસાદી ગણ કફ, મેદ, કૃમિ, સળેખમ, અરુચિ, શ્વાસ અને ઉધરસ નો નાશ કરે તથા વ્રણનું શોધન કરે છે)
શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર કરવાની સારવાર
અરડૂસાના પાનના રસમાં શંખનું ચૂર્ણ વાટીને લેપ કરવામાં આવે તો તેથી શરીરની દુર્ગંધ દૂર થાય છે.
બીલીના પાનનાં રસમાં શંખનું ચૂર્ણ વાટીને લેપ કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે.
બીલીના પાનનો રસ અથવા પાણીસાથે બીલીના પાનને લસોટી શરીરે માલિશ કરે તો શરીર પરની દુર્ગંધ દૂર થાય છે.
નાગકેસર, સરસડીઓ, લોદર અને પીળો (પીળો કાંટાશેળિયો) સરખાભાગે લઇ તેનું ચૂર્ણ કરી શરીર ઉપર ઘસવામાં આવે તો ચામડીના દોષ અને પરસેવો દૂર થાય છે.
લીંબડાના પાનનો રસ લઈ તેનો લેપ કરવાથી શરીરની અને બગલની દુર્ગંધ દૂર થાય છે.
હળદરને શેકીને શરીરે માલીસ કરવાથી શરીર અને બગલની દુર્ગંધ દૂર થાય છે.
નાગરવેલના પાન, હરડેની છાલ અને ઉપલેટ ને સરખેભાગે લઈ પાણી સાથે વાટીને શરીર ઉપર માલિશ કરવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે.
હરડેદળ, લોદર, લીંબડાના પાન, આંબાની છાલ અને દાડમની છાલ આ સર્વે સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણ સ્ત્રીના શરીરે માલિશ કરવાથી પુરુષો તેના અંગો પ્રત્યે આકર્ષિત થાય છે. શરીરની કાંતિ વધારે છે.
(આ પ્રયોગ ગૌમુત્રમાં વાટી લેપ કરવાથી કોઢ મટે છે. ગાયના દૂધમાં વાટીને લેપ કરવાથી વર્ણ ઉજળો થાય છે. પાણીમાં વાટી લેપ કરવાથી શરીરની દુર્ગંધ મટે છે. અને હળદર તથા દારુહળદર સાથે વાટી લેપ કરવાથી અન્યનું વશીકરણ થાય છે.)
બોરિયાકલ્હારને ગોમૂત્રમાં ઘૂંટી શરીરે માલિશ કરવાથી કોઢ મટે છે.
કળથીનો લોટ, ઉપલેટ, જટામાંસી, ચંદન અને શેકેલા ચણાનો લોટ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી ગરમ પાણી અને તેલ સાથે કાલવી નિયમિત શરીરે પીઠી માફક ચોળે તો શરીરમાંથી નીકળતી દુર્ગંધ દૂર થાય છે.