સન્નિપાત નો તાવ કે જે ત્રિદોષ થી ઉદભવે છે તેથી તેને ત્રિદોષ-સન્નિપાત જવર પણ કહેવામાં આવે છે. સન્નિપાત ના તાવ ના ૧૩ પ્રકાર આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.
1 સંધિક
2 શીતાંગ
3 તંદ્રિક
4 પ્રલાપક
5 રક્તષ્ટિવી
6 ભુગ્નનેત્ર
7 અભીન્યાસ
8 જીવ્હીક
9 અંતક
10 રૂગદાહ
11 ચિત્તવિભ્રમ
12 કર્ણિક
13 કંઠકુબ્જ
રોગીનું આયુષ્ય
સન્નિપાત નો રોગ લાગુ પડવાથી તે દર્દી કેટલો જીવશે તે ઉપરોક્ત દર્શાવેલ પ્રકારો ઉપરથી જાણી શકાય છે. ઉક્ત દર્શાવેલ પ્રકારોના લક્ષણો ઓળખી શકાય તો તેના વિષે જાણકારી અને દર્દીની સ્થિતિ સ્પષ્ટ થઇ શકે.
કોઈ મનુષ્યને સંધિક નામનો સન્નિપાત નો રોગ થયો હોય તો તેનું આયુષ્ય ૩ દિવસનું હોય. શીતાંગ રોગ મા ૧૫ દિવસનું, તંદ્રિકનુ ૨૫ દિવસનું. પ્રલાપક નુ ૧૪ દિવસનું. રક્તષ્ટિવી નુ ૧૦ દિવસનું. રૂગદાહ નુ ૨૦ દિવસનું. ચિત્તવિભ્રમ નુ ૧૧ દિવસનું, કંઠકુબ્જનુ ૧૩ દિવસનું. અને કર્ણિક નુ ત્રણ માસનુ આયુષ્ય હોય છે.
આ દરેક પ્રકારના સન્નિપાત ના રોગ મા જો ઉપદ્રવ નુ વિશેષ બળ હોય તો રોગી નુ મરણ વહેલા પણ થઇ શકે છે.
સન્નિપાતના રોગીના સામાન્ય ઉપચાર
સન્નિપાતના રોગીને ઠંડા ઉપચાર કરવા નહિ. દિવસે સુવા દેવો નહિ, અર્ધાવશેષ (પાણી ઉકળતા અડધું રહી જાય તે) પાણી પાવું અને કફ નો નાશ થાય તેવા ઉપચારો કરવા. આ ઉપરાંત સન્નિપાતના દોષ નુ બળ કેટલા પ્રમાણ મા છે તે જોઇને લંઘન કરાવવું તેથી સન્નિપાત રોગ મટે છે.
સંધિક સન્નિપાત ના લક્ષણ
આવા રોગીના દરેક સાંધામાં ભયંકર શૂળ ઉદભવે, શરીર સુજી જાય, પેટ ભારે રહે, શરીરના બધા જ અંગો શીથીલ થઇ જાય, અશક્તિ વધે અને વાતકફનો પ્રકોપ વિશેષ હોય છે તથા નિંદ્રા ન આવે, આવા બધા લક્ષણો સંધિક નામના સન્નિપાત મા જોવા મળે છે.
ઉપાય
રાસ્ના, મોટી હરડેની છાલ, લીંબડાની ગળો, કાંટાશળીયો, ચિત્રામૂળ, રીસામણી, સુંઠ, દેવદાર, કડું, કચૂરો, અરડૂસો, અરંડ મૂળ, સાલરપોટી, પિલવણી, ભોરિંગણી, ઉભીરીંગણી, બીલી, અરણી, અરલું, શિવણ, પાડળ, અને ગોખરું. આ સઘળા ઔષધ સમાન માત્રા મા લઇ અધકચરા ખાંડી લેવા.
આ ઔષધ નો કવાથ કરી સવાર સાંજ રોગી ને પાવાથી બધા જ લક્ષણો સહીત સંધિક સન્નિપાત નો રોગ દુર થાય છે. ડોકની જક્ડન, વધરાવળ, તાવ, અરુચિ અને સાંધાઓ નો દુખાવો આ ઔષધ મટાડે છે.
શીતાંગ સન્નિપાત ના લક્ષણ
જે રોગીનું શરીર બરફ જેવું ઠંડુ થઇ જાય, શ્વાસ, ઉધરસ, હેડકી, મોહ, કંપ, બકવા, બળતરા, ઉલટી, સર્વે અંગમાં પીડા, અને સ્વરમાં વિકાર થાય અને ઘણો નીકળે, અપદ્વારથી પવન વિશેષ છૂટે, અને મોઢામાંથી લાળ પડ્યા કરે. આ સર્વે લક્ષણો શીતાંગ સન્નિપાત ના છે.
આ શીતાંગ નામનો સન્નિપાત અસાધ્ય છે તેથી આ પ્રકરનો રોગી જીવે નહિ છતાં પણ આ પ્રકારના રોગ ના ઉપાય લખવા યોગ્ય છે.
૨લસણ અને રાઈને લસોટી ગૌમૂત્રમા રોટલો બનાવવો. આ રોટલો રોગીના માથાના વાળ ઉતરાવી માથે બાંધવો. શરીરમા ઉષ્ણતા આવે ત્યાં સુધી આ રોટલો બાંધી રાખવો. જો આ ઔષધ થી રોગીને તાપ લાગે અને શરીર ગરમ થાય તો રોગી જીએ નહિ તો મરી જાય.
૩
1 ૪ ટાંક શુદ્ધ પારો
2 ૩૦ ટાંક કાળામરી
3 ૪૦ ટાંક ધતુરાના જીંડવાની રાખ
ઉપરોક્ત ઔષધ ને લઇ બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ વડે રોગીના શરીર ઉપર મર્દન કરવું.
4 કાળામરી, લીંડીપીપર, સુંઠ, હરડેની છાલ, લોદર, પુષ્કરમૂળ, કરિયાતું, કડુ, ઉપલેટ, કચૂરો, અને ઇન્દ્રજવ. આ સઘળા ઔષધ ને બારીક વાટી તેનું રોગીના શરીર ઉપર વિરુદ્ધ દિશા નુ મર્દન કરવું.
ઉપરોક્ત ઔષધો ના ઉપચારો કરવાથી આયુષ્ય હોય તો રોગી ઠીક થાય અને જીવી જાય, નહીતો ઈશ્વર ઈચ્છા બળવાન છે.
તંદ્રિક સન્નિપાત ના લક્ષણ
આ પ્રકારના રોગીમાં અધિક પ્રમાણમાં ઘેન જોવા મળે, તરશ લાગે, અતિસાર થાય, વિશેષ પ્રમાણમાં શ્વાસ ચાલે, ઉધરસ, ગાળામાં સોજો, ખંજવાળ, કફ જોવા મળે, શરીર અત્યંત ગરમ રહે, જીભ કાળી અને ખરબચડી થઇ જાય, તાવ વિશેષ પ્રમાણમાં જોવા મળે, કાનમાં બહેરાશ, અને શરીરમાં દાહ લાગે. તંદ્રિક સન્નિપાત મા આવા પ્રકારના લક્ષણો રોગીમાં જોવા મળે છે.
ઉપાય
ભારંગી, લીંબડાની ગળો, મોથ, ભોરીંગણી, હરડેની છાલ, પુષ્કરમૂળ, અને સુંઠ. આ સઘળા ઔષધ સમાન માત્રામા લઇ તેનો કવાથ બનાવી ૩ દિવસ રોગીને પાવાથી તેનો તંદ્રિક સન્નિપાત દુર થાય છે.
પ્રલાપક સન્નિપાત ના લક્ષણ
આ પ્રકારનો રોગી બધા જ દોષો અત્યંત કોપિત થયા હોવાના કારણે બકવા કરે, શરીર કંપે, અત્યંત તાવ આવે, શરીર ગરમ રહે, શ્વાસ, વિહવળતા, અને યાદદસ્ત જતી રહે છે.
ઉપાય
મોથ, સુગંધી વાળો, સાલરપોટી, પીલવણી, ભોરીંગણી, બીલી, અરલું, શિવણ, ઉભીભોરીંગણી, પાડળ, ગોખરું, સુંઠ, પિત્તપાપડો, ચંદન, ધાવડીની છાલ, અને અરડુસો. આ સર્વે ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ કરી સવાર સાંજ બે વખત પીવાથી પ્રલાપક નામનો સન્નિપાત મટે છે.
રક્તષ્ટિવી ના રોગીને લોહીની ઉલટી થાય, જીભ નો રંગ રાતો કે સફેદ થઇ જાય અને તેના ઉપર ચકરડા થાય, આંખો લાલ થઇ જાય, અરુચિ, ઉલટી, અતિસાર, ભ્રમ, પેટનું ચઢવું, હેડકી, વારંવાર પડી જવું, તરશ લાગે, અને શરીર ના બધા અંગોમાં અત્યંત પીડા અનુભવાય. આ સર્વે લક્ષણો રક્તષ્ટિવી સન્નિપાત ના રોગમાં જોવા મળે છે.
ઉપાય
રક્તષ્ટિવી સન્નિપાત મહા અસાધ્ય ગણાય છે છતાં પણ ઉપાયો કરી શકાય છે.
મોથ, પદ્મક, પિત્તપાપડો, રતાંજળી, મહુડો અથવા જેઠીમધ, સુગંધી વાળો, શતાવરી, મલયાગીરી ચંદન, અને જાઈ ના પાન. આ સર્વે ઔષધ સમાન ભાગે લઇ તેનો કવાથ બનાવી ઠંડો કરી તેમાં મધ ઉમેરી પીવાથી રક્તષ્ટિવી સન્નિપાત મટે છે.
ભુગ્નનેત્ર સન્નિપાત ના લક્ષણ
ભુગ્નનેત્ર સન્નિપાત ના રોગી ના નેત્રો અત્યંત વાંકા થઇ જાય, શ્વાસ ચઢે, ઉધરસ આવે, ઘેન ચઢે, બકવા, મદ, અત્યંત કંપ થાય, બહેરાશ આવે, મોહ, અને વિસ્મૃતિ થાય. આ સઘળા લક્ષણો ભુગ્નનેત્ર સન્નિપાત ના છે તેમજ આ રોગ અસાધ્ય હોવા છતાં રોગી ની શાંતિ માટે આ ઉપાય કરવો યોગ્ય છે.
ઉપાય
દારૂહળદર, પટોળ, મોથ, ભોરીંગણી, કડુ, હળદર, લીંબડાની અંતરછાલ, અને ત્રિફળા. આ સર્વે ઔષધ સમાન માત્રા મા લઇ તેનો કવાથ કરી સવાર સાંજ બંને સમય રોગીને પાવો જેથી તેનો ભુગ્નનેત્ર સન્નિપાત મટી શકે.
અભિન્યાસ સન્નિપાત ના લક્ષણ
અભિન્યાસ નામના સન્નિપાત ના રોગી મા ત્રિદોષ અત્યંત તીવ્ર અને સમાન જણાય, મોહ, ઘેલછા, શ્વાસ, અત્યંત મૂંગાપણું, બળતરા, મ્હો ચીકણું, મંદાગ્ની, બળ નો ક્ષય, અને અત્યંત જડપણું જણાઈ આવે છે. આ સર્વે લક્ષણો અભિન્યાસ ના છે તેમજ આ રોગ અસાધ્ય હોવાથી તેના ઉપાય ટેકા રૂપ છે. આ રોગમાં ઉપાયો કરતી વખતે અતિ સાવચેતી રાખવી.
આ કવાથ દિવસમાં બે વાર સવાર – સાંજ લેવાથી અભિન્યાસ તેમજ સર્વ પ્રકારના સન્નિપાત, ઉધરસ, કંઠના રોગ, દમ, સાંધા અને હાડકાઓ માં થતા દુખાવાઓ, હેડકી, આફરો, ગુદ્દાના રોગો, અને વાત વ્યાધિઓ ને મટાડે છે. આ ઔષધી ને ભાર્ગ્યાદિ ૩૨ કવાથ કહેવામાં આવે છે.
જીવ્હક સન્નીપાત ના લક્ષણ
જે રોગીની જીભ કઠણ કાંટાઓ થી વીંટાયેલી હોય, શ્વાસ, ઉધરસ, બહેરાશ, મૂંગાપણું, દાહ, અને બળ નો નાશ. આ સર્વે લક્ષણો જીવ્હક સન્નિપાત રોગ ના છે. આ સન્નિપાત કષ્ટસાધ્ય છે.
ઉપાય
ઘોડાવજ, ભોરીંગણી, જવાસો, રાસ્ના, લીંબડાની ગળો, મોથ, સુંઠ, કડું, કાકડાશીંગી, પુષ્કરમૂળ, બ્રાહ્મી, ભારંગી, લીંબડાની અંતરછાલ, અરડુંસો, અને કચૂરો. આ સઘળા ઔષધ સમાન ભાગે લઇ ખાંડી લો અને તેનો કવાથ બનાવી લો. આ કવાથ પીવાથી જીવ્હક નામનો સન્નિપાત મટે છે.
આ પ્રકારના રોગીનું માથું નિરંતર હાલક ડોલક થયા કરે, સઘળા અંગોમાં પીડા વ્યાપ્ત હોય, ઉધરસ, હેડકી, શ્વાસ, બળતરા, મૂર્છા, આખા શરીર નુ તપવું, બકવા, કંપ, અને વિસ્મૃતિ. આ સઘળા લક્ષણો અંતક સન્નિપાત ના છે.
અંતક સન્નિપાત અતિ અસાધ્ય છે માટે તે ઉપાય રહિત છે. આ રોગ થી ગ્રસિત રોગીનું મૃત્યુ નિશ્ચિત હોય ઉપાય નિરર્થક છે.
રુગદાહ સન્નિપાત ના લક્ષણ
રૂગદાહ ના રોગી ને શરીરે અત્યંત બળતરા થાય, ઘણી તરશ લાગે, શ્વાસ, બકવા, ભ્રમ, મોહ, અરુચિ, પીડા, ડોકમાં વ્યાધી, દાઢી માં પીડા, કંઠ માં દુખાવો, પેટમાં શૂળ, અને વ્યાકુળ તથા શ્રમયુક્ત શરીર ભાસે. આવા સર્વે લક્ષણો રૂગદાહ સન્નિપાત માં જોવા મળે છે.
રૂગદાહ સન્નિપાત પણ અસાધ્ય છે છતાં પણ આધાર માટે ઉપાય જરૂર કરી શકાય.
ઉપાય
હરડેની છાલ, પિત્તપાપડો, કડું, દેવદાર, ગરમાળાનો ગોળ, કાળી દ્રાક્ષ, અને મોથ. આ સઘળા ઔષધ સમાન માત્રા માં લઇ ખાંડી તેનો કવાથ બનાવી લો. આ કવાથ સવાર સાંજ બંને સમય પાવાથી રૂગદાહ સન્નિપાત અને મહાજવર ના વેગ ને શાંત કરે છે.
ચિત્તવિભ્રમ સન્નિપાત ના લક્ષણ
ચિત્તવિભ્રમ સન્નિપાત ના રોગી ગાય, નાચે, હસે, બકે, વિકૃત રીતે જુએ, મોહ પામે, બળતરા, વ્યથા, ભયથી પીડાય, શ્વાસ વધારે ચાલે, ભ્રમ, મદ, અને તાપ હોય. આ સર્વે લક્ષણો આ રોગ ના છે.
ઉપાય
બ્રાહ્મી, ઘોડાવજ, રીસામણી, ત્રિફળા, કડું, મોટી કાંસકીના મૂળ, ગરમાળાનો ગોળ, લીંબડાની અંતરછાલ, મોથ, પટોળ, કાળીદ્રાક્ષ, સાલરપોટી, પીલવણી, ભોરીંગણી, ઉભીરીંગણી, માળવી ગોખરું, બીલી, અરણી, અરલું, સીવણ, અને પાડળનુ મૂળ. આ સર્વે ઔષધ સમાન ભાગે લઇ અધકચરા ખાંડી તેનો કવાથ બનાવી લેવો. આ કવાથ રોગીને સવાર સાંજ બંને વખત પાવો જેથી ચિત્તવિભ્રમ સન્નિપાત મટે છે. આ કવાથ રૂગદાહ સન્નિપાત પણ મટાડે છે.
કર્ણિક સન્નિપાત ના લક્ષણ
કર્ણિક સન્નિપાત ના રોગી ને કાનના મૂળમાં તીવ્ર દુખાવો તથા તીવ્ર સોજો હોય, કંઠ પકડાઈ જાય, બહેરાશ, હાંફ, બકવા, દાહ, મોહ, પરસેવો, ઉધરસ, દમ, અને કાનના મૂળમાં સોજો-શૂળ અનુભવાય. આવા લક્ષણો કર્ણિક સન્નિપાત ના રોગ માં જોવા મળે છે. આ પ્રકારનો સન્નિપાત કષ્ટસાધ્ય છે.
ઉપાય
રાસ્ના, અશ્વગંધા, મોથ, ભોરીંગણી, ભારંગી, કડું, પુષ્કરમૂળ, અને ઘોડાવજ. આ સર્વે ઔષધ ને સમાન માત્રા મેં લઇ ખાંડી કવાથ બનાવી લેવો. આ કવાથ ને કાકડાશીંગી અને હરડેનો પ્રતીવાસ દઈ દિવસમાં બે વાર સવાર-સાંજ પીવાથી કર્ણિક સન્નિપાત મટે છે.
હળદર, ઈંગોરીયા ની જડ, સિંધાલુણ, દારૂહળદર, દેવદાર, અને ઇન્દ્રવરણા ની જડ. આ સર્વે ઔષધ સમાન માત્રામાં લઇ બારીક વાટી લેવા. આંકડાના દુધમાં આ ચૂર્ણ ઘૂંટી તેનો કર્ણમૂળ માં લેપ કરવાથી કર્ણમૂળ નો દુઃખાવો મટે છે.
કંઠકુબ્જ સન્નિપાત ના લક્ષણ
કંઠકુબ્જ ના રોગીનો કંઠ સેંકડો ધાન્યોની અણીઓથી વીંટાયેલો હોય એવો થઇ જાય, હાંફ ખુબ ચડે, બકવા, અરુચિ, બળતરા, દેહમાં પીડા, મોહ, કંપ, તરશ, દાઢી ઝલાઈ જાય, માથામાં પીડા થયા કરે. આ સર્વે લક્ષણ કંઠકુબ્જ સન્નિપાત માં જોવા મળે છે. આ પ્રકારનો સન્નિપાત કષ્ટસાધ્ય છે.
ઉપાય
કાકડાશીંગી, ચિત્રામૂળ, હરડેની છાલ, અરડુંસો, કચૂરો, કરિયાતું, ભારંગી, હળદર, ભોરીંગણી, પુષ્કરમૂળ, મોથ, કડાછાલ, ઇન્દ્રજવ, કડું, અને કાળામરી. આ સઘળા ઔષધ સમાન ભાગે લઇ ખાંડી લેવા.
આ ચૂર્ણ નો કવાથ બનાવી દિવસમાં બે વાર સવાર સાંજ નિરંતર અને નિયમિત આઠ દિવસ પીવાથી દાહ, મોહ, અરુચિ, દમ, આફરો, કંઠપીડા, ઉધરસ, અને અભિન્યાસ આદિ ઉપદ્રવો સહીત કંઠકુબ્જ સન્નિપાત નો નાશ કરે છે.
તંદ્રિક, ચિત્તવિભ્રમ, કર્ણિક, જીવ્હક, અને કંઠકુબ્જ આ પાંચ પ્રકારના સન્નિપાત કષ્ટસાધ્ય છે.
રક્તષ્ટીવિ, ભુગ્નનેત્ર, શીતાંગ, પ્રલાપક, અભિન્યાસ, અને અંતક આ છ પ્રકારના સન્નિપાત અસાધ્ય છે.
સર્વે સન્નિપાત નો ઉપાય
1 રસવંતી, પીપર, કાળામરી, ઘોડાવજ, અરલું ના બીજ, અને સિંધાલુણ. આ સર્વે ઔષધ સમાન માત્રા માં લઇ ગૌમૂત્ર માં અત્યંત બારીક વાટી લેવા. તેનું આંખમાં અંજન કરવાથી સર્વે પ્રકારના સન્નિપાત ના ઉપદ્રવો શમે છે.
2 કાળામરી, મહુડો, સિંધાલુણ, ચિત્રામૂળ, કાયફળ, અને લીંડીપીપર. આ સર્વે ઔષધ સમાન માત્રા માં લઇ અત્યંત બારીક વાટી ગરમ પાણી માં નાખી તેનો નાસ લેવાથી ત્રિદોષજન્ય સન્નિપાત મટે છે.
(3) ચિંતામણી રસ
આઠ જાતના તાવ (જવર) નો નાશ કરનાર ઉપાયો
શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ અભ્રક ભસ્મ, શુદ્ધ તામ્બેશ્વર, સુંઠ, કાળામરી, લીંડીપીપર, હરડે, બહેડા, આમળા, અને શુદ્ધ નેપાળો. આ સર્વે ઔષધ સમાન ભાગે લઈ કુબાના પાનના રસમાં બે પ્રહર સુધી ઘુટી તડકે સુકવી લેવા. સુકાઈ ગયા પછી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવું.
આ ઔષધ એક કે બે રતી માત્રા માં યોગ્ય અનુપાન સાથે રોગીને પીવડાવવાથી આઠેય પ્રકારના તાવ (જવર) નાશ પામે છે. આ ઉપરાંત પેટનું શૂળ, અજીર્ણ, હીક, હલીમક, અને આમવાયુ નો પણ નાશ થાય છે. આ ઔષધ ને “ચિંતામણી રસ” કહેવામાં આવે છે.
(4) મૃત સંજીવની ગુટીકા
1 ૨ ટાંક શુદ્ધ પારો
2 ૨ ટાંક શુદ્ધ ગંધક
3 ૧ ટાંક શુદ્ધ વચ્છ્નાગ
4 ૪ ટાંક કાળામરી
(1 ટાંક = 4.4 ગ્રામ)
પ્રથમ પારો અને ગંધકની કજ્જ્લી કરી લેવી અને ત્યારબાદ તેમાં વચ્છ્નાગ અને કાળામરી ઉમેરી ખુબ ઘૂંટવું. સારી રીતે ઘૂંટાયા બાદ તેને બ્રાહ્મીની એક ભાવના આપવી, ત્યારબાદ એક ભાવના ચિત્રક રસ ની આપી એક એક રતીભાર ના વજનની ગોળીઓ બનાવી લેવી.
એક ગોળી આદુના રસ સાથે સેવન કરવાથી સન્નિપાત, મૂર્છા, આમવાયુ, વાતશૂળ, શીતજ્વર, બળતરા, વિષમજ્વર, મંદાગ્ની, અને અરુચિ વિગેરે અનેક રોગોનો નાશ થાય છે. આ ગોળી મરણ પથારીમાં પડેલા રોગીને એકવાર આરામ આપનારી છે. આ ઔષધ ને મૃત સંજીવની ગુટીકા કહેવામાં આવે છે.
(5) કાળારિરસ
1 ૧૨ માસા શુદ્ધ પારો
2 ૨૦ માસા શુદ્ધ ગંધક
3 ૧૨ માસા વચ્છ્નાગ
4 ૪૦ માસા લીંડીપીપર
5 ૨૦ માસા જાયફળ
6 ૫ માસા મરી
7 ૧૨ માસા અક્કલકરો
8 ૧૬ માસા લવિંગ
9 ૧૨ માસા ધતુરાના બીજ
10 ૧૨ માસા શુદ્ધ ટંકણખાર
(1 માસા = 0972 ગ્રામ)
પ્રથમ પારો અને ગંધક ની કજ્જ્લી કરી લેવી. ત્યારબાદ અન્ય ઔષધ ને બારીક વાટી આ કજ્જ્લીમાં ઉમેરી સારી રીતે ૩ દિવસ સુધી ઘૂંટી લેવા. ત્યારબાદ તેની એક કે બે રતી ની ગોળીઓ બનાવી લેવી.
આ ઔષધ ની એક કે બે ગોળી લઇ યોગ્ય અનુપાન સાથે સેવન કરે, તેનો નાસ લે, કે મર્દન કરવાથી વાયુ રોગ અને તમામ પ્રકારના સન્નિપાત મટે છે. આ ઔષધ ને કાળારિરસ કહેવામાં આવે છે.
આ સર્વે ઔષધને બારીક વાટી લીધા બાદ તેને લીંબુના રસ માં ૩ દિવસ ઘૂંટવા. ત્યારબાદ આદુના રસમાં ૫ દિવસ, અને પાન ના રસ માં ૩ દિવસ આ ઔષધ ને ઘૂંટવું. ત્યારબાદ તેની એક રતી વજન સમાન ગોળીઓ વાળી લેવી.
આ ૬ ગોળીનું યોગ્ય અનુપાન સાથે અથવા આદુ ના રસ સાથે સેવન કરવાથી સન્નિપાત, વાયુ, મસ્તક પીડા, સળેખમ, અને પેટના દરેક રોગ દુર થાય છે. આ ઔષધ ને ત્રિપુરભૈરવ રસ કહેવામાં આવે છે.
(7) સંજ્ઞાકરણ
શુદ્ધ વચ્છ્નાગ, કડું, સિંધાલુણ, વજ, લસણ, ઉભીરીંગણી, કાયફળ, જેઠીમધ, અને સમુદ્ર્ફ્ળ. આ સર્વે ઔષધ સમાન ભાગે લઇ બારીક વાટી તેને આંકડાના દૂધ ના ૩ પુટ દેવા, ત્યારબાદ માછલી ના પિત્ત ની ૩ ભાવના આપી સારી રીતે ઘુંટી લેવું.
આ ઔષધ ની ૧ કે ૨ રતિ પ્રમાણે ના વજન માં લઇ નાક માં ભૂંગળી મારફત નાસ દેવાથી કફ, વાયુ, મૃગી, પીનસ, કાન, નેત્ર ના રોગ અને સન્નિપાત દુર થાય છે અને સ્મૃતિ આવે છે. આ ઔષધ ને સંજ્ઞાકરણ કહેવામાં આવે છે.
(1 રતિ = 0.182 ગ્રામ)
(8) બ્રમ્હાસ્ત્ર રસ
1 ૩ ટાંક પારાની શુદ્ધ ભસ્મ
2 ૩ ટાંક શુદ્ધ ગંધક
3 ૬ ટાંક શુદ્ધ વચ્છ્નાગ
4 ૧૨ ટાંક કાળામરી
(1 ટાંક = 4.4 ગ્રામ)
ઉપરોક્ત ઔષધો લઇ ખરલ કરી સુવર, મોર, અને પાડા ના પિત્ત ની ૭-૭ ભાવના આપવી. ત્યારબાદ આ ઔષધ ને કંકાસણી (કળીહારી), પટોળ, અને સૂર્યમુખી ના રસ માં ક્રમવાર ઘૂંટી લેવી. ત્યારબાદ આદુ ના રસ ના ૨૧ પુટ દેવા.
આ ઔષધ સુકાઈ જાય ત્યારે તેમાંથી ૨ રતી દહીં ભાત ના અનુપાન સાથે સેવન કરવું તથા સાથે સાથે ઠંડા ઉપચારો કરવા. આ ઔષધ ના સેવન કરવાથી સન્નિપાત જ્વર નો નાશ કરે છે તથા પેટના સઘળા રોગો અને હાડમાં થતા શૂળ ને દુર કરે છે. આ ઔષધને બ્રમ્હાસ્ત્ર રસ કહેવામાં આવે છે.