હરસ

હરસ

6 પ્રકારના હરસ

મસા 6 પ્રકારે થાય છે.

1          વાતજ અર્શ

2          પિત્તજ અર્શ

3          ક્ફ્જ અર્શ

4          સંનિપાત અર્શ

5          રકતજ અર્શ

6          સહજાત-જન્મજાત અર્શ

વાતજ અર્શ

જે મનુષ્યની ગુદ્દામાં સુકા, કાળા અથવા લાલાશ પડતાં, કઠોર અને ખરબચડા, તીક્ષ્ણ અને ફાટેલા મોઢા વાળા મસા હોય તેને વાતજ અર્શ (હરસ) કહેવામા આવે છે.

જે મનુષ્ય ના ગુદ્દા ઉપર બોર, કપાસિયા, સરસવ, કે કદંબ ના ફળ સમાન આકાર ધરાવતા મસાઓ હોય તો તે વાતજ અર્શ હોય છે.

જે મનુષ્યને માથામાં, પડખામાં, ડોકમાં, કેડમાં, જાંધમાં અને પેટમાં વધારે દુખાવો રહેતો હોય ત્યારે તે મનુષ્યને વાતજ અર્શ હોય શકે.

જે વ્યક્તિને ઓડકાર કે છીંક ના આવે , ભૂખ ના લાગે, ઉધરસ આવ્યા કરે, શ્વાસ ભરાઈ આવે, મંદાગ્નિ થાય, ગોળો ચડે, પેટના રોગો, ભ્રમ પેદા થાય, કાનમાં ઘોંઘાટ અને છાતીમાં દુખાવો થાય – આવા લક્ષણો દેખાય ત્યારે જાણવું કે તેને વાયુના હરસ છે.

સારવાર

સુરણ

એક તાજું સુરણ લઈ સ્વછ પાણીથી ધોઈ એક સ્વચ્છ કાપડમાં લપેટી અને ઉપર માટી લપેટી લો. (કપડમટ્ટી કરી લો)

પુટપાક પધ્ધતિ પ્રમાણે તેને સારી રીતે બાફી લો અને કપડમટ્ટી દૂર કરી તેને જીણું સમારી લો.

આ બાફેલા સુરણને ગાયનાં ઘી અથવા કાળા તલના તેલમાં બોળીને નિયમિત રીતે 3 તોલા (30 થી 35 ગ્રામ) 21 દિવસ સુધી નિરંતર ખાય તો વાયુના મસા (વાતજ અર્શ) મટે છે.

આંકડાના પાન

આંકડાના પાકા પાન લેવા તેના ઉપર સિંધાળું મીઠું, સંચળ, બીડલવણ, સમુદ્રી મીઠું, ખારો મીઠું, લીંબુનો રસ અને તલનું તેલ લગાવી અને બાળી નાખવા. બળી ગયા બાદ તેની રાખ ગરમ પાણી સાથે સેવન કરવાથી વાયુના મસા (વાતજ અર્શ) મટે છે.

ઘોળવું

ગાયનું દૂધ જમાવી તે દહીંનું ઘોળવું બનાવવું અને તેમાં થોડું સિંધાળું મીઠું નાખી તેનું સેવન કરવાથી સંગ્રહણી, અતિસાર અને વાયુના મસા (વાતજ અર્શ) મટે છે.

કાંકાયન ગુટી

1          20 તોલા         હરડેની છાલ

2          4 તોલા            મરી

3          4 તોલા            પીપર

4          4 તોલા            જીરું

5          8 તોલા            પીપરીમૂળ

6          12 તોલા          ચવક

7          16 તોલા           ચિત્રક

8          20 તોલા         સુંઠ

9          32 તોલા         શુધ્ધ ભિલામાં

10        64 તોલા         સુરણ

11        8 તોલા            જવખાર

ઉપરના તમામ ઔષધનું બારીક ચૂર્ણ તૈયાર કરી તેમાં 384 તોલા ગોળ ઉમેરીને સારી રીતે તેને મિશ્ર કરી લેવું. ત્યારબાદ બહેડા જેવડી મોટી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓના સેવનથી વાયુના મસા (વાતજ અર્શ) મટે છે.

જે મસા ખાર અને શસ્ત્રથી ન મટયા હોય તેવા હરસ પણ આ કાંકાયન વટી થી નાશ પામે છે.

કવાથ

બંદાલનો કવાથ બનાવી તેનાથી ગુદ્દા ધૂવે અથવા બંદાલની ધૂણી મસાને આપે તો મસા મટે છે.

લેપ

બંદાલના બીજ અને સિંધાળું મીઠું કાંજીમાં ઘૂંટીને તેનો લેપ મસા ઉપર લગાવવાથી આકરા મસા પણ ખરી જાય છે.

લેપ

હળદર અને કડવા તુરીયાનું મૂળ કે બીજ એકઠા વાટીને તેનો લેપ કરવાથી મસા મટે છે.

લેપ

આંકડાના પાન અને સરગવાનુ મૂળ વાટીને તેનો લેપ કરવાથી મસા મટે છે.

બાફ / શેક

એરંડાનું મૂળ, દેવદાર, રાસ્ના, અને જેઠીમધ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરો. તેમાં ચોથા ભાગે જવનું ચૂર્ણ મેળવવું અને ત્યારબાદ તેને દૂધમાં પકવી લેવું.

આ પાકનો બાફ કે શેક ગુદ્દા ઉપર લેવાથી ગુદ્દાના મસા અને મસામાં આવતા સણકાઓ મટે છે.

લેપ

લીંબડાના પાન અને કરેણના પાનને વટી તેનો મસા ઉપર લેપ કરવાથી મસાની પીડા મટે છે.

લેપ

કડવી તુંબડીનું મૂળ, ગોળ અને આરનાળ (ફોતરાં વિનાના કાચા અથવા પકવેલા ઘઉં નો આથો કરવાથી આરનાળ થાય છે) નો લેપ મસા ઉપર લગાવવાથી મસા મટે છે.

કાસીસાદિ તેલ

હીરાકસી, સિંધાળું, પીપર, સુંઠ, ઉપલેટ, વઢવાડિયું, મનશીલ, મરી, વાવડિંગ, નેપાળના મૂળ, ચિત્રામૂળ, શુધ્ધ હરતાલ, અને દારૂડીનું મૂળ – આ સર્વે ઔષધ એક સરખા ભાગે લેવા.

કાળા તલ નું તેલ લેવું , તેલથી ચાર ગણું ગૌમુત્ર લેવું.

ઉપરની બધીજ વસ્તુઓને એક કડાઈમાં નાખી ધીમા તાપે તેલને પકવી લેવું (તેલ સિધ્ધ કરી લેવું)

આ તૈયાર થયેલું તેલ મસા ઉપર લગાવવાથી મસા ખરી જાય છે. આ તેલ ખાર જેવુ કામ આપે છે છતાં તે ગુદ્દાના ભાગને કોઈ ઇજા કરતું નથી.

બ્રહત સૂરણમોદક

1          16 ભાગ          પાકેલું સૂરણ

2          8 ભાગ            ચિત્રક

3          2 ભાગ            સુંઠ

4          1 ભાગ            મરી

5          2 ભાગ            ત્રિફળા

6          2 ભાગ            પીપર

7          2 ભાગ            પીપરીમૂળ

8          2 ભાગ            તાલીસ પત્ર

9          2 ભાગ            ભીલામાં

10        2 ભાગ            વાવડીંગ

11        8 ભાગ            મૂસળી

12       16 ભાગ           વરધારો

13       1 ભાગ            ભાંગ

14       1 ભાગ            એલચી

ઉપરના તમામ ઔષધોનું ચૂર્ણ કરી લેવું. ચૂર્ણથી બમણો ગોળ મેળવી સારી રીતે મિશ્ર કરી લો. ત્યારબાદ યોગ્ય માત્રામાં ગોળીઓ બનાવી લેવી.

આ ગોળીઓનું સેવન નિયમિત રીતે કરવાથી ગુદ્દાના મસા, હેડકી, શ્વાસ, ઉધરસ, ક્ષય, પ્રમેહ, બરલ અને સંગ્રહણી આ બધાજ રોગોનો નાશ થાય છે. ખાર અને શસ્ત્રક્રિયાથી જે મસાનો નાશ ન થયો હોય તેવા મસા ને પણ આ બૃહત સૂરણ મોદક મટાડે છે.

પિત્તજ અર્શ

પિત્તજ અર્શ કાળા મોઢવાળા, રતિ-પીળી કે સફેદ કાંતિવાળા, પાતળા અને ઉષ્ણ રક્તનો સ્રાવ કરવાવાળા હોય છે. આ પ્રકારના મસા જળોના મોઢા જેવા, નર્મ અને દુર્ગંધ વાળા હોય છે.

પિત્તજ અર્શ ના રોગીઓમાં બળતરા, તાવ, ગુદ્દામાં પાક, પરસેવો, તરસ, મૂર્ચ્છા અને અરુચિ જેવા લક્ષણો જોવા મળે છે.

આ પ્રકારના મસાનો સ્પર્શ કરતાં તે ગરમ લાગે છે. આ પ્રકારના મસાને કારણે આવા રોગીની વિષ્ટા દ્રવ રૂપે હોય છે તેમજ નીલી, લાલ, પીળી, ગરમ અને કાચી હોય છે.

આવા રોગીઓની ચામડી, નખ, મળ-મૂત્ર પીળા કે હરિત વર્ણા થઈ જાય તો તે પિત્તજ અર્શના રોગીઓ છે તેમ જાણવું.

રકતજ અર્શ

રકતજ અર્શ ચણોઠી જેવા રંગ વાળા હોય છે. તેમાથી વિશેષ પ્રમાણે લોહીની ધારા પડે છે. વિષ્ટા કાળી કઠણ અને લૂખી હોય છે. વિષ્ટા કઠણ હોવાથી ઝાડો બહુ જ તકલીફ કરે છે અને લોહી વિશેષ પ્રમાણમા વહી જતું હોવાથી રોગીના શરીરનો વર્ણ દેડકાના વર્ણ જેવો થઈ જાય છે. શરીર દુર્બળ અને ક્ષીણ થતું જાય છે. બળ, પરાક્રમ, અને ઉત્સાહનો નાશ થાય છે. ગુદ્દાનો પવન સારી રીતે બહાર નીકળી શકતો નથી તેથી શરીર લૂખ્ખુ ભાસે છે.

કેડમાં, સાથળોમાં, ગુદ્દામાં શૂળ (દુખાવો) પેદા થાય તેમજ શરીર બળહીન બને તો રક્ત્જ અર્શ સાથે વાયુ ભળી ગયો હોય તેમ જાણવું.

જો વિષ્ટા શિથિલ, સફેદ, પીળી, ચીકણી, ભારે અને ઠંડી હોય તેમજ લોહી તાંતણવાળું અને ઘાટું હોય અને ગુદ્દા ચીકાસ વાળી હોય તો રક્ત અર્શ સાથે ક્ફ્ફ ભળેલો જાણવો.

પિત્તજ અને રક્તજ બંને અર્શની સારવાર

રસવંતી બારીક વાટીને તેને 2 ભાર વજન માં લઈ 4 ઘડી સુધી પાણીમાં રાખો. ત્યારબાદ તેને ગાળીને તેનું સેવન કરવું. બે મહિના સુધી આનું સેવન કરવાથી પિત્તજ અને રક્તજ બંને પ્રકારના અર્શ મટે છે.

પીપળાની લાખ, હળદર, જેઠીમધ, મજીઠ, નિલકમળ, – આ સર્વે ઔષધ ના બારીક ચૂર્ણ કરો. આ ચૂર્ણનું બકરીના દૂધમાં 2 ટાંક નિયમિત રીતે 49 દિવસ નિરંતર સેવન કરે તો બંને પ્રકારના અર્શ મટે છે.

નાગકેસરને બારીક વાટીને માખણ અને સાકર સાથે મેળવી નિયમિત સેવન કરે તો બંને પ્રકારના ગુદ્દાના અર્શ મટે છે.

કુટજાવલેહ

કડાછાલ 400 તોલા લઈ 1024 તોલા પાણીમાં ઉકાળવી. પાણી જ્યારે આઠમા ભાગનું રહે ત્યારે તેને નીચે ઉતારી ગાળી લો.

ગાળીને રાખેલું આ પાણી બીજી વાર અગ્નિ ઉપર ઉકાળો અને આ રસ જ્યારે જાડો થાય ત્યારે તેમાં –

મોથ, મોચરસ, લોદર, કોઠનો ગર્ભ, ધાવડીના ફૂલ, ભિલામાં, વાવડિંગ, ત્રિકટુ (સુંઠ, મરી, પીપર), ત્રિફળા (હરડે, બેહેડા, આંબળા), રસવંતી, ચિત્રામૂળ, ઇન્દ્રજવ, વજ, અતિવિષ, અને બિલનો ગર્ભ – આ સર્વે ઔષધ 4 -4 તોલા લઈ તેનું ચૂર્ણ બનાવી તેમાં નાખવું.

ત્યારબાદ 120 તોલા ગોળ અને 16 તોલા ગાયનું ઘી ઉમેરી સારી રીતે, એકરસ થાય ત્યાં સુધી હલાવી અવલેહ થયે નીચે ઉતારી લેવું.

આ અવલેહ ઠડો થયા બાદ તેમાં 16 તોલા મધ ઉમેરી સારીપેઠે હળવી મિશ્ર કરો.

આ અવલેહનું સેવન કરવાથી વહેતા મસા, વાદી મસા, પિત્તજ, ક્ફજ અને સંનિપાતના મસાઓ મટે છે. આ ઉપરાંત કોઢ અને ભગંદર જેવા રોગો પણ મટે છે. અમ્લપિત્ત, અતિસાર, પાંડુરોગ, અરુચિ, સંગ્રહણી, કૃશતા, સોજો, કમળો અને ક્ષીણતા આ સઘળા રોગો આ અવલેહના સેવનથી નાશ પામે છે.

આ અવલેહ ઉપર દૂધ, ઘી, છાશ, પાણી, મધ વિગેરે અનુપાનો, રોગાનુસાર પ્રયોજવા જેથી રોગથી તત્કાળ મુક્ત થઈ શકાય.

બોળબધ્ધ રસ

1    ગળો સત્વ

2    શુધ્ધ પારો

3    શુધ્ધ ગંધક

આ ત્રણેય ઔષધ સમાન ભાગે સાથે લઈ સારા પ્રમાણમા ઘૂંટી લેવા (પારા અને ગંધકની કાજળી કરવી)

આ ત્રણેયના વજન બરાબર ગોળ લઈ સારા પ્રમાણમા મિશ્ર કરીલો.

ત્યારબાદ આ મિશ્રણને શીમળાના રસમાં ઘૂંટી આ મિશ્રણ તૈયાર કરો. આ તૈયાર થયેલા ઔષધ ને બોળબધ્ધ રસ કહેવામા આવે છે.

આ તૈયાર થયેલ ઔષધ 3 માસા લઈ તેમાં મધ ઉમેરી સેવન કરવું.

આ રીતે આ ઔષધનું નિયમિત સેવન કરવાથી ખૂની અર્શ, પિત્તજ અર્શ, વિદ્રધી, રક્ત પ્રમેહ, સ્ત્રીઓનો સોમ રોગ અને ભગંદર એ સર્વે રોગોનો નાશ થાય છે.

લધુ માલિની વસંત રસ

પ્રથમ નીરોગી મનુષ્ય ના મૂત્રમાં ખાપરીયાને 21  દિવસ પલાળી રાખવું અને બાદમાં ઘૂંટી લેવું.

કાળા મરી (છાલ ઉતરેલા) ખાપરીયાથી અડધા વજનમાં લઈ બંનેને માખણ સાથે ઘૂંટી લેવા.

ત્યારબાદ તેને લીંબુના રસ ની 100 ભાવનાઓ આપી અને સારી રીતે ઘૂંટી લઈ આ ઔષધ તૈયાર કરી લેવું. આ ઔષધ લધુ માલિની વસંત રસ તરીકે ઓળખાય છે.

આ લધુ માલિની વસંત રસ નું સેવન મધ કે પીપર સાથે કરવામાં આવે છે. તેમજ સાકર સહિત ભોજન કરવામાં આવે છે.

આ ઔષધ નું નિયમિત સેવન કરવાથી તે ધાતુગત તાવ, પિત્ત, ભ્રમ, પિત્ત અને લોહીના રોગો, સંગ્રહણી અને દુજતા મસાઓનો નાશ કરે છે.

મસા માથી લોહી વહેતું હોય તેવા સંજોગોમાં –

1    6 તોલા            વડબોરડી સુકાયેલા પાન

2    6 તોલા            આંબળા

3      24 તોલા         ગાયનું માખણ

પ્રથમ વડબોરડી સુકાયેલા પાન અને આંબળાનું ચૂર્ણ તૈયાર કરો.

ગાયના માખણને એક લોખંડની કડાઈમાં નાખી ખૂબ ઉકાળવું, ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ચૂર્ણ ઉમેરવા અને સારીપેટે હલાવી મિશ્ર કરી લેવા.

ત્યારબાદ ઠંડુ થવા દઈ એક ધાતુના વાસણમાં ભરી લેવું.

4 માસા આ ઔષધ લઈ ખરલ કરી સવારે તેનું નિયમિત સેવન કરવું. આ ઔષધનું 21 દિવસ સુધી સેવન કરવાથી તથા ઔષધ લઈ ઠંડા પાણીનાં કોગળા કરવાથી મસામાથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.

પરેજી

બાજરી, કરેલા, અથાણું, અડદ, કેરી, વિગેરે ગરમ ચીજોનો ખોરાક ના લેવો.

રસવંતી

લીંબોળીના બીજ અને એળિયો ને સાથે પાણી સાથે ખરલમાં જીણી વાટી 1 રતી ની જીણી ગોળીઓ વાળી લેવી.

આ રસવંતી ની એક ગોળી સવારે પાણી સાથે 21 દિવસ પીવાથી મસામાંથી વહેતું લોહી બંધ થાય છે.

લેપ

રસવંતી , ભીમસેની કપૂર અને લીંબોળીના બીજ એ સર્વેને પાણી સાથે ખરલમાં લસોટી લેપ તૈયાર કરો.

આ લેપ મસા ઉપર લગાવી ઉપર મોરથૂથું ધસીને લગાવવાથી મસા નાશ પામે છે.

ક્ફ્જ અર્શ

કફ્જ અર્શ ઊંડા મૂળવાળા, જાડા, ગંધ અને પીડવાળા, સફેદ, ઊંચા, ગોળ, સ્નિગ્ધ, પૂછડી વાળા, આળી ચામડીથી વીંટાયેલા, લિસા, ખંજવાળ વાળા, સ્પર્શ કરતાં સારો લાગે તેવા અને અણીદાર હોય છે.

આવા રોગીને આ અર્શ સાંખામાં પીડા કરનારા હોય છે, પેડુમાં આફરો કરનારા, ગુદ્દામાં-મૂત્રાશયમાં અને નાભીમાં આકર્ષણ જેવી વેદના આપનારા હોય છે.

શરદી, સળેખમ, ઉધરસ, શ્વાસ, મોળ, અરુચિ, પ્રમેહ, મૂત્રકૃચ્છ, માથું ભારે રહેવું, શીતજ્વર, મૈથુનની ઇચ્છાનો અભાવ, મંદાગ્નિ, ઉલ્ટી, ઊબકા, વિગેરે લક્ષણો આવા રોગીઓમાં જોવા મળે છે.

કફ્ફ્જ અર્શ વાળા દર્દીનો ઝાડો કફ્ફ થી વ્યાપ્ત અને પ્રવાહિકા વાળો હોય છે તથા આમ વિશેષ પ્રમાણમા જોવામાં આવે છે. આવા દર્દીના ઝાડા ગ્રહણી અને અતિસાર વિગેરે વિકારોથી યુક્ત અને ચરબી જેવા હોય છે.

આ પ્રકારના અર્શમાથી લોહી વહેતું નથી તેમ જ આવા મસા ભેદાય નહીં તેવા હોય છે. તેમજ તેની ચામડી પાંડુ અને સ્નિગ્ધ થઈ જાય છે.

કફ્જ અર્શની સારવાર

આ પ્રકારના અર્શમાથી લોહી વહેતું નથી તેમ જ આવા મસા ભેદાય નહીં તેવા હોય છે. તેમજ તેની ચામડી પાંડુ અને સ્નિગ્ધ થઈ જાય છે.

કવાથ

4 તોલા આદું લઈ તેનો કવાથ કરી 21 દિવસ પીવે તો કફના અર્શ નાશ પામે છે.

લેપ

હળદરના ગાંઠીયાને થોરના દૂધની 7 ભાવનાઓ આપી, આ ગાંઠીયાને ઘસી મસા ઉપર તેનો લેપ કરવાથી કફના મસા મટી જાય છે.

અર્ક

1          ત્રિફળા                          56 તોલા

2          દશમૂળ                         56 તોલા

3          ચિત્રામૂળ:                      56 તોલા

4          નસોતર                         56 તોલા

5          નેપાળાના મૂળ              56 તોલા

ઉપરના આ સર્વે ઔષધને ખાંડીને 28 શેર પાણીમાં પલાળો અને તેમાં દસ શેર ગોળ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે હલાવી ઢાંકીને 21 દિવસ સુધી એકાંતમાં રાખી મૂકવું.

21 દિવસ બાદ આ મિશ્રણ માથી (ત્રિયાક પતન યંત્ર મારફત) અર્ક ખેચી લેવો.

નિયમિત રીતે 1 ટાંક આ અર્ક ના સેવનથી કફ્ફ્ના અર્શ નો  નાશ થાય છે.

સંનિપાત અર્શ

જે અર્શમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો ના ચિન્હો જોવા મળે તે સંનિપાત ના અર્શ ના લક્ષણો સમજવા.

સંનિપાત વાળા અર્શની સારવાર

પ્રાણદા ગુટિકા

1       12 તોલા          આદું

2       4 તોલા            કાળા મરી

3       8 તોલા            પીપર

4       4 તોલા            ચવક

5       4 તોલા            તાલીસ પત્ર

6       2 તોલા            નાગ કેસર

7       8 તોલા            પીપરી મૂળ

8       7 તોલા            ચિત્રામૂળ

9       1 તોલા            એલચી

10     1 તોલા            તજ

11      1 તોલો           કમળની દાંડી

ઉપરના સઘળા ઔષધ લઈ તેનું બારીક ચૂર્ણ તૈયાર કરો. અને તેમાં 160 તોલા ગોળ ઉમેરો. આ ચૂર્ણ અને ગોળ સારી રીતે મિશ્ર કરી તેની એક એક તોલા ભારની ગોળીઓ બનાવી લો. આ ગુટિકાને પ્રાણદા ગુટિકા કહેવાય છે.

આ એક ગોળી જમ્યા પહેલા લેવી અને દર્દીની તાસીર પ્રમાણે અને બળ અનુસાર મધ, માંસરસ, દૂધ, યુષ, સૂપ કે પાણીના અનુપાન સાથે સેવન કરાવવું.

આ ગોળીના નિયમિત સેવન કરવાથી સંનિપાત ના મસા મટે છે. તેમજ મૂત્રકૃચ્છ, વાયુના રોગો, વિષમજ્વર, મંદાગ્નિ, પાંડુ, ગોળો, કૃમિ, હૃદયરોગ, શૂળ, અમ્લપિત્ત, બરલ, ઉધરસ, શ્વાસ, વમન, અતિસાર અને હેડકી વિગેરે રોગો જુદા જુદા અનુપાન ભેદ થી મટે છે. દરેક રોગને પારખી રોગીના બળાબલ્યનો વિચાર કરી, દેશ-કાળ મુજબ યોગ્ય અનુપાન સાથે આ ગુટિકાનું સેવન કરાવવાથી સઘળા રોગો મટી શકે છે.

વિજય ચૂર્ણ

ત્રિફળા, સૂંઠ, કાળામરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, વજ, શેકેલી હીંગ, કાળીપાડ, સાજીખાર, જવખાર, હળદર, દારુહળદર, ચવક, કડું, ઇન્દ્રજવ, વરિયાળી, પાંચ જાતના લૂણ, પીપરીમૂળ, બિલાનો ગર્ભ અને બોડીઅજમો આ સર્વે ઔષધ લઈ તેનું બારીક ચૂર્ણ કરી વસ્ત્રથી ગળી લેવું. આ ચૂર્ણને વિજય ચૂર્ણ કહેવામા આવે છે.

આ વિજય ચૂર્ણ નું નિયમિત સેવન કરવાથી સન્નીપાતના અર્શ ઉપરાંત શ્વાસ, ઉધરસ, હેડકી, ભગંદર, છાતી અને પડખમાં નીકળતું શૂળ, વાયુ-ગોળો, ઉદરવ્યાધિ, પ્રમેહ, પાંડુ, સંગ્રહણી, વિષમજ્વર, જીર્ણજ્વર, ઉન્માદ અને વંધ્યારોગનો નાશ થાય છે.

અર્શ કુઠાર રસ

1          4 તોલા            શુધ્ધ પારો

2          8 તોલા            શુધ્ધ ગંધક

3          12 તોલા          તાંબેશ્વર (તાંબાની ભસ્મ)

4          12 તોલા          ગજવેલ

5          8 તોલા            સુંઠ

6          8 તોલા            કાળામરી

7          8 તોલા            પીપર

8          4 તોલા            શુધ્ધ વચ્છનાગ

9          8 તોલા            નેપાળાનું મૂળ

10        8 તોલા            વઢવાડિયાના મૂળ

11        8 તોલા            ચિતરા મૂળ (ચિત્રક મૂળ)

12        20 તોલા         જવખાર

13        20 તોલા         ખડીઓખાર (ટંકણ ખાર)

14        20 તોલા         સિંધલૂણ

15        88 તોલા         ગૌમુત્ર

16        88 તોલા         થોરનું દૂધ

સૌ પ્રથમ ઉપરના તમામ ઔષધોને લઈ તેમાથી જે ખાંડવા યોગ્ય હોય તે ખાંડવા અને જે ખરલમાં ઘૂટવા યોગ્ય હોય તેને ઘૂટી લેવા. વાટવા યોગ્ય હોય તેને બારીક વાટી લેવા. બધી જ વસ્તુઓ ને બારીક બનાવી લેવા.

શુધ્ધ પારો અને શુધ્ધ ગંધક ની કજ્જલી કરી અને પછી તેનો ઉપયોગ કરવો.

એક કડાઈમાં આ બધીજ વસ્તુઓને લઈ સારી રીતે મિશ્ર કરી ધીમા તાપે પકાવો. પાક થયા બાદ તેની 2 માસા ભાર ગોળીઓ બનાવી લો. આ ઔષધને અર્શ કુઠાર રસ કહેવામા આવે છે.

આ આર્ષકુઠાર રસ 2 માસા લઈ પાણી સાથે નિયમિત સેવન કરવાથી અસાધ્ય સંનિપાતના અને સર્વે પ્રકારના અર્શ (મસા) નો નાશ થાય છે.

સર્વ પ્રકારના અર્શ ની સારવાર

કાંતિસાર-૧ (શંકર લોહ)

(અનુભવી વૈધ્યની દેખરેખ નીચે જ આ ક્રિયાઓ કરવી)

કાંતિલોહ (ગજવેલ લોઢું) લઈ તેને કપાવીને નાના ટુકડાઓ બનાવડાવી લેવા. આ ટુકડાઓને સાત વખત ખૂબ તપાવી તેલમાં બોળી ઠારવા. તેવી જ રીતે 7 વાર છાશમાં,  7 વાર ગૌમુત્રમાં, 7 વાર કાંજીમાં અને 7 વાર ત્રિફળાના કવાથમાં  આ પતરાઓને ખૂબ તપાવીને ઠારવા.

ત્યારબાદ આ ટુકડાઓને કાનસ વડે જીણો ભૂકો કરાવી લેવો.

આ ભૂકા સમાન (તેના વજન બરાબર) મનશીલ અને સોવનમાખી (સોનામાખી) લઈ તેનો પણ બારીક ભૂકો કરો. અને આ ભૂકાને રતવેલીઆના મૂળનો કલ્ક અને પારો લઈ તેની સાથે ખૂબ મિશ્ર કરી લો. (એકલા રતવેલિયાના મૂળનો કલ્ક હોય તો પણ ચાલે)

હવે આ તૈયાર થયેલું મિશ્રણ પહેલા તૈયાર કરેલા લોખંડના ભૂકા સાથે મેળવી લો.

એક મોટા પાત્રમાં આ સઘળું ભરી સંપુટ મુદ્રામાં, ખેરના કોયલાના અગ્નિથી તેને ખૂબ ધગાવવું અને જ્યારે સોવનમાખી અને મનશીલ બળી જાય અને વાસ આવતી બંધ થાય ત્યારે તેને અગ્નિમાથી બહાર કાઢી લેવું. આ પ્રક્રિયા 10 વખત કરવી.

ત્યારબાદ તેને બહાર કાઢી તે ભૂકાને ત્રિફળાના રસમાં કે કવાથમાં અને પારામાં (લોખંડના ભૂકના આઠમા ભાગનો પારો લેવો) ઘૂંટવો. પારો જ્યારે લોખંડના રેતમાં સમાઈ જાય ત્યારે તેને ફરી વાર અગ્નિની આંચ આપવી. અને આ પ્રક્રિયા 4 વખત કરવી.

આ પ્રક્રિયા પૂરી થયા બાદ આ તૈયાર થયેલ લોખંડની રેતને ખરલમાં નાખી જીણી વાટી લેવી. આ જીણી ભસ્મ પાણીમાં નાખવાથી તે પાણીની સપાટી ઉપર તરશે.

આ તૈયાર થયેલ ભસ્મને એક લોખંડના મજબૂત વાટકામાં ભરી તેને લાલ સાટોડીના રસના, ખાખરાનાં રસના, થોરના દૂધના અને શતાવરીના રસના 10 – 10 પુટ આપવા.

ત્યારબાદ લીંબડાની ગળોના રસના 20 પુટ આપવા

ત્યારબાદ જાંબુડાની છાલના રસના 7 પુટ અને ઉંમરાની છાલના રસના 7 પુટ આપવા. કૂવારપાઠાંના રસના 10 પુટ, આમળાના રસના 20 પુટ, લીંબુના રસના 20 પુટ, ખાખરની છાલના રસના 10 પુટ આપવા.

લોખંડની ભસ્મ ના વજનના બારમાં ભાગે શુધ્ધ હિંગળોક લઈને કુંવારપાઠાના રસ સાથે ઘૂટી આ રસના 10 પુટ આપવા.

ત્યારબાદ ઘીના 10 પુટ અને મધના 10 પુટ આપવા અને પ્રત્યેક પુટ વખતે ગજપુટ અગ્નિ આપવો.

હવે આ તૈયાર થયેલ ભસ્મને ખરલમાં ઘૂંટી એક સ્વચ્છ અને હવાચુસ્ત સુંદર શીશીમાં ભરી રાખવો. આ ભસ્મને કાંતિસાર-૧ (શંકર લોહ) કહે છે.

આ ભસ્મ પ્રથમ ૧ રતિ લઈ મધ અને પીપરના સંયોગથી શુભ દિવસે સદાશિવનું પુંજન કરી “ ૐ અમૃતમક્ષયામિસ્વાહા “ આ મંત્રનો ઉચ્ચાર કરી તેનો શુભ આશય સાથે વિવેકથી ઉપયોગ કરવો.

કાંતિસાર-૧ (શંકર લોહ) નો ઉપયોગ દેશ, કાળ, દોષબળ, શરીરબળ અને વયબળનો વિચાર કરી પ્રાત:કાળે રોગીને આપવો. અને ઉપરથી બળબીજના મૂળ નો કવાથ પાવો. ૩ માસ સુધી આ ભસ્મનો યોગ્ય માત્રમાં અનુપાન સાથે સેવન કરે અને પથ્યમાં રહે તો દરેક પ્રકારના અર્શની વ્યાધિ મૂળમાથી નાશ કરે છે.

વૃધ્ધ પુરુષો આનું સેવન કરે તો યુવાન સમાન બને છે. અને બળ, વર્ણ, પરાક્રમ, પુષ્ટતા અને આયુબળ વિશેષ પ્રાપ્ત થાય છે.

કાંતિસાર-૧ (શંકર લોહ) ના સેવનથી મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ, પાંડુ, વાતરક્ત, મૂત્રકૃચ્છ, અંડ્વ્રધ્ધિ અને અસાધ્ય રોગોનો નાશ થાય છે.

આ ભસ્મના સેવન દરમિયાન પથ્યમાં રહેવું. કોળું, તેલ, અડદ, રાઈ, દારૂ, ખટાશ, અને ગરમ તથા અહિતકારી વસ્તુઓનું સેવન કરવું ના જોઈએ.

પર્પટી રસ

શુધ્ધ પારો અને શુધ્ધ ગંધક લઈ તેની કજ્જલી કરવી.

આ બંનેના વજનથી બમણી માત્રામાં વિજાબોળ લઈ તેને ઘીમાં સૂક્ષ્મ વાટી લેવા. અને ત્યારબાદ શુધ્ધ પારો અને શુધ્ધ ગંધકની કજ્જલી માં મેળવી સારી રીતે મિશ્રણ કરી લેવું.

ત્યારબાદઆ મિશ્રણને લોખંડના વાસણમાં પિગાળી અને ઘૂંટી લેવું. ત્યારપછી તેની ટીકડીઓ વાળી લેવી.

આ ટીકડીઓને એક લોખંડના પતરા ઉપર રાખીને નીચેથી અગ્નિ આપવો. અગ્નિથી તપ્ત થયેલી આ ટીકડીઓ જ્યારે પાતળી થાય ત્યારે તેને કેળના પાન ઉપર ઢાળી લેવી.

આ ટીકડીઓમાથી જીણી પતરીઓ બનાવી લો. આ તૈયાર થયેલ ઔષધને પર્પટી રસ કહેવામા આવે છે.

આ ઔષધ નિયમિત રીતે 4 વાલ વજનમાં લઈ તેનું 15 દિવસ સેવન કરવાથી સંનિપાત વાળા અર્શ સાથે તમામ પ્રકારના અર્શ મટે છે.

લેપ

ચૂનો, સાજીખાર, ખડીઓખાર અને મોરથૂથું સમાન ભાગે લઈ લીંબુના રસમાં 3 દિવસ પલાળી રાખો.

ત્યારબાદ તેને ઘૂંટીને મસા ઉપર લગાવવાથી મસા દૂર થાય છે.

લેપ

સીસાની ગોળી ગાયના ઘી સાથે ઘસી અને અર્શ ઉપર 10 દિવસ લગાવવાથી મસા મટે છે.

ચૂર્ણ

વિષ્ણુક્રાંતા ટાંક 2, મરી ટાંક 2 અને ભાંગ 4 રતી લઈ તેને ખરલમાં વાટી લેવી. આ ઔષધ નિયમિત પીવાથી અર્શ રોગ શાંત થાય છે.

સાધ્યાસાધ્ય અર્શના લક્ષણો

જે દર્દીને ગુદ્દાની સંવરણી નામની વળીમાં એક દોષથી ઉત્પન્ન થયેલો અને એક વર્ષની અંદરનો અર્શ રોગ થયો હોય તો તે રોગ સુખસાધ્ય જાણવો.

અર્શ રોગ એક વર્ષથી વધુ વખતનો હોય, ગુદ્દાની બીજી વિસર્જની નામની વળીમાં હોય અને બે દોષથી યુક્ત હોય તો તેવો રોગ કષ્ટસાધ્ય હોય છે.

ગુદ્દાની ત્રીજી પ્રવાહિણી નામની વળીમાં અર્શ હોય, ત્રણ દોષથી યુક્ત હોય અને જન્મથીજ હોય તો તેવો રોગ અસાધ્ય ગણાય છે.

જે અર્શના રોગીને હાથપગ, મોઢા ઉપર, નાભીમાં, ગુદ્દામાં અને અંડકોષમાં સોજો હોય, છાતીમાં અને પડખામાં શૂળ નીકળતું હોય, મોહ, ઉલ્ટી, શરીરે વ્યથા, જ્વર, તરશ, અરુચિ અને અતિસારથી પીડાતો હોય, જેના શરીરમથી લોહી ઊડી ગયું હોય અને ગુદ્દા પાકી ગયેલ હોય તો તે અર્શના રોગીનું આયુષ્ય પૂરું થયું જાણવું.

અર્શ રોગીના પથ્યાપથ્ય

અર્શના રોગીઓએ ભોજન હળવું કરવું દૂધ, ચોખા, ગાયનું ઘી, તુંરિયાનું શાક, લસણ, છાશ, માખણ, આંબળા, વિગેરે ખોરાકમાં લેવા

સારવાર, ઔષધ, વૈધ્ય પ્રત્યે શ્રધ્ધા, સ્વચ્છ હવા, ચપટ બેઠક, ઝાડા ને ન રોકવા, શુધ્ધ આહાર વિહાર વિગેરે અર્શના રોગીને હિતકર છે.

અર્શના રોગીને ન કરવા જેવા કામ પૈકી તેઓએ માદક પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. ગરમ અને ભારે ખોરાક ન લેવો જોઈએ. બાજરી, ગુવાર, ભારે અન્ન, દહી, અડદ, ખીર, મિષ્ટાન્ન, લાડુ, મેંદાની બનાવટો, મરચાં, તેલ, લાલ કોળું, પાકેલી કેરી, વગેરે ચીજો નો ઉપયોગ અહિતકર છે.

અર્શના રોગીઓએ ઉજાગરો ના કરવો તેમજ સ્ત્રીનો સંગ, મૈથુન થી દૂર રહેવું, ઊંટ અને ઘોડાની સવારી ન કરવી તેમજ મિથ્યા આહાર વિહારથી દૂર રહેવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: Content is protected !!