પ્રસવ થયા પછી યોનિમાં ચાંદી કે દુખાવાના ઉપાય
લેપ
તુંબડીના પાન અને પઠાણી લોદરને સમાન ભાગે લઈ જીણા વાટી તેનો યોની ઉપર લેપ કરવો. જેથી ચાંદી અને દુખાવો તુરંત મટી જાય છે.
લેપ (૨)
ખાખરાનાં ફળ અને ઉંબરાના ફળને તલના તેલમાં વાટી યોનિમાં લેપ કરવાથી યોની તેના સ્થાને બેસી દ્રઢ થાય છે. (તેની મૂળ સ્થિતિમાં આવે છે)
ચૂર્ણ
પ્રસૂતાનું પેટ વધી ગયેલું હોય તો પ્રસૂતિ પછીના 21 દિવસ પછી સવારે પીપરીમૂળનું ચૂર્ણ દહીંના ઘોળવામાં મિશ્ર કરી પીવડાવવું જેથી તેનું પેટ પહેલા જેવુ થઈ જશે.
પ્રસવ થયા બાદ ઓર પેટમાં રહી જાય તેને પાડવાના ઉપચાર
પ્રસવ થયા પછી ઓર ન પડવાથી શૂળ, આફરો અને અગ્નિમંદતા ઉત્પન્ન થાય છે. માટે બને ત્યાં સુધી સાવધાનીથી પ્રસવ કરાવવો અને સાવચેતી પૂર્વક ઓર બહાર કરવી. છતાં ઓર પેટમાં રહી ગઈ હોયતો તેના ઉપચાર કરી દૂર કરવી.
ચૂર્ણનો ધુમાડો
સાપની કાંચળી, કડવી તુંબડી અને કડવા તુરીયા સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેને સરસવના તેલમાં ભીંજવી આ ચૂર્ણનો સળગાવી તેનો ધુમાડો યોનિની ચારે બાજુ આપવો. જેથી ઓર બહાર પડે છે.
લેપ (૩)
વઢવાડિયાના મૂળનો કલ્ક બનાવી આ કલ્કથી પ્રસૂતાના હાથ અને પગનાં તળિયે લેપ કરવાથી ઓર બહાર પડે છે.
ઓર પડ્યા પછી જાંધોને ગરમ પાણીથી જારવી અને તેલ ચોળવું તેમજ યોનિમાં ચોપડવું.
મક્કલ રોગ
એવો વાયુ કે જે સુવાવડી સ્ત્રીને લૂખાશથી વધે છે. આ વધેલો વાયુ ઉષ્ણતા પૂર્વક અને તીક્ષ્ણતા પૂર્વક લોહીને સૂકવી ગાંઠ પેદા કરે છે.
આ ગાંઠ ડૂંટીની નીચે, પડખાઓમાં, પેઢુંમાં તથા મૂત્રાશયમાં થઈ શકે છે. તે મૂત્રાશય અને પેટમાં ભયંકર પીડા કરે છે. પકવાશય (હોજરી) ફૂલી જાય છે અને પેશાબ રોકાય છે. તેને મક્કલ રોગ કહે છે.
સારવાર
જવખારનું બારીક ચૂર્ણ કરી તે ચૂર્ણને સહેવાય તેવા ગરમ પાણી સાથે પીવું અથવા ગરમ ઘી સાથે તેનું સેવન કરવું.
પિપ્લાદિ કવાથ
પીપર, પીપરીમૂળ, મરી, ગજપીપર, સુંઠ, ચિત્રો, ચવક, મહેદીના બીજ (અથવા નગોડના બીજ), એલચી, અજમો, સરસવ, હિંગ, ભારંગી, કાળીપાડ, ઇન્દ્રજવ, જીરું, બકાયન, નાની પીલુડી, અતિવિષ, કડુ અને વાવડિંગ આ સર્વે ઔષધો સરખે ભાગે લઈ તેનો કવાથ બનાવો અને તેમાં સિંધલૂણ નાખીને પાવો.
આ કવાથથી ગોળો, શૂળ, તાવ, મક્કલ અને મક્કલનું શૂળ તથા વાયુ અને કફનો નાશ કરે છે. તેમજ તેના સેવનથી આમને પકાવી અગ્નિને પ્રદીપ્ત કરે છે.
ત્રિકટું, ચતુર્જાત અને ધાણા સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવો આ ચૂર્ણને જૂના ગોળમાં મેળવી નિયમિત આપવાથી મક્કલ રોગ નાશ પામે છે. (ત્રિકટુ- સૂંઠ,મરી, પીપર, – ચતુર્જાત- તજ, તમાલપત્ર, નાગકેસર, ઇલાયચી,)
સુવાવડી સ્ત્રીએ મૈથુન, ક્રોધ, ઠંડા પવનો આનાથી દૂર રહેવું.
સુવારોગ
તાવ, ઉધરસ, અંગોમા પીડા, તરશ, ભારેપણું, સોજો, શૂળ અને ઝાડા વિગેરે રોગોને સુવારોગના સમૂહમાં સમાવેશ કરવામાં આવે છે.
મોટાભાગે સુવાવડી સ્ત્રીઓને ઉપરોક્ત રોગો થતાં હોવાથી તેને સૂતીકા રોગ કે સુવારોગ કહે છે.
તાવ, ઝાડા, સોજો, શૂળ, આફરો, નિર્બળતા, ઘેન, અરુચિ અને મોળ આ સર્વે રોગો સુવાવડીને માંસ અને બળનો નાશ થવાથી થતો હોવાથી તેને સુતિકા રોગ કહે છે.
સારવાર
વાયુને હરવા વાળી ઔષધીઓના સેવન કરાવવાથી સૂતિકા રોગ મટે છે.
નવશેકો દશમૂળનો કવાથ રાખી તેમાં ઘી ઉમેરી તેનું સેવન કરાવવાથી સુવારોગ મટે છે.
દાર્વ્યાદિ કવાથ
દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, કરિયાતું, કાયફળ, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભોરિંગણી, ગોખરુ, ધમાસો, મોટી રીંગણી, અતિવિષ, ગળો, કાકડાશિંગી અને કાળીજીરી આ સર્વે ઔષધોને સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવો.
આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં સિંધાલૂણ અને હિંગ નાખી સુવાવડી સ્ત્રીને પાવો.
આ કવાથના સેવનથી શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, મૂર્છા, ધ્રુજારો, માથાની પીડા, બકવા, તરશ, બળતરા, ઘેન, અતિસાર અને ઉલટી વગેરે રોગો નાશ પામે છે.
આ કવાથ કફથી અને વાયુથી ઉત્પન્ન થયેલો સુવારોગ માટે છે. આ કવાથને દાર્વ્યાદિ કવાથ કહેવામા આવે છે.
પંચજીરક પાક
જીરું, કલોંજીજીરું, સવા, વરિયાળી, અજમો, બોડીઅજમો, ધાણા, મેથી, સુંઠ, પીપર, પીપરમૂળ, ચિત્રક, પલાશી, બોરની મીંજ, ઉપલેટ અને કપીલો એ સર્વે ઔષધોને 4 -4 તોલા લઈ એ સર્વેનું ચૂર્ણ કરી લો
128 તોલા દૂધ, 16 તોલા ઘી અને 400 તોલા ગોળ લઈ પાકશાસ્ત્રના નિયમ પ્રમાણે ઉપરના તમામ ઔષધો વડે પાક બનાવી લો. આ પાકને પંચજીરક પાક કહે છે.
આ પાકના સેવનથી સ્ત્રીના સુવાવડના રોગો, યોનીના રોગો, તાવ, ક્ષય, ઉધરસ, શ્વાસ, પાંડુ, કૃશતા અને વાયુ સબંધી સઘળા રોગો મટે છે.
સૌભાગ્ય સુંઠીપાક
32 તોલા સુંઠનું ચૂર્ણ કરી ઘીમાં શેકીલો.
128 તોલા ગાયના દૂધમાં આ ચૂર્ણને નાખી તેનો માવો બનાવી લો.
આ માવામાં 8 તોલા ગાયનું ઘી ઉમેરી સારી રીતે મિશ્રણ કરી લો.
200 તોલા ખાંડની ચાસણી કરી તેમાં મિશ્રણ ઉમેરો.
12 તોલા ધાણા, 20 તોલા વરિયાળી, 4 – 4 તોલા વાવડિંગ, જીરું, સુંઠ, મરી, પીપર, મોથ, તમાલપત્ર, નાગકેસર, તજ અને નાની એલચી લઈ તે સર્વેનું વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી લો અને તેને ખાંડની ચાસણીમાં ઉમેરી સારી રીતે હલાવી એકજીવ થાય ત્યારે તેને એક સારા પટમાં ભરી લો. આ તૈયાર થયેલ પાકને સૌભાગ્ય સુંઠીપાક કહેવામા આવે છે.
આ પાકના સેવનથી સુવાવડના રોગો, તરશ, ઉલટી, તાવ, બળતરા, શોષ, શ્વાસ, ઉધરસ, બરલ અને કરમિયાના રોગોનો નાશ થાય છે. આ પાકના સેવનથી અગ્નિ પ્રદીપ્ત થાય છે.
સુવાવડીના પથ્યાપથ્ય
જે સ્ત્રીનું લોહી ઓછું થઈ ગયું હોય તે સુવાવડી સ્ત્રીને એક મહિના સુધી સ્નિગ્ધ, હળવું, પાચન થાય તેવું અને થોડું ભોજન કરાવવું.
નિયમિત જરૂર શેક અને તેલ ચોળાવવું
સ્ત્રી દોઢ માસ સુધી સુવાવડી ગણાય છે. ત્યાં સૌથી સર્વે પથ્યો પાળવા. પ્રસવ થયાના 4 માસ પૂરા થઈ ગયા સુધી જો કોઈપણ ઉપદ્રવ ન થાય તો પછી પથ્ય પાળવું નહીં.
સુવારોગ વિષે વધુ જાણકારી માટે પ્રસુત રોગ લેખ જુઓ અથવા અહી ક્લિક કરો .
સૂતિકા જ્વર
મોટાભાગે સુવાવડી સ્ત્રીઓમાં થતાં રોગો પૈકી તાવ એ મુખ્યત્વે જોવા મળે છે. સુવાવડી સ્ત્રીઓમાં જોવા મળતો હોવાથી આ તાવને “સૂતિકા જ્વર” કહેવામા આવે છે.
સૂતિકા જ્વરનાં લક્ષણ
જે સ્ત્રીઓને આખા શરીરમાં તોડ (શરીર ભાંગવું) હોય, શરીર ગરમ, કંપનયુક્ત, ભારે હોય તથા તરશ, સોજો અને અતિસાર હોય ત્યારે જાણવું કે સુવારોગને લઈને તાવ આવેલો છે.
ઉપાય
કવાથ
અજમો, જીરું, વંશલોચન, ખેરસાલ, વિજયસાર, વરિયાળી, ધાણા અને શિમળાનો ગુંદર એ સર્વે ઔષધો સરખે ભાગે લઈ તેનો ભૂકો કરો.
ત્યારબાદ આ ભૂકા વડે તેનો કવાથ કરો અને 10 દિવસ આ કવાથ પીવાથી સૂતિકાજ્વર મટે છે.
કવાથ ૨
સાલપરપોટી ( સમેરવો), પિલવણી (ગધી સમેરવો), ભોયરીંગણી, ઊભી રીંગણી, ગોખરુ, બિલી, અરણી, અરલ, સીવન અને કોકમ એ દસમૂળને સમાન માત્રામાં લઈ તેને ખાંડી કવાથ બનાવો.
આ કવાથ નવશેકો ગરમ હોય ત્યારે નિયમિત રીતે 10 દિવસ સુધી ઘી ઉમેરીને પીવામાં આવે તો સૂતિકજ્વર મટે છે.
સ્તનરોગો
સ્તનરોગ ગર્ભવતી સ્ત્રીઓ કે પ્રસૂતા સ્ત્રીઓને થાય છે. કારણકે ગર્ભાવસ્થા દરમિયાન સ્તનોમાં રહેલ ધમની અને નાડીઓ ખુલ્લી ગયેલ હોય છે.
આ રોગ કફ, પિત્ત, વાયુ, ત્રિદોષ, અને આગંતુક એમ પાંચ પ્રકારથી થાય છે. લોહી વિકાર વગેરેથી આ રોગ થતો નથી તેમજ કુમારિકાઓને પણ આ રોગ થતો નથી.
સ્ત્રીના સ્તનમાં દોષ ઉત્પન્ન થયા પછી તે દોષ માંસ અને લોહીને દોષ યુક્ત કરી સ્તનમાં ગાંઠ પેદા કરે છે અથવા તેમાં પાક થાય છે. તેને સ્તન રોગ કહે છે.
સારવાર
સ્તનરોગના ઉપચારમાં પિત્તને નાશ કરનાર ઔષધોનો ઉપયોગ કરવો પરંતુ સ્તન ઉપર શેક ન કરવો.
પાક થયો હોય ત્યારે શસ્ત્રક્રિયા દ્વારા દુષ્ટ લીહી અને વિકારો બહાર કાઢી નાખવા તે યોગ્ય છે.
લેપ
ઇંદ્રવરણાનું મૂળ ઘસી તેનો લેપ કવાથી સ્તનરોગ મટે છે.
લેપ ૨
હળદર અને ધતૂરાના પાન લઈ તેને ઘૂંટી લેપ બનાવો અને તે લેપ સ્તન ઉપર લગાવવાથી સ્તનરોગ મટે છે.
લોખંડને ખૂબ તપાવી તે પાણીમાં ઠારીદો. આ પાણી સ્તનરોગીને પાવાથી આ રોગ મટે છે.
લેપ ૩
વાંઝ કંકોડીના મૂળને ઘસી તેનો લેપ બનાવી સ્તન ઉપર લગાવવાથી સ્તનરોગની પીડા મટે છે.