ગર્ભવિશે જાણવા લાયક જ્ઞાન
ગર્ભ એટલે શું ?
પ્રાણીમાત્રનાં અવતરણનો આધાર ગર્ભ છે. ગર્ભની ઉત્પત્તિનું સ્થાન એટલે રજસ્વળા સ્ત્રી. ભવિષ્યમાં જે પ્રાણી રૂપે અવતરનાર છે તેનું પૂર્વ રૂપ તે ગર્ભ છે.
સ્ત્રીઓમાં 12 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉંમર સુધી પ્રત્યેક માસ દરમિયાન એક ચોક્કસ સમયાંતરે અને સ્ત્રી શરીરના સ્વભાવ પ્રમાણે યોનિ દ્વારા રક્તનો સ્ત્રાવ 3 થી 5 દિવસ સુધી રહે છે. તેવી સ્ત્રીને રજસ્વળા સ્ત્રી કહેવામા આવે છે.
રજસ્વળા સ્ત્રીને ગર્ભ ધારણા કરવાના સમયનાં આ દિવસો હોય છે. આ સમયને ઋતુકાળ કહે છે. આ ઋતુકાળ સોળ રાત્રીનો હોય છે. આ દિવસો સ્ત્રીને ગર્ભ રહેવના શ્રેષ્ઠ દિવસો કહે છે.
સ્ત્રીઓએ રજસ્વળા દરમિયાન પાળવાના નિયમો
સ્ત્રી જ્યારે રજસ્વળા થાય ત્યારે તેનું અંગ (યોનિ) અને આંતરવસ્ત્ર લોહીથી ખરડાઇ જાય છે. તે ઋતુકાળનું મૂળ સ્વરૂપ છે.
ઋતુસ્ત્રાવનાં દિવસથી માંડી ઋતુસ્નાન દરમિયાન સ્ત્રીએ હિંસા ન કરવી, દુખી થવું નહીં, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પરપુરુષને જોવો નહીં, જમીન ઉપર સૂવું, નખ કાપવા નહીં, માથામાં તેલ અને આંખોમાં કાજલ કરવું નહીં, શરીરપર કોઈપણ જાતના (સૌંદર્ય પ્રસાધનોને લગતા) વિલોપનો કરવા નહીં.
આંખોમાં આંસુ આવે તેવા દરેક કર્યો ત્યજવા. દિવસે સૂવું નહીં, દોડવું કે વ્યાયામ કરવો નહીં, ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેવું નહીં તેમજ ઊંચા અવાજે વાતો કરવી નહીં કે જોરથી હસવું નહીં.
પ્રવાસ કરવો નહીં, જમીન ખોદવી કે ખોતરવી નહીં, મૈથુન કરવું નહીં તેમજ અતિ પવનમાં રહેવું નહીં.
સ્ત્રીઓને રજસ્વળા દરમિયાન નિયમોનું પાલન ન કરતાં થતું નુકસાન
રજસ્વળા સ્ત્રી અજ્ઞાતવશ કે ભૂલથી આ દિવસો દરમિયાન નિયમનું પાલન ન કરે અને જણાવ્યા પ્રમાણે કર્મ ના કરે તો ગર્ભ ઉપર તેની અસર પડે છે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
રજસ્વળા સ્ત્રીના રડવાથી ગર્ભ આંખના રોગીવાળો થાય છે. તેલ ચોળવાથી કોઢ અને અન્ય ચામડીનો રોગી થાય.
નખ કાપવાથી ખરાબ નખવાળો થાય, વિલોપનો કરવાથી તથા સ્નાન કરવાથી દુખી સ્વભાવ વાળો થાય છે.
દિવસે ઉંઘવાથી આળસુ અને ઘણી નીંદર ધરાવતો થાય અને ઘોંઘાટ થી બહેરો થાય છે. હસવાથી તાળવું, દાંત, જીભ અને હોઠ તપખીરીયા રંગ વાળો થાય છે.
બહુ બોલવાથી બકવાસ કરનાર, મહેનત કરવાથી ગાંડો અને જમીન ખોદવાથી કે ખોતરવાથી ઠોકર ખાનારો થાય. ઘણો પવન સેવવાથી ગાંડો થાય છે.
ઋતુસ્નાન કર્યા પછી સ્ત્રીનું કર્તવ્ય
રજસ્વળા સ્ત્રીએ ઋતુસ્નાન કર્યા પછી આનંદિત મને, વિકાર રહિત થઈ, ઈશ્વરાજ્ઞાથી, ઇષ્ટ પૂજન કરી અને શ્રદ્ધા પૂર્વક પતિની સેવામાં ઉપલબ્ધ થવું.
ઋતુસ્નાન કર્યા પછી જે સ્ત્રીના ગર્ભાશયમાં વીર્ય અને આર્તવ એકઠા થાય અને ગર્ભ રહ્યા બાદ પતિના મુખદર્શંનથી આવનાર બાળક તે સમાન અવતારે છે.
જે દિવસથી રક્તસ્ત્રાવ થાય તે દિવસથી 16 રાત્રિ દરમિયાન ઋતુકાળ કહેવામા આવે છે. 16 દિવસ સુધી સ્ત્રીની યોનિ દ્વાર ખુલ્લુ રહે છે. એટલેકે આ દિવસો દરમિયાન સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે.
રક્તસ્ત્રાવ દરમિયાન મૈથુન વર્જ્ય છે. માટે જ્યારે રક્તસ્ત્રાવ બંધ થયો જણાય પછીના દિવસોમાં કામક્રીડામાં રત થવું.
રક્તસ્ત્રાવ દરમિયાન મૈથુન કરવામાં આવે તો ગર્ભ રહેતો નથી પરંતુ સ્ત્રી અને વિશેષ કરીને પુરુષને વધારે નુકશાન કારક છે.
ગર્ભ રહ્યા પછીના લક્ષણ
ગર્ભ રહ્યા પછી સ્ત્રીને યોનિમાથી રક્તસ્ત્રાવ કે રજ્સ્ત્રાવ થતો નથી. શરીરને થાક લાગે અને સાંથળના ભાગે જડતા અને ભાર અનુભવાય. તરશ લાગે, ગ્લાનિ ઉપજે અને યોનિ ફરકે ત્યારે ગર્ભ રહ્યો તેમ જાણવું.
સગર્ભા સ્ત્રીના બંને સ્તનની ડીંટડીઓ કાળી કે જાંબલી કાળી થાય, આંખોમાં ઘેન અનુભવાય, હળવો ખોરાક ખાવા છતાં ઉલટી થાય, શરીર સ્નિગ્ધ રહે અને અંગ સુકાવા લાગે, ઈત્યાદી લક્ષણો જોવામાં આવે છે.
ગર્ભનો વિકાસનો ક્રમ
ગર્ભ રહેવો અને તેમાં અંગો, ઉપાંગો બનવા તેના કારણોમાં મૂળ કારણ ઈશ્વરાજ્ઞા સિવાય બીજું કશું નથી. ગર્ભમાં અંગો અને ઉપાંગો બનવામાં જે ગુણ કે દોષ ઉપજે છે તે ધર્મ-અધર્મ પ્રમાણે પ્રારબ્ધથી થાય છે.
પ્રથમ વારના દાંત પડી જાય છે અને બીજી વારના દાંત પડ્યા પછી ઊગતા નથી, હાથ પગના તળિયે રૂવાટી થતી નથી, આ સઘળું ઇશ્વરીય સ્વભાવથી થાય છે.
- પ્રથમ મહિને ગર્ભમાં વીર્ય અને રજ જેવી રીતે પડ્યું હોય તેમનું તેમ જ પ્રવાહી સ્વરૂપે રહે છે.
- બીજા માસ દરમિયાન આ પ્રવાહી વાત, પિત્ત અને કફથી પાકીને ઘાટું થાય છે.
- ત્રીજા માહિનામાં બે હાથના બે, બે પગના બે, અને એક માથાનો એમ પાંચ પિંડ અને સૂક્ષ્મ અવયવોનું સર્જન થાય છે.
- ચોથા માસમાં દરેક અવયવો સ્પષ્ટ જોઈ શકાય તેવા બને છે. હૃદય પણ ચોથા માસમાં હોવાથી તેમાં ચેતના પણ આ દિવસો દરમિયાન સ્પષ્ટ થાય છે.
આ માસ દરમિયાન ગર્ભમાં ચેતના હોવાથી તે અનેક પ્રકારની વસ્તુઓની ઈચ્છા કરે છે. તે સમયે સ્ત્રી બે હૃદય વાળી (એક તેનું અને એક ગર્ભનું હૃદય) થાય છે તેથી ગર્ભિણી સ્ત્રી દૌહૃદિની કહેવાય છે. આ સમયે ગર્ભિણીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ.
આ દિવસો દરમિયાન ગર્ભિણી સ્ત્રીને જે ઈચ્છા થાય તે પૂરી કરવી. તેમાં બેદરકારી રાખવાથી તે સ્ત્રી ખૂંધુ, ઠૂંઠું, લંગડું, ઠીંગણું, આંધળું, કાણું કે ફાંગુ સંતાનને જન્મ આપે છે.
ગર્ભિણીને આ સમયે ખાવા પીવાની જે ઈચ્છા થાય તે તમામ તેની ઈચ્છાઓ પૂરી કરવાથી તે સ્ત્રી પરાક્રમી અને લાંબા આયુષ્ય વાળા પુત્રને જન્મ આપે છે.
- પાંચમા માસમાં ગર્ભસ્થ શિશુમાં મન ઉદભવે છે.
- છઠ્ઠા માસમાં ગર્ભસ્થ શિશુમાં બુદ્ધિની જાગરુકતા ઉદભવે છે.
- સાતમા મહિને તમામ અંગો સારી રીતે વિકસિત થાય છે.
- આઠમાં મહિને ઓજનો સંચાર થાય છે. આ માસ દરમિયાન જીવ થોડી થોડી વારે બાળક અને માતામાં પ્રવેશે છે. તેથી ગર્ભિણી અને ગર્ભસ્થ શિશુ બંને વારંવાર હર્ષ અને ખેદનો અનુભવ કરે છે. તેમજ આઠમા માસે જો ઓજ વિના બાળક જન્મ લે તો તે જીવતું નથી. કારણકે આ માહિનામાં ઓજ સ્થિર હોતું નથી.
- નવમે મહિને , દસમે મહિને, આગિયારમે કે બારમે મહિને પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. કોઈ વિકાર થાય તો બીજા વધારે દિવસો પણ જતાં રહે છે.
સંતતિ સબંધી
સંતતિ સબંધીત ધારણાઓ
પતિ-પત્ની અને સર્વે લોકો ની આશા-અપેક્ષા એવી હોય છે કે તેના પરીવારમાં ગુણવાન, શીલવાન, આયુષ્યવાન, સ્વાસ્થ્યવાન સંતાન પ્રાપ્તિ. ઘણા કુટુંબોમાં એવી ચીંતા બની રહે છે કે તેના પરીવારમાં અવતરણ કરનાર કુળદીપક કેવો હશે. અને આ અંગે પરિવારના સઘળા સભ્યો પોતપોતાની માનસિકતા અનુસાર અવધારણાઓ કરતા રહે છે.
પરંતુ સત્ય એ છે કે આવા હોનહાર બાળક એમ જ નથી જન્મતા. આના માટે થોડું સંયમિત જીવન જરૂરી છે, થોડું તપ, થોડો વિશ્વાસ, થોડી ધીરજ રાખવી અનિવાર્ય છે. જેટલું જીવન સંયમિત તેટલું બાળક લાયક. તો થોડા નિયમો વિષે જોઈએ.
ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા ઉચિત નિયમો
૧ સંયમ રાખવો
પતિ-પત્નીએ શરીર સુખ ગૌણ ગણવા, મતલબ કે બને ત્યાં સુધી સંભોગથી બચવું. વર્ષમાં એક વાર સંભોગ કરવો. છતાં આવું ન બની શકે તો એક માસમાં એક વાર સંભોગ કરવો.
૨ વ્યસન
આજના સમયની આ એક વિકરાળ બનેલી સમસ્યા છે. કોઈ પણ જાતનું વ્યસન તમારા સપના ઉપર પાણી ફેરવવા સમર્થ છે. વ્યસન તમારા કોઈ સંકલ્પ ઉપર અડીખમ ઉભા રહેવા નહિ દે, પરિણામે પાછળ પસ્તાવા સિવાય કઈ બચતું નથી.
માટે તમારી ઉજ્જવળ પેઢીના સુવર્ણ સમય માટે જો કોઈ પણ જાતનું , નાનું કે મોટું, વ્યસન હોય તો તેને છેડી દેજો.
૩ આદુ (વ્યાસન છોડવા માટે)
આદુ એ એક આયુર્વેદિક ઔષધી છે. આદુનો ઉપયોગ કેન્સર જેવી બીમારીઓ સુધી થાય છે. આદુને છાલ ઉતારી નાના ટુકડા કરો. લીંબુના રસનો તેને પટ આપી સુકવી દો. સુકાઈ ગયા પછી કાચની બોટલમાં ભરી રાખી મુકો.
જયારે પણ વ્યસનની યાદ આવે ત્યારે આદુનો એક ટુકડો મોમાં રાખો. વ્યસન છૂટી જશે. તેટલું જ નહિ તમારા સકલ્પની શક્તિઓને વધારશે.
૪ પ્રાણાયામ અને યોગ
પ્રાણાયામ અને યોગ નિયમિત કરો. યોગ અને પ્રાણાયામથી શરીરની સાથે સાથે મન પણ તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે. એટલું જ નહિ તમારા શુભ સંકલ્પોની પૂર્તિમાં અગત્યનો ભાગ ભજવે છે.
૫ નિયમિત બનો
દિવસ દરમિયાન એક ચોક્કસ સમય પત્રક બનાવો જેમાં તમારી નિયમિતતાને સ્થાન આપો.
૬ ખોરાક પ્રત્યે સાવધાની
પૌષ્ટિક, સંતુલિત અને સાદો ખોરાક લો. તામસી અને ગરમ તથા તેજ મસાલાઓ અને તેનાથી બનતી રસોઈ લાંબા સમયે હાની કારક છે. માટે સાવધાન રહો.
સુવાવડી સ્ત્રીને સેવવા યોગ્ય નિયમ
સુવાવડી સ્ત્રીએ યોગ્ય આહાર વિહાર કરવો. થાક લાગે તેવા કામો અને તેવી મહેનત વાળું કામ ના કરવું. મૈથુન કરવું, ઠંડા પદાર્થો, વાસી ખોરાક, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નું સેવન કરવું તે સુવાવડી સ્ત્રીને હાનિ પહોચાડે છે.
પચે નહીં તેવા ખોરાકો ન લેવા તેમજ અજીર્ણ થાય તેવા ખોરાકનું સેવન ન કરવું. અજીર્ણ થયું હોય છતાં જમવું નહીં કારણકે તેથી સુવારોગ થાય છે
પવન લાગે તેવી જગ્યાએ બેસવું નહીં, ખાટા અને ખારા પદાર્થોનું સેવન ન કરવું, દોષો કોપે તેવું આચરણ ન કરવું, વિરુદ્ધ ભોજન ન કરવું, ઈત્યાદી નિયમોનું વિવેક પૂર્વક પાલન કરવાથી સુવારોગ અને અન્ય સમસ્યાઓથી બચી જવાય છે.
સુવાવડી સ્ત્રી આહાર વિહારમાં ભૂલ કરે તો તેનાથી જે વ્યાધિ ઉત્પન્ન થાય છે તે ઘણીજ મુશ્કેલીઓ અને મહેનતે મટે છે. માટે સુવાવડી સ્ત્રીઓએ પથ્યમાં રહી આચરણનું સેવન કરવું.
સુવાવડી સ્ત્રીને ખરાબ લોહી નીકળતું બંધ થાય અને શુદ્ધ થઈ જાય ત્યારપછી એક મહિના સુધી નિયમિત પથ્યમાં રહેવું જોઈએ.
સુવાવડી સ્ત્રીઓએ શુદ્ધ થયા બાદ એક માસ સુધી ઘીવાળો ખોરાક લેવો. ખોરાક પેટ ભરીને ન જમતા થોડું થોડું જમવું. અને નિયમિત શેક લીધા કરવો તથા તેલનો અભ્યંગ કરવો.
સુવાવડી સ્ત્રીઓને બાળક જન્મ આપ્યા પછી ચાર માસ સુધી નિયમો પળાવવા જોઈએ.