સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન જે આહાર લે છે તેનો મધુર રસ બની તે સાર રૂપે સઘળા દેહમાં વ્યાપે છે. પ્રસવ પછી આ સાર સમગ્ર શરીરમાથી સ્ત્રીના સ્તનમાં આવે છે. આ સાર જ ધાવણ રૂપ છે. પ્રસવ બાદ હ્રદયની ધમનીઓ (નાડીઓ) ખુલ્લી થઈ ધાવણનો સ્ત્રાવ કરાવે છે.
પ્રસવબાદ શિશુ જન્મ લેતા માતા બનેલી તે સ્ત્રી શિશુ ઉપર અપાર સ્નેહ વરસાવે છે. આ સ્નેહ માતાના ધાવણના પ્રવાહનું કારણ છે. શિશુ જ્યારે માતાના સ્તનનો સ્પર્શ કરે છે ત્યારે માતા તેના સ્પર્શ, દર્શન અને સ્મરણથી અભિભૂત થાય છે અને તેના સ્તનમાથી ધાવણ છૂટે છે.
શિશુ ઉપર પ્રેમ ઓછો થવાથી, ભયથી, શોકથી, ક્રોધથી, ખૂબ ભૂખ્યા રહેવાથી, અને બીજો ગર્ભ રહેવાથી સ્ત્રીઓનું ધાવણ ઘણું ઓછું થઈ જાય છે.
ધાવણ વધારવાના ઉપાયો
આવશ્યકતા હોવા છતાં ઘણી વાર સ્ત્રીને ધાવણ ઓછું થઈ જાય છે. ત્યારે ધાવણ વધારવાના ઉપયો કરવા જોઈએ.
જેને સ્વીકાર્ય હોય તેવી સ્ત્રીઓએ માંસ – માંસનો રસ, માછલી ઈત્યાદી આહારોથી ધાવણ વધારવાના ઉપાય કરવા.
તુંબડી, નાળિયેર – નાળિયેરનું કોપરું, શિંગોડા, શતાવરી, વિદારિકંદ અને લસણનો ઉપયોગ કરવાથી અને પ્રસન્ન રહેવાથી સ્ત્રીના ધાવણમાં વધારો થાય છે.
કલમી ચોખા લઈ તેને દૂધમાં વાટી તેનું સેવન કરવાથી સ્ત્રીના સ્તનમાં ઘણું ધાવણ આવે છે.
ધાવણ વધારવા માટે સ્ત્રીએ વિદારિકંદનો રસ પીવો અથવા વિદારિકંદનું ચૂર્ણ બનાવી તેનું ગાયના દૂધ સાથે સેવન કરવું જોઈએ.
ધાવણ બગડવાના કારણો
ખૂબ તીખું, અતિ ખાટા પદાર્થો, અતિ ખારું અને ભારે ખોરાક તેમજ અયોગ્ય વિહાર કરવાથી માતાના શરીરમાં દોષો કોપે છે, જેના કારણે ધાવણ ખરાબ થાય છે.
અયોગ્ય આહાર વિહાર કરનારી સ્ત્રીના શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફથી દોષો વિકૃત થાય છે અને ધાવણને બગાડે છે. આ ધાવણનું સેવન કરવાથી બાળકના સ્વાસ્થ્ય બગડે છે અને તેના શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે.
વાયુથી બગડેલું ધાવણ સ્વાદમાં તૂરું અને પાણીમાં નાખતા તે પાણી ઉપર તર્યા કરે છે.
પિત્તથી ખરાબ થયેલું ધાવણ સ્વાદમાં ખાટુ અને તીખું હોય છે. પાણીમાં નાખતા આ ધાવણની પીળા રંગની કણીઓ થઈ જાય છે.
કફથી બગડેલુ ધાવણ પાણીમાં નાખતા તે ડૂબી જાય છે અને ચીકાશ વાળું હોય છે.
કોઈપણ બે દોષથી બગડેલું ધાવણ હોય તો તે બે બગડેલા દોષના લક્ષણો દેખાય છે અને ત્રણે દોષથી ખરાબ થયેલાં ધાવણમાં ત્રણેય દોષોના લક્ષણો જોવા મળે છે.
બગડેલા ધાવણને સુધારવાના ઉપાયો
મતાઓએ બગડેલા ધાવણને સુધારવા મગનું પાણી પીવું જોઈએ.
ભારંગી, દેવદાર,વજ અને અતિવિષા એ સર્વે ઔષધીઓ સરખા ભાગે લઈ તેને વાટીને પીવાથી ખરાબ થયેલું ધાવણ સાફ થાય છે.
કવાથ
કાળીપાડ, મોરવેલ, (હાલમાં મોરવેલ મળતી નથી તેથી પીલુડીનો ઉપયોગ કરવો), મોથ, કરિયાતું, દેવદાર, સુંઠ, ઇન્દ્રજવ, ઉપલસરી અને કડુ સમાન ભાગે લઈ તેનો કવાથ કરી પીવાથી ધાવણ શુદ્ધ થાય છે.
કવાથ ૨
પરવળ, લીંબડો, આસુંદરો, દેવદાર, કાળીપાડ, મોરવેલ (પીલુડી), ગળો, કડુ અને સુંઠ સરખાભાગે લઈ તેનો કવાથ બનાવી પીવાથી માતાનું ધાવણ શુદ્ધ થાય છે.
જે ધાવણ પાણીમાં એકરૂપ થઈ જાય, ધાવણનો રંગ બદલે નહીં, પાણીમાં પડતાં તાંતણા ન બંધાય તેમજ સફેદ રંગ વાળું, પાતળું અને ઠંડુ હોય તો તે ધાવણ શુદ્ધ જાણવું.
ધાવ રાખવા અંગે
કોઈ કારણોસર માતાને ધાવ રાખવાની ફરજ પડે ત્યારે બાળકને ધવડાવવા માટે ધાવના ગુણદોષ વિચારીને રાખવી.
માતાએ પોતાની સમાન (નાત, જાત, ઉંમર વગેરેનો વિચાર કરી) સારા સ્વભાવ વાળી, આનંદિત, પ્રફુલ્લિત રહેનાર, બહુ પ્રેમાળ અને બાળક પ્રત્યે ખૂબ હેત રાખનારી હોય તેવી સ્ત્રીને ધાવ તરીકે પસંદ કરવી.
ધાવ બનનાર સ્ત્રી પુત્રવતી, ખૂબ ધાવણ ધરાવતી, પોતાના આધીન રહેનારી, થોડું મળે તો પણ સંતોષ રાખનારી હોય તે ઇચ્છનીય છે.
ધાવ કુળવાન, સારા ઘરની, કપટ ન કરનારી, શિશુ ઉપર પોતાના પુત્ર સમાન ભાવ રાખનારી અને ઉત્તમ પ્રકારના વિચારો વાળી હોય તે ખૂબ ઇચ્છનીય છે.
અનિચ્છનિય ધાવ
જે સ્ત્રી શોકથી ગ્રસ્ત, વ્યાકુળ, ભૂખથી પીડા પામેલી, મહેનતથી થાકી ગયેલી, રોગ ગ્રસ્ત ઈત્યાદી લક્ષણો યુક્ત ધાવ તરીકે અનિચ્છનિય છે.
જે સ્ત્રી બહુ ઊંચી હોય કે બહુ નીચી હોય, વધાર જાડી કે સાવ દૂબળી હોય, ગર્ભવતી હોય, તાવથી ગ્રસ્ત હોય અને લાંબા તથા ઊંચા સ્તનવાળી હોય તેવી સ્ત્રીને ધાવ તરીકે ન રાખવી જોઈએ.
જે સ્ત્રી પથ્યમાં ના રહે, અજીર્ણ હોય તો પણ આહાર કરનારી, ક્ષુદ્ર કામમાં આસક્ત રહેનારી અને દુખથી પીડિત હોય તેવી સ્ત્રીને ધાવની જવાબદારી ન આપવી જોઈએ. કારણકે આવી ધાવને ધાવવાથી બાળક રોગી થાય છે.
ધાવ ના મળે ત્યારે શું કરવું
નવજાત બાળકની પ્રકૃતિમાં તેને દૂધ જ માફક આવે છે. માટે જો માતાને દૂધ ના આવે અને ધાવ પણ ના મળે તેવા સંજોગોમાં ગાયનું દૂધ અથવા બકરીનું દૂધ વિવેક પૂર્વક (બાળકની ક્ષમતા) જોઈને સેવન કરાવવું.
બાળકને અન્નપ્રાશ
છઠ્ઠા અથવા આઠમા મહિને શાસ્ત્રોક વિધિ – વિધાનથી બાળકને અન્ન ખવડાવવું અને ક્રમશ: તે વધારતા જવું.
બાળકનો ઉછેર
બાળકને અડચણ ના થાય તેમ સુખપૂર્વક લઈ ખોળામાં સુવડાવવું. બાળકને ક્યારેય તરછોડવું નહીં.
બાળક સૂતું હોય ત્યારે તેને જગાડવું નહીં અને જ્યાં સુધી બેસવા યોગ્ય ના થાય ત્યાં સુધી તેને બેસાડવું પણ નહીં.
બાળકને ખેંચીને ખોળામાં લેવું નહીં કે ઉતાવળે સુવડાવવું નહીં. આવશ્યકતા કે પ્રસંગોપાત વિના બાળકને રોવડાવવું નહીં.
બાળકને હમેશા અનુમોદન આપવું અને તેના ચિત્તને અનુસરવું. તેની યોગ્ય ઇચ્છાઓને અનુસરવું. ઊંચાણ વાળી જગ્યાઓથી તેનું રક્ષણ કરવું.
શિશુને હિતકર બાબતો
બાળકને તેલનું હળવે હાથે માલિશ કરવું અને તે ચોળવાના તેલમાં ઉત્તમ પ્રકારના ઔષધો ભેળવવા. આંખમાં આંજણ કરવું, સુવાળા અને કોમળ કપડાં પહેરાવવા. કોમળ પદાર્થો વડે લેપન કરવું.