પથરી ચાર પ્રકારે થાય છે. વાત, પિત્ત, કફ અને વીર્યની પથરી. પરંતુ વીર્યની પથરી સિવાય બધાજ પ્રકારની પથરીમાં કફ કેન્દ્રમાં હોય છે. વીર્યની પથરીમાં કારણ પણ વીર્યજ હોય છે.
બસ્તીમાં ગયેલો વાયુ વીર્ય સહિત મૂત્રને અને પિત્ત સહિત કફને સૂકવી નાખે છે. આ સુકાયેલ ધાતુઓ વધીને પથરી થાય છે.
જ્યારે પથરી આકાર લે છે ત્યારે મૂત્રાશય ફુલે છે. મૂત્રાશયની આસપાસ અને ચારેબાજુ ખૂબ વેદના થાય છે. બકરાના જેવા ગંધવાળું મૂત્રકૃચ્છ અને તાવ તથા અરુચિ પેદા થાય છે.
નાભીમાં અને નાભી નીચે અત્યંત વેદના થાય છે. મૂત્રમાર્ગ માં અટકાયત થાય અને મૂત્ર વચ્ચેથી છેદાઈ બે ભાગમાં વહેચાય જાય છે.
મૂત્રમાર્ગમાંથી કોઈવાર પથરી એક બાજુ થઈ જાય ત્યારે આછા પીળા રંગનું મૂત્ર આવે છે. પથરીના હલવાથી કે અંદર ફરતી હોય તો તેનાથી મૂત્રમાર્ગ છોલાઈ જાય છે. અને મૂત્ર વિસર્જન સમયે જોર પડતાં લોહીવાળું મૂત્ર વેદના સાથે નીકળે છે.
વાયુની પથરી
વાયુની પથરી બહુ પીડા પેદા કરે છે. કષ્ટદાયક પીડાથી દાંત કરદાય, કંપ થાય, લિંગને ચોળ્યા કરવું પડે અને નાભીમાં દબાવવું પડે છે.
મળમૂત્ર વિસર્જન સમયે અધોવાયુ સાથે વિષ્ટા થાય છે, અને મૂત્ર ટીપે ટીપે પડે છે. વાયુથી થતી પથરી કાળાશ પડતી, રુક્ષ અને કાંટાઓ હોય તેવી હોય છે.
વાયુની પથરીના ઉપચાર
પથરીના લક્ષણો જોવા મળે એટકે તુરંત તેનાથી મુક્ત થવાના ઉપાયો કરવા.
શુંઠ્યાદી કષાય
સુંઠ, અરણી, પાષાણભેદ, સરગવો, વાયવરણા, ગોખરુ, સીવણ અને ગરમાળો સમાન ભાગે લઈ તેનો કવાથ કરી લો.
આ કવાથમાં હિંગ, જવખાર અને સિંધલૂણ નાખી તેનું સેવન કરવાથી પથરી, મૂત્રકૃચ્છ, કોઠામાં રહેલો વાયુ, તથા કમર, સાથળ, ગુદ્દા અને લિંગમાં રહેલો વાયુ મટી જાય છે. દીપન અને વમન પણ સારી રીતે થાય છે.
એલાદિ કવાથ
એલચી, પીપર, જેઠીમધ, પાષાણભેદ, નગડના બીજ, ગોખરુ, અરડૂસો અને એરંડા સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી લો.
આ કવાથમાં સારીરીતે પકાવેલ શિલાજિત અને સાકર મિશ્ર કરી તેનું સેવન કરવાથી પથરી અને મૂત્રકૃચ્છ મટી જાય છે.
વરુણાદિ કવાથ
વાયવરણાની છાલ, સુંઠ, ગોખરુ, જવખાર અને ગોળ સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી પીવાથી લાંબા સમયની પથરી હોય તે પણ મટે છે.
પાષાણભેદાધ ધૃત
સાંભરલુણ, દરિયાઈ લવણ, શતાવરી, ગોખરુ, ઊભી અને બેઠી ભોયરીંગણીઓ, બ્રાહ્મી, કાંટાશરિયો, કાંચનાર, વાળો, ગુંદ્રખડ, ટિંબરુ, વાયવરણા, સાગનું ફળ, જવ, કળથી, બોર અને નિર્મળીના ફળ આ સર્વે ઔષધો સમાન ભાગે લો.
પાષાણભેદ ઉપરના તમામ ઔષધોના વજનથી બમણો લો.
આ તમામ ઔશોધોનો કવાથ બનાવી લો. અને તેમાં “ઉષકાદિ ગણ” ના ઔષધો નાંખીને સારી રીતે મિશ્ર કરી લો.
ગાયનું ઘી લઈ તેમાં તૈયાર કરેલ કવાથને મેળવી લો અને કવાથથી ઘીને સિદ્ધ કરીલો.
આ પ્રકારે પકવેલા ઘીનું સેવન કરવાથી પથરી ભેદાય જાય છે.
વિરર્તવાદિગણ
આસોંદરો, અરણી, કાંસડો, દર્ભ, શેરડીનું મૂળ, શ્યામકમળ, સૂર્યમુખી, ગોખરુ, અરલ, સાંભરલુણ, સાદુંલુણ, કાંટાશરિયો, પાષાણભેદ, ગુંદ્રખડ, બરુ અને ધોળો કાંટાશરિયો એ સર્વે વિરર્તવાદિગણ કહેવાય છે.
આ ઔષધોથી દૂધ, પેય, યવાગું, ક્ષારો અને કવાથ પકાવી રોગીને આપવાથી પથરી, મૂત્રકૃચ્છ અને વાયુના રોગો મટે છે.
પિત્તની પથરી
પિત્તની પથરી ભિલામાંનાં ઠળિયા જેવી રાતી, પીળી કે ધોળી હોય છે. પિત્તની પથરીથી મૂત્રાશયમાં અગ્નિ જેવી બળતરા થાય છે.
પિત્તની પથરીનાં ઉપચાર
કુશાધ ધૃત
દર્ભ, કાંસડો, પાનબાજરિયું, ગુંદ્રખડ, ઉટકંટારો, શેરડીના મૂળ, પાષાણભેદ, વિદારિકંદ, વારાહીકંદ, રાતી શાળનાં મૂળ, ગોખરુ, ટિંબરુ, કાંકચ, કાળીપાડ, પતંગ, ધોળો કાંટાશરિયો, સાટોડી અને સરસડિયો આ સર્વે ઔષધો સમાન માત્રમાં લઇ તેનો કવાથ તૈયાર કરી લો.
આ કવાથમાં ઘી સિદ્ધ કરી લો અને તે સિદ્ધ કરેલા ઘીમાં શિલાજિત, જેઠીમધ, ઇંદિવર કમળના બીજ, કાકડીના બીજ અને ત્રપુસનાં બીજનું ચૂર્ણ નાખીને તે ઘી ખાવાથી પિત્તની પથરી મટી જાય છે.
ક્ષારો, યવાગુઓ, પેયાઓ, કવાથો અને દુધો તથા ભોજનો આ સિદ્ધ કરેલા ઘીમાં પકાવીને ખાવાથી પિત્તની પથરી મટે છે.
કફની પથરી
કફની પથરી લિસી, મોટી, મધ જેવા રંગ વાળી અથવા ધોળી હોય છે. કફની પથરી શૂળ ભોકાય તેવી પીડા કરે છે.
કફની પથરીનાં ઉપચાર
વરુણધૃત
વાયવરણા, કાંટાશરિયો, સરગવો, બમણી અરણી, કરંજ, શેરડીના મૂળ, બિલી, કડવી ઘોલી, સાંભરલુણ, ચિત્રક, પીળો કાંટાશરિયો, લુણ, મધ, મરડાશિંગી, શતાવરી, દર્ભ, ઊભી અને બેઠી ભોયરીંગણી, ગુગળ, એલચી, રેણુકાબીજ, કઠ, ચંદન, મરી, ચિત્રક અને દેવદાર આ સર્વે ઔષધો સમાન માત્રમાં લઈ તેનો કવાથ બનાવી લો.
બકરીના દૂધમાથી બનાવેલ ઘીમાં આ તૈયાર કરેલ કવાથ મિશ્ર કરી તે ઘીને સિદ્ધ કરી લો. અને આ સિદ્ધ કરેલું ઘી રોગીને સેવન કરાવવાથી પથરીનો નાશ થાય છે.
વીર્યની પથરી
સ્થાન ભ્રષ્ટ થયેલ વીર્યનાં અટકાવ વીર્યની પથરી પેદા કરે છે. આ પથરી મોટી અવસ્થા દરમિયાન થાય છે.
મૈથુનના વેગને અટકાવી અથવા મૈથુન વચ્ચે અટકાવી દેવાથી વીર્ય બહાર નીકળી શકતું નથી અને તે સ્થાનભ્રષ્ટ થાય છે. આ વીર્ય લિંગ અને વૃષણ વચ્ચે અટકાઈ રહે છે જેને વાયુ સૂકવી નાખે છે. તેની પથરી બંધાય છે.
વીર્યની પથરીના લક્ષણો
વીર્યની પથરી બંધાવાથી બસ્તીમાં પીડા, મૂત્રકૃચ્છ, અને વૃષણમા સોજો થાય છે.
આ પથરી તેના આકાર પ્રમાણે જુદા જુદા નામોથી ઓળખાય છે. જે વીર્યની પથરી બંધાય તે સ્થિતિભેદથી કાંકરી કહેવાય છે. વીર્યની પથરી વાયુથી ભૂકો થઈ જાય ત્યારે તેને કાંકરી કહે છે.
જે મોટી કણીઓ જેવી પથરી હોય તેને કાંકરી કહે છે અને જે પથરી નાની નાની કણીઓ જેવી હોય તેને રેતી કહે છે. વાયુથી ભૂકો થયેલી કાંકરી મૂત્રમાર્ગમાં આવ્યા પછી વાયુ ઊલટો થવાથી અટકી રહે તો તેને રેતીનો ઉપદ્રવ કહે છે.
કાંકરી અને રેતી થી દુર્બળતા, ગ્લાનિ, કૃશ્યતા, કૂખના રોગો, અરુચિ, પાંડુ રોગ, ઊનવા, તૃષા, હૃદયમાં પીડા અને ઊલટી ઈત્યાદી ઉપદ્રવો થાય છે.
પથરી, કાંકરી કે રેતી વાળા રોગીને નાભી અને વૃષણમાં સોજો હોય, મૂત્ર આવતું અટકી ગયું હોય, ખૂબ પીડા થતી હોય તો તે રોગી તુરંત મરી જાય છે.
વીર્યની પથરીનાં ઉપચાર
કોળાનાં રસમાં જવખાર અને ગોળ નાખીને પીવાથી મૂત્રકૃચ્છ, વીર્યની પથરી અને કાંકરીનો નાશ થાય છે.
તલ, અઘેડો, કેળ, ખાખરો, જવ અને બીલી સમાન માત્રામાં લઈ તેનો કવાથ બનાવી તે બકરાના મૂત્રમાં પીવાથી કાંકરી અને વીર્યની પથરી નાશ પામે છે.
સોપારી, અંકોલ, નિર્મળીના ફળ, સાગનાં ફળ અને ઇંદિવર કમળનાં ફળ લઈ તેનો કવાથ ગોળ નાખીને પીવાથી કાંકરી નીચે પડી જાય છે.
પાષાણભેદ, ગોખરુ, એરડો, ઊભી અને બેઠી ભોયરીંગણીઓ અને એખરાના મૂળ લઈ તે સર્વેને દૂધમાં વાટી દંહી સાથે પીવાથી પથરી અને કાંકરીઓ ભેદાઇ જાય છે.
હળદર અને ગોળ તુષોદકની સાથે પીવાથી લિંગની કાંકરી ઘણા સમયની હોય તો પણ નાશ પામે છે.
તુષાંબુ = તુષોદક= ફોતરાવાળું પાણી; ડાંગરનું ધોણ; ચોખાના ભૂસાનું પાણી., (ભૂસા સહિત જવનો લોટ કરી તેની બનાવેલી કાંજી. વૈદ્યકમાં તેને અગ્નિદીપક, પાચક, હૃદયગ્રાહી અને તીક્ષ્ણ માનેલ છે.)
ઇંદ્રજવનો કલ્ક દંહીમાં પીવાથી અને પથ્યમાં રહેવાથી લિંગની કાંકરી પડી જાય છે.
કાકડીના બીજ અથવા નાળિયેરનાં ફૂલ વાટી દૂધમાં પીવાથી થોડા દિવસોમાં પથરી અને કાંકરી વાળો દર્દી સુખી થાય છે.
ગોખરુ, વાયવરણા અને સુંઠનો કવાથ મધ સાથે પીવાથી પથરી, કાંકરી, શૂળ અને મૂત્રકૃચ્છ મટી જાય છે.
કોળાના રસમાં હિંગ અને જવખાર નાખી પીવાથી મૂત્રાશય, લિંગનું શૂળ, પથરી અને મૂત્રકૃચ્છ મટે છે.
સાટોડી, લોહભસ્મ, હળદર, ગોખરુ, ચમકદુધેલી, પ્રવાલભસ્મ અને હીરાબોળ સમાન ભાગે લેવા. ત્યારબાદ તેને આંબાનો રસ, મધ અને શેરડીના રસમાં વાટીને પીવાથી વીર્યની પથરી અને કાંકરી મટી જાય છે.
વાયવરણાની આંતરછાલ, પાષાણભેદ, સુંઠ અને ગોખરુ સર્વે સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવો. આ કવાથમાં જવખાર નાખીને પીવાથી કાંકરીઓ ભેદાઈ જાય છે.
તૃણપંચમુલાધધૃત
40 તોલા “તૃણપંચમૂળ” અને 40 તોલા ગોખરુ બંને લઈ તેનો 1024 તોલા પાણીમાં કવાથ બનાવો.
ગોળ અને ગોખરુનો કલ્ક બનાવી આ કલ્ક કવાથમાં ઉમેરી મિશ્ર કરી લો.
64 તોલા ઘી લઈ તેમાં કવાથ અને કલ્કનું મિશ્રણ ભેળવી તેનાથી ઘી સિદ્ધ કરી લો.
આ સિદ્ધ કરેલા ઘી ભોજનમાં, સ્નેહનમાં ઉપયોગ કરવો આથી મૂત્રાશયની અડચણો, પથરી અને કાંકરી મટી જાય છે.
વરુણતૈલ
વયવરણાનું પંચાગ અને ગોખરુનું પંચાગ સમભાગે લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથમાં સિદ્ધ કરેલા તેલની નિરુહબસ્તી આપવાથી પથરી, કાંકરી, શૂળ અને મૂત્રકૃચ્છ મટી જાય છે.
કુશાધતૈલ
દર્ભ, અરણી, કાંટાશરિયો, દર્ભ (ડાભ), બરુ, શેરડી, ગોખરુ, બ્રાહ્મી, સાંભરલૂણ, શતાવરી, પાનબાજરિયું, ધાવણી, અરલ, ગૂંદી, આસોપાલવ અને પાષાણભેદ સમ ભાગે લઈ તેનો કવાથ તેમજ કલ્ક બનવો.
આ ઔષધિઓ થી બનાવેલ કવાથ અને કલ્ક દ્વારા તેલ સિદ્ધ કરી લો. આ તેલને કુશાધતૈલ કહે છે.
આ તૈલની અભ્યંગ બસ્તી, ઉત્તર બસ્તી આપવાથી અને પીવામાં વાપરવાથી કાંકરી, પથરી, મૂત્રકૃચ્છ, પ્રદર, યોનિનું શૂળ અને વીર્યના દોષો મટી જાય છે. આ તેલથી વાંજણી સ્ત્રી ગર્ભ ધારણ કરવા સક્ષમ બને છે.
સર્વે પ્રકારની પથરીના સામાન્ય ઉપચાર
સુંઠ,વાયવરણા, ગોખરુ, પાષાણભેદ અને બ્રાહ્મી સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવો. આ કવાથમાં ગોળ અને જવખાર નાખીને પીવાથી ઉગ્ર પથરી પણ મટી જાય છે.
ગોખરુના બીજનું ચૂર્ણ મધમાં કાળવીને બકરીના દૂધ સાથે સાત દિવસ પીવાથી પથરી મટે છે.
વાયવરણાના મૂળનો કવાથ બનાવો અને તેમાં એજ વાયવરણાના મૂળનો કલ્ક બનાવી ઉમેરી પીવાથી પથરીનો નાશ થાય છે.
સરગવાના મૂળનો કવાથ બનાવી સહેજ ગરમ હોય ત્યારે પીવાથી પથરી મટે છે.
આદું, જવખાર, હરડે અને દારુહળદર સમભાગે લઈ તેનું ચૂર્ણ બનાઓ. આ ચૂર્ણ દંહીના મ્ંડ સાથે પીવાથી ભયંકર પથરીને ભેદી તેનો નાશ કરે છે.
પાષાણભેદ, વાયવરણા, ગોખરુ અને બ્રાહ્મી સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથમાં શિલાજિત, ગોળ, કાકડીના બીજ અને ત્રપુસના બીજ નાખીને તેનું સેવન કરવાથી તૂટી ન શકે તેવી પથરી પણ તોડીને કાઢી નાખે છે.
સીવણના બીજને પાણી વિનાની ઘાટી છાશ સાથે વાટી તેનું સેવન કરવાથી અથવા સાગનાં ફળ ખાવાથી પથરી મટી જાય છે.
ગોખરુ, એરંડાના બીજ, સૂંઠ અને વાયવરણાની છાલનો કવાથ નિયમિત સવારે ખલિપેટ પીવાથી પથરી નાશ પામે છે.
પથરીના કારણે મૂત્રવાટે લોહી વહેતું હોય તો સુકાયેલા કમળની નાળ, તાડફળ, કાંસડો, એખરો, શેરડી અને દર્ભને પાણીમાં વાટીને મધ તથા સાકર નાખીને પીવું, અને વિદારિકંદ, શેરડી અને કાકડી ખાવા.
32 તોલા વાયવરણાની છાલની ભસ્મ, 16 તોલા જવખાર અને 8 તોલા ગોળ લઈ તેને સારી રીતે મિશ્ર કરીલો. આ મિશ્રણમાથી એક તોલાભાર લઈ તેનું સેવન કરી અને ઉપરથી ગરમ પાણી પીવાથી મૂત્રકૃચ્છ અને પથરીનો નાશ થાય છે.
વરુણાધ ચૂર્ણ
વાયવરણાની ભસ્મ પાણીમાં નાખી તેને સારીરીતે મિશ્ર કરી લેવી. ત્યારબાદ સાફ વસ્ત્રથી આ પાણી ગાળી લેવું.
આ પાણીમાં જવખાર નાખી ખૂબ ઉકાળવું અને જ્યારે બધુજ પાણી બળી જાય અને ચૂર્ણ જ બાકી રહે ત્યારે તેને બહાર કાઢી લઈ લેવું.
આ તૈયાર થયેલા ચૂર્ણ સાથે ગોળ મિશ્ર કરી તેનું સેવન કરવાથી મોટી ભયંકર પથરી, બરલ, ભારે ગુલ્મ, પેટની પીડા, આમસંચય, મૂત્રના રોગો, મૂત્રકૃચ્છ અને પત્થર તેવી મજબૂત પથરીનો નાશ થાય છે.
વરુણકગુડ
400 તોલા વાયવરણો લેવો.(જીવાતે ખાધા વગરનો, તાજો, સ્નિગ્ધ અને પવિત્ર જગ્યામાં ઉછરેલો તથા શુભ દિવસે અને ચોઘડીએ કાપીને લાવેલો)
1600 તોલા પાણી લઈ તેનો કવાથ બનાવો.
ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં તેના બાકી રહેલા વજન જેટલો ગોળ ઉમેરી એક મજબૂત વાસણમાં પાક બનાવો.
ગોળ પાકીને ઘાટો થઈ જાય ત્યારે તેમાં સુંઠ, કાકડીના બીજ, ગોખરુ, પીપર, પાષાણભેદ, પદ્મકાષ્ઠ, કોળાના બીજ, ત્રપુસના બીજ, બહેડાના બીજ, મનશીલ, બથવો, સરગવો, દ્રાક્ષ, એલચી, શિલાજિત, હરડે અને વાવડિંગ આ સર્વે ઔષધો 4 – 4 તોલા લઈ ચૂર્ણ કરી ઉમેરો અને સારી રીતે મિશ્ર કરી લો. આ ઔષધને વરુણક ગુડ કહે છે.
આ વરુણક ગુડનો નિયમિત રીતે અને યોગ્ય પ્રમાણસર સેવન કરવાથી સર્વ પ્રકારના દોષોથી થયેલી પથરી તુરંત પડી જાય છે.
કુલત્થાધ ધૃત
વાયવરણાનો કવાથ બનાવી તેમાં કળથી, સૈંધવ, ચોખા, વાવડિંગ, સાકર, પદ્મકાષ્ટ, જવખાર, કોળાના બીજ અને ગોખરુના બીજનો કલ્ક કરી ઉમેરો.
આ મિશ્રણથી ઘીને સિદ્ધ કરી લો. આ ઔષધને કુલત્થાધ ધૃત કહેવામા આવે છે.
આ કુલત્થાધ ધૃતથી સર્વ પ્રકારની કષ્ટસાધ્ય પથરીઓ, મૂત્રકૃચ્છ, મૂત્રઘાત, અને સર્વ પ્રકારના મૂત્રરોગો મૂળમાથી નાશ કરે છે.
શરાદિપંચમુલાધ ધૃત
પાનબાજરિયા વગેરે પંચમુળનો કવાથ બનાવી લો. અને ગોખરુનો કલ્ક બનાવી લો.
64 તોલા ઘીમાં આ કવાથ અને કલ્ક ઉમેરી ઘીને સિદ્ધ કરી લો. આ ઔષધને શરાદિપંચમુલાધ ધૃત કહે છે.
આ ઔષધનું સેવન કરવાથી પથરી, મૂત્રકૃચ્છ અને વીર્ય માર્ગના તમામ રોગો મટી જાય છે.
વરુણાધ ધૃત
400 તોલા વાયવરણાને ખાંડીને 1024 તોલા પાણીમાં તેનો કવાથ કરો. ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી વસ્ત્રથી ગાળી લો.
વાયવરણા, કેળ, બિલી, તૃણપંચમૂળ, ગળો, પાષાણભેદ, કાકડીના બીજ, ધોળીવજ, તલનો ખાર, ખાખરાનો ખાર અને જૂઈના મૂળ આ તમામ ઔષધોનો એક એક તોલું કલ્ક બનાવો.
64 તોલા ઘી લઈ તેમાં તૈયાર કરેલ કવાથ અને કલ્ક ઉમેરી ઘીને સિદ્ધ કરી લો. આ ઔષધને વરુણાધ ધૃત કહેવામા આવે છે.
આ ઔષધનું દેશકાળ પ્રમાણે સેવન કરવું અને તેનું પાચન થયા બાદ જૂનો ગોળ અને દંહીનું પાણી પીવું. આથી પથરી, કાંકરી અને મૂત્રકૃચ્છનો નાશ થાય છે.
વિરર્તવાધ્ તૈલ
આસોંદરો, પાષાણભેદ, અરણી, અરલું, કાંકચ, અન્યવૃક્ષ, નખલો, એરંડો, ટિંબરુ, વાળો, પદ્મકાષ્ટ, દર્ભના મૂળ, કાંસડાના મૂળ, પાનબાજરિયાના મૂળ, ગરણીના મૂળ, શેરડીના મૂળ, એખરાના મૂળ, શતાવરી, ગોખરુ, બે જાતનો ઉંટકંટારો, આસોપાલવ, બ્રાહ્મી, નાનીસીવણ અને સીવણના મૂળ આ સર્વે સમાન માત્રામાં લો.
સર્વે ઔષધીઓના ઉપયોગથી કવાથ અને કલ્ક બનાવી લો. આ કવાથ અને કલ્ક વડે તેલ સિદ્ધ કરી લો આ તેલને વિરર્તવાધ્ તૈલ કહેવામા આવે છે.
આ કવાથ અને કલ્કથી સિદ્ધ કરેલા તેલની પિચકારી આપવાથી વાયુ અને પિત્તના વિકારો શાંત થાય છે, પથરી, કાંકરી, શૂળ અને મૂત્રકૃચ્છ મટી જાય છે.
પુનર્નવાધ તૈલ
સાટોડી,ગળો, શતાવરી, જવખાર, ત્રિલવણ, કચૂરો, કઠ, વજ, મોથ, રાસ્ના, કાયફળ, પુષ્કરમૂળ, અજમો, પલાશી, હિંગ, સુવા, વાવડિંગ, અતિવિષ, જેઠીમધ અને પંચકોલના આ સર્વેનો એક એક તોલો કલ્ક બનાવી લો.